• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

ટેક્નોલોજીના વપરાશકર્તા નહીં સર્જક બનવાનું છે

અંજાર, તા. 11 : આજનો વિદ્યાર્થી માત્ર ભવિષ્યનો નાગરિક નથી તે ભવિષ્યનો સર્જક છે અને રોબટિક્સ તથા કાડિંગ દ્વારા સર્જનશક્તિને બળ આપવામાં આવી રહ્યું છે તેવી લાગણી અંજાર એજ્યુકેશન સોસાયટીમાં રોબોટિક્સ અને એઆઈ લેબના ઉદ્ઘાટન પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી. આ લેબમાં નર્સરીથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવશે. અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026/27થી રોબેટિક્સને એક વિષય તરીકે અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા આધુનિક લેબ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે મહંત ત્રિકમદાસ મહારાજ તથા બાબુભાઈ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા. નવી શિક્ષણનીતિમાં પણ પ્રયોગાત્મક શિક્ષણ તથા ટેક્નોલોજી, કાડિંગ, કુત્રિમ બુદ્ધિમત્તા અને 21મી સદીની કૌશલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિશાને ધ્યાનમાં રાખીને સંસ્થાએ વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું એક નવું ફલક ખોલ્યું છે તેવો ભાવ વ્યક્ત કરાયો હતો. લેબના ઉદ્ઘાટન પ્રસંગે રોબોટિક્સ લેબના ઇન્ચાર્જ રાધિકાબેન સોરઠિયા તથા હિરલબેન તેમજ કલ્પેશભાઈના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ રોબર્ટસ તથા એઆઇ આધારિત મોડેલ અને પ્રકલ્પનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંજાર એજ્યુકેશન કેમ્પસના ડાયરેક્ટર ડો. શિલ્પાબેન ભટ્ટે વિદ્યાર્થીઓ રોબટિક્સ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કાડિંગ જેવી ટેક્નોલોજી સાથે પરિચિત નહીં થાય, તો આવનારા સમયની તકો અને પડકારો સાથે કદમ મિલાવવા મુશ્કેલ બનશે વિદ્યાર્થીઓને માત્ર ટેક્નોલોજીના વપરાશ કરતા નહીં, પરંતુ ટેક્નોલોજીના સર્જક બનાવવાનો છે તેમ જણાવ્યું હતું. ટ્રસ્ટ પરિવાર તથા પ્રમુખ ચંદ્રકાંતભાઈ પલણ, મંત્રી મુકેશભાઈ શાહે જરૂરિયાતને સમજીને વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્ર ખોલ્યું છે. સંસ્થાના પીઆરઓ ભાર્ગવભાઈ નિમાવત તથા આઇટી હેડ હરિશ ચાવલા તેમજ આચાર્ય સૂરજાસિંહ ચુડાસમા, નીલેશભાઈ ચાવડા, મુકુંદભાઈ ભગત, હેતલબેન ભટ્ટ, હેતલબેન દોશીને બાબુભાઈ હુંબલ તથા મહંતે શુભેચ્છાઓ પાઠવી હતી. આ લેબમાં 60થી વધુ વિદ્યાર્થી પ્રાયોગિક રીતે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થા દ્વારા આ માટે 50થી વધુ રોબોટિક્સ કિટની ખરીદી પણ કરવામાં આવી છે. આ પ્રસંગે સહમંત્રી પ્રકાશ  બુચ, ખજાનચી હસમુખભાઈ કોડરાણી, ટ્રસ્ટી નિખિલભાઇ છાયા, સંજયભાઈ ચોટારા, ભાવેશભાઈ દવે અને ડી.સી. ઠક્કર તેમજ હોદ્દેદારો, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd