નલિય, તા. 21 : અબડાસા તા.માં કુદરતની મહેર
છતાં તંત્રની ઉદાસીનતાને કારણે ખેડૂતોની હાલત `પાણીમાં રહીને મગર તરસ્યો'
જેવી થઈ છે. તાલુકાના બિટ્ટા પાસે આવેલો બાલાપર-બુડધ્રો ડેમ પાણીથી છલોછલ
ભરેલો હોવા છતાં, કેનાલની જર્જરિત અવસ્થાને કારણે 10થી વધુ ગામના ખેડૂતો શિયાળુ પાક માટે પિયતથી
વંચિત રહી જશે. પ્રાપ્ત વિગતો મુજબ, બાલાપર-બુડધ્રો ડેમમાં હાલ બારે મહિના ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે,
પરંતુ વિડંબના એ છે કે, આ ડેમમાંથી નીકળતી કેનાલ
છેલ્લાં સાત વર્ષથી બંધ હાલતમાં છે. જાળવણીના અભાવે કેનાલ અત્યંત જર્જરિત થઈ ગઈ છે અને તેમાં બાવળો તેમજ ઝાડી-ઝાંખરા
ઊગી નીકળ્યા હોવાથી પાણીનો પ્રવાહ અટકી ગયો છે. જો આ કેનાલનું તાત્કાલિક સમારકામ કરવામાં
આવે તો બિટ્ટા, નાની-મોટી ધુફી, હમીરપર,
તેરા, કુણાઠિયા અને કાળાતળાવ સહિતના આસપાસના 10થી વધુ ગામોની હજારો એકર જમીનને સીધો ફાયદો
થઈ શકે તેમ છે. હાલ પાણીનો વિપુલ જથ્થો હોવા છતાં કેનાલ વાટે ખેતરો સુધી પાણી પહોંચતું
ન હોવાથી ખેડૂતો રવીપાક (શિયાળુ પાક) લઈ શકતા નથી,
જેનાં કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ
અંગે બિટ્ટા ગામના જાગૃત ખેડૂત મોહન વડોર અને દાદાભાઈ જતે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી
છે કે, વહેલી તકે કેનાલની સફાઈ અને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં
આવે. જો સમયસર પાણી છોડવામાં આવે તો ખેડૂતો શિયાળુ પાક લઈ શકે અને ખેતી બચી શકે તેમ
છે.