અમદાવાદ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી) : દેશના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ શુક્રવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે
અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. બનાસકાંઠા, ગાંધીનગર અને કેવડિયામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું
શિલાન્યાસ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના દ્વારા કરાશે. 30મીએ પીએમ બનાસકાંઠાના ભીલડી અને સ્ટેચ્યુ
ઓફ યુનિટી ખાતે અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. 31મી ઓક્ટોબરે એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ
પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કેવડિયામાં વડાપ્રધાનની હાજરીમાં આ વખતે
પહેલીવાર એકતા પરેડ સાંજે યોજાશે. ત્યારબાદ પીએમ રાત્રે વડોદરા એરપોર્ટ પહોંચશે અને
બાદમાં વિશેષ વિમાન મારફતે નવી દિલ્હી પરત રવાના થશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને
લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણી
પૂર્વે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. 30 ઓક્ટોબરે, સવારે આશરે 9:30 વાગ્યે, પીએમ બનાસકાંઠાના ભીલડીમાં સ્થપાયેલા એમ્બ્રિયો
ટ્રાન્સફર ટેકનોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રાડિંગ એન્ડ
રિસર્ચ સેન્ટર કેટલ ફાર્મની મુલાકાત લેશે. સવારે 10:30 વાગ્યે, તેઓ બનાસકાંઠામાં રૂ.14,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો
શિલાન્યાસ, લોકાર્પણ કરશે. તેઓ પીએમ-કિસાન
હેઠળ રૂ.19,000 કરોડનો
24મો હપ્તો પણ રજૂ કરશે, બે ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવશે અને આ પ્રસંગે
જનસભાને સંબોધને કરશે. ત્યારબાદ, પીએમ કેવડિયાના એકતા નગર પહોંચશે. જ્યાં પીએમના હસ્તે 'ભારત પર્વ 2026' નું ઉદ્ઘાટન
કરવામાં આવશે. રાત્રે પીએમની ઉપસ્થિતિમાં નર્મદા આરતી યોજાશે. 31 ઓક્ટોબરે, સવારે આશરે 9 વાગ્યે,
પીએમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતા
નગરમાં રૂ.400 કરોડથી વધુના
વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. એકતા નગર ખાતે રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ
વાટિકાની પીએમ મુલાકાત લેશે. સાંજે આશરે 5:30 વાગ્યે, પીએમ
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી
નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. વડાપ્રધાન બનાસકાંઠાના ભીલડી
ખાતે રૂ. 328 કરોડના ખર્ચે તૈયાર થયેલું
ભારત બોવાઇન બ્રાડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે. 127 એકરમાં પથરાયેલ આ કેન્દ્ર સ્ટેટ-ઓફ-ધી-આર્ટ
સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરાયું છે. ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ
ટેકનોલોજીને મજબૂત બનાવશે, જેનાથી ઓલાદ સુધારણા 10 થી 20 ગણી ઝડપી બનશે. કાંકરેજ ગાયની
ઓલાદ માટે સમર્પિત આ પ્રકારની દેશની આ પ્રથમ સુવિધા હશે. અમદાવાદ મેટ્રો ફેઝ-2અ (એરપોર્ટ એક્સટેન્શન) અને ફેઝ-2ઇ (ગિફ્ટ સિટી એક્સટેન્શન) નો શિલાન્યાસ
પીએમના હસ્તે કરાશે. આશરે રૂ.2,600 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા
રોડ (સ્ટેટ હાઇવે-41) ને ચાર લેનમાંથી
આઠ લેનમાં અપગ્રેડ કરવા અને મજબૂત કરવા માટેનો શિલાન્યાસ પણ વડાપ્રધાન કરશે. આ પ્રોજેક્ટ
અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બનાવશે.