ઈસ્લામાબાદ, તા. 11 : પાકિસ્તાનના
સૌથી સુરક્ષિત સ્થળ મનાતા એવા રાવલાપિંડી સ્થિત આર્મી જનરલ હેડક્વાર્ટર (જીએચક્યુ)ના
મુખ્ય દ્વાર પર એક શખ્સે અંધાધૂધ ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળોએ તુરંત જ હુમલાખોરનો
સામનો કર્યો અને તેને ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો. જો કે, આ અથડામણમાં પાકિસ્તાની સેનાનો એક જવાનનું મોત
થયું હતું, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક મીડિયા
હેવાલ મુજબ, આસિમ મુનીરની કચેરી સુધી પહોંચી આવેલા હુમલાખોરે
ગોળીબાર કરતાં ગેટ પર તૈનાત સુરક્ષાકર્મીઓએ હુમલાખોર સામે તુરંત વળતો જવાબ આપ્યો હતો.
બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી ભીષણ અથડામણ ચાલી હતી, જેમાં
ફરજ પરના પાકિસ્તાની સેનાના એક જવાનનું મોત થયું હતું, જ્યારે
અન્ય બે સુરક્ષાકર્મીઓને ગોળી વાગવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમની તાત્કાલિક લશ્કરી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું
છે કે હુમલાખોરે તેના શરીર પર વિસ્ફોટકો બાંધેલા હતા. જનરલ આસિમ મુનીરની કચેરીના ગેટની
બરાબર બહાર થયેલા આ હુમલાએ સમગ્ર પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. કડક સુરક્ષાના દાવાઓ
અને સુરક્ષાના અનેક સ્તરોના ઘેરાવા છતાં એક હુમલાખોર જીએચક્યુની મુખ્ય ચોકી સુધી પહોંચવામાં
સફળ રહ્યો તે સાબિત કરે છે કે, પાકિસ્તાનમાં હવે કોઈ પણ સ્થળ
સુરક્ષિત નથી.