• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

અંતે ભુજ સુધરાઇની પાંચ દુકાનોના આઠ વર્ષે શટર ખૂલે તેવા ઉજળા સંજોગો

ભુજ, તા. 11 : આઠેક વર્ષ બાદ અંતે ભુજ સુધરાઇ દ્વારા તૈયાર કરાયેલી 15 દુકાન પૈકી પાંચ દુકાનના શટર ખૂલવાનો માર્ગ મોકળો થયો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટાઉનહોલ પાસે બનેલી દુકાનોનું ઓકશન કરવાની મંજૂરી મળી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. ભુજ નગરપાલિકા દ્વારા વર્ષ 2018માં ત્રણ મુખ્ય સ્થળો ઇન્દ્રાબાઇ પાર્ક પાસે, ટાઉનહોલ નજીક તેમજ લેકવ્યૂ હોટેલ પાસે 15 જેટલી દુકાનો તૈયાર કરાઇ હતી, પરંતુ જે-તે સમયે માત્ર બેન્કને જ દુકાનો આપવી તે સહિતના નિયમોને કારણે આઠેક વર્ષ થવા છતાં દુકાનોના શટર પણ ખુલ્યા નહોતા. ઉપરોકત બાબતે આ માધ્યમમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને ધ્યાને લઇ ભુજ સુધરાઇની બાંધકામ શાખા દ્વારા ગાંધીનગર કક્ષાએ દુકાનોના હેતુફેર, પાર્કિંગ સહિતની દરખાસ્ત કરાતાં 15 દુકાનો પૈકી ટાઉનહોલ પાસેની પાંચ દુકાનો માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મંજૂરી અપાતાં આગળની પ્રક્રિયા માટે નગરપાલિકાની બાંધકામ શાખાએ પ્રયત્નો હાથ ધર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. આગળની પ્રક્રિયા અંગે આધારભૂત સૂત્રોના સંપર્ક સાધતાં જણાવ્યું કે, હવે દુકાનોના ભાવ નક્કી કરાશે અને ત્યારબાદ તેનું ઓકશન હાથ ધરાશે. સંભવત: બેથી ત્રણ માસમાં પ્રક્રિયા પૂરી થાય તેવી શક્યતા વ્યકત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા દ્વારા પોશ વિસ્તારમાં બનાવાયેલી 15 જેટલી દુકાનોનો કોઇ નિર્ણય ન આવતાં જર્જરિતતા તરફ આગળ ધપી રહી હતી અને લાખો-કરોડોનો ખર્ચ એળે જવાની જાગૃત નાગરિકો ભીતિ પણ સેવી રહ્યા હતા. જો કે, ઉપરોકત એક સ્થળે પાંચ દુકાનો માટે મંજૂરી મળતાં લોકો કહી રહ્યા છે કે, આઠ વર્ષે દુકાનોના શટર ખૂલશે....!

Panchang

dd