નવી દિલ્હી, તા. 2 : દુનિયાભરમાં યુદ્ધોથી તાણ, ઊંચા વ્યાજદરો, મોંઘવારીને મચક નહીં આપતાં ભારતની બજારોમાં `તહેવાર
પ્રેરિત' તેજી જોવા મળી રહી છે. લોકોએ
ઓક્ટોબરમાં મન મૂકીને ખરીદી કરી હતી. જીએસટીની મોટી વસૂલાત, કારોનાં
વેચાણ, ડિજિટલ પેમેન્ટ અને વીજળીની વધેલી ખપતના આંકડા પરથી મોંઘવારીના
મારની જેટલી ભીતિ સેવાતી રહી છે તેટલી અસર થઇ નથી. જીએસટી વસૂલાત વીતેલાં વર્ષની તુલનાએ
22.9 ટકા વધીને 2.31 લાખ કરોડ થઇ ગઇ. એ જ બતાવે છે કે, બજારો ધમધમી રહી છે. દેશભરમાં ઓક્ટોબરમાં 5.30 લાખથી વધુ કારોનું વેચાણ થયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. દેશમાં 2.24 લાખ ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોનું વેચાણ થયું હોવાનું વાહન પોર્ટલના આંકડા પરથી
જાણવા મળે છે. એ જ રીતે ડિજિટલ પેમેન્ટમાં પણ નવો વિક્રમ રચાયો છે. ઓક્ટોબરમાં યુપીઆઇ
મારફતે 25.47 અબજ એટલે કે, 2,547 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. આ ટ્રાન્ઝેક્શન્સનાં
માધ્યમથી કુલ 31.53 લાખ કરોડ રૂપિયાની ડિજિટલ લેવડ-દેવડ માત્ર ઓક્ટોબરમાં થઇ હતી. આ લેવડ-દેવડમાં વાર્ષિક
આધાર પર 16 ટકા વધારો નોંધાયો છે. પહેલીવાર યુપીઆઇનાં માધ્યમથી રોજ સરેરાશ એક લાખ કરોડ રૂપિયાની
લેવડ-દેવડ દેશમાં થઇ છે. બીજી તરફ ઓક્ટોબર દરમ્યાન દેશમાં વીજળીની ખપત છેલ્લા વર્ષની
તુલનાએ લગભગ 22 ટકા વધીને 160 અબજ યુનિટ જેટલી જંગી રહી હતી. એ જ રીતે ડીઝલનાં વેચાણમાં પણ ઓક્ટોબર દરમ્યાન 11.7 ટકાનો વધારો આવ્યો છે. આવા તમામ આંકડા પર નજર કરતાં જણાય છે કે, ઓક્ટોબર મહિના દરમ્યાન દેશમાં
ખરીદી, કારોબાર, આર્થિક ગતિવિધિઓ તેજ રહી.
વૈશ્વિક તાણ અને મોંઘવારી વચ્ચે પણ લોકોએ ખર્ચ કરવામાં જરા પણ ખચકાટ અનુભવ્યો નથી.