• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં એક મહિના પહેલાં બનાવેલી નવી ફૂટપાથ તૂટી ગઇ

ગાંધીધામ, તા. 11 : ગાંધીધામમાં એક મહિના પહેલાં જૂની કોર્ટ રોડ, ક્રોમા સેન્ટરથી અપનાનગર ચાર રસ્તા સુધીમાં સાત કરોડ રૂપિયાના ખર્ચે ફૂટપાથ સાથે ડામર રોડ બનાવવામાં આવ્યો છે, તે માર્ગની ગુણવત્તા સામે તો પહેલેથી જ અનેક સવાલો છે, હવે એક મહિનામાં ગાંધી માર્કેટથી અપનાનગર ચાર રસ્તા સુધીમાં અનેક જગ્યાએ ફૂટપાથ તૂટી  જતાં ભ્રષ્ટાચાર ઉજાગર થઈ રહ્યો છે. થોડા સમય પહેલાં જ સામાન્ય વરસાદમાં અનેક જગ્યાએ ફૂટપાથ બેસી પણ ગઈ હતી. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી તમામ કામગીરી ઉપર નજર રાખતા હતા અને જ્યાંથી ફરિયાદો ઊઠે ત્યાં તપાસ કરાવતા હતા. હાલના સમયે આ તમામ કામગીરી અને કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ કામ કરી રહ્યા છે. આઉટસોર્સથી ભરતી કરેલા ઈજનેરો ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોવાથી તેમને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી દેખાતી ન હોવાના જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે. એક મહિનાની અંદર ફૂટપાથ તૂટી જતાં વેપારીઓમાં આક્રોશ છે અને કામની ગુણવત્તા બાબતે વેપારીઓ ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. વેપારીઓ દ્વારા આ માર્ગની કામગીરીની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જૂની કોર્ટ રોડ અને શિવાજી પાર્ક બગીચાવાળા માર્ગે તપાસ કરવી જરૂરી છે. સામાન્ય વરસાદમાં અનેક જગ્યાએ ફૂટપાથ બેસી ગઈ હતી. જો પીસીસી કરવામાં આવ્યું હોત તો તે ફૂટપાથને કોઈ નુકસાન ન થાત, પરંતુ પીસીસી કરવામાં આવ્યું નથી. કમિશનર ટેન્ડરની શરતો અને કામગીરીની તપાસ કરે તો સત્ય સામે આવે તેમ છે, તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે માર્ગોની કામગીરીમાં સૌથી વધુ વેપારીઓ હેરાન થયા છે, તેની સામે વેપારીઓને કોઈ સમસ્યા નથી પરંતુ ગુણવત્તાયુક્ત કામો ન થતાં વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર શહેરમાં ચાલતા માર્ગોની અને અન્ય કામગીરી ઉપર નજર રાખે, તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd