તેહરાન, તા. 16 : ઇરાનની
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નેવી દ્વારા એક અત્યંત સનસનાટીપૂર્ણ દાવો કરવામાં
આવ્યો છે. ઇરાનનો દાવો છે કે, છેલ્લા 24 કલાક
દરમિયાન હોર્મુઝની સમુદ્રધૂની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ)ના દક્ષિણ માર્ગ પર દરિયાઈ માઇન્સ
સાથે અથડાવાને કારણે છ જેટલા વિશાળ ઓઇલ ટેન્કર સળગી ઊઠ્યા છે અથવા દરિયામાં ડૂબી ગયા
છે. ઇરાને ચેતવણી આપી છે કે, અમેરિકન સૈન્ય સાથે સહયોગ
કરનારી તમામ શાપિંગ કંપનીઓને નિશાન બનાવવામાં આવશે. ઇરાની સેનાના જણાવ્યા અનુસાર,
આ ટેન્કરો અમેરિકન સૈન્ય અધિકારીઓનાં માર્ગદર્શન અને ફાઇટર જેટ્સની કવર
સુરક્ષા હેઠળ ગેરકાયદે એવા દક્ષિણ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ટેન્કરોએ
પોતાની ઓળખ અને નેવિગેશન સિસ્ટમ બંધ રાખી હતી. વિસ્ફોટ બાદ ટેન્કરોમાં ભીષણ આગ લાગી
ગઈ હતી, જેમાં 20 લાખ બેરલ કરતાં વધુ ક્રૂડ ઓઈલ
લઈને જઈ રહેલું એક સુપર ટેન્કર દરિયામાં ગરકાવ થઈ ગયું હોવાનો પણ દાવો કરાયો છે. બીજી
તરફ,
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ કે દરિયાઈ સુરક્ષા સંસ્થા દ્વારા આ ઘટનાઓની
સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડએ અગાઉ દાવો કર્યો હતો
કે, મુખ્ય માર્ગો પરથી માઇન્સ હટાવી લેવાયા છે અને આ વિસ્તાર
અમારા નિયંત્રણ હેઠળ છે. ઇરાને જહાજોનાં નામ કે માલિકીની વિગતો જાહેર ન કરતાં આ દાવાઓ
અંગે સ્વતંત્ર પુષ્ટિ થવી બાકી છે. નોંધનીય છે કે, હોર્મુઝની
સમુદ્રધૂની વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ માર્ગોમાંથી એક છે, જ્યાંથી સામાન્ય દિવસોમાં વિશ્વના પાંચમા ભાગનું ઓઈલ અને એલએનજી પસાર થાય છે.
ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા સંઘર્ષ બાદ ઇરાને આ માર્ગ પર નિયંત્રણો
લાદ્યા હતા અને અમેરિકાએ ઇરાની બંદરો પર નાકાબંધી કરી ટેન્કરોને સુરક્ષા આપવાનું શરૂ
કર્યું હતું. જો આ દાવા સાચા સાબિત થશે તો દરિયામાં મોટાપાયે ક્રૂડ ઓઈલ ઢોળાવાથી પર્યાવરણીય
નુકસાન થશે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની શક્યતા સેવાઈ રહી છે.