ન્યૂયોર્ક/નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ)
: યુનાઇટેડ સ્ટેટ્સની એક અદાલતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા
સાગર અદાણી સામેના ફોજદારી આરોપોને રદ કરી દીધા છે. આ સાથે લગભગ બે વર્ષથી ચાલી રહેલા
કથિત છેતરાપિંડી અને લાંચના કેસનો અંત આવી ગયો છે. ઇસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ ઓફ ન્યૂયોર્કની
યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ન્યાય વિભાગ (ડીઓજે)ની રૂલ 48(એ) હેઠળની અરજી મંજૂર કરીને
ગૌતમ અદાણી, સાગર અદાણી અને અદાણી ગ્રીનના
ભૂતપૂર્વ સીઈઓ વીનીત જૈન સામેના ઇન્ડિક્ટમેન્ટને રદ કરી દીધું. આ આરોપોમાં સિક્યોરિટીઝ
ફ્રોડ કન્સ્પિરસી, વાયર ફ્રોડ કન્સ્પિરસી અને સિક્યોરિટીઝ ફ્રોડનો
સમાવેશ થતો હતો. જજ નિકોલસ ગારાઉફિસે સરકારની અરજી પર વધારાની સ્પષ્ટતા માગી હતી અને
તે પછી જ કેસ રદ કરવાની મંજૂરી આપી છે. અમેરિકી કાનૂની ભાષામાં આ કેસમાં `િવથ પ્રેજ્યુડાઇસ' (પૂર્વગ્રહ)નો ઉપયોગ કરી કેસ બંધ કરવાનો અર્થ
એ છે કે, ફોજદારી કાર્યવાહી કાયમી રીતે બંધ થઈ જાય છે અને તે
આરોપો ફરીથી દાખલ કરી શકાતા નથી. ન્યાયાધીશે નોંધ્યું હતું કે, અદાણી ગ્રુપની રોકાણ પ્રતિબદ્ધતાનો ડીઓજેના નિર્ણય પર કોઇ પ્રભાવ પડયો હોવાનો
આધાર મળ્યો નથી અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આવા મામલાઓમાં
કોર્ટની ભૂમિકા મર્યાદિત હોય છે. કેસની સમીક્ષા બાદ અમેરિકી ન્યાય વિભાગે કોર્ટ સમક્ષ
દલીલ કરી હતી કે, આ કેસ આગળ વધારવો હવે ન્યાયના હિતમાં નથી. આ
કેસ નવેમ્બર-2024માં શરૂ થયો
હતો. યુએસ પ્રોસિક્યુટરોએ આરોપ લગાવ્યો હતો કે, ગૌતમ અદાણી, સાગર અદાણી, વીનીત
જૈન અને અન્યો ભારતીય સરકારી અધિકારીઓને 250 મિલિયન ડોલરની લાંચ આપીને સોલર પાવર કોન્ટ્રાક્ટ મેળવવાની કાવતરામાં
સામેલ હતા. આ કોન્ટ્રાક્ટમાંથી આગામી બે દાયકામાં બે અબજ ડોલરથી વધુ કર પછી નફો થવાની
અપેક્ષા હતી. વધુમાં, યુએસ માર્કેટમાં
3 અબજ ડોલરથી વધુના લોન અને બોન્ડ દ્વારા
ભંડોળ ઊભું કરતી વખતે રોકાણકારોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો પણ આરોપ હતો. અદાણી
ગ્રુપે આ આરોપોને સતત નકાર્યા છે અને કહ્યું છે કે,
તેઓએ લાગુ કાયદા અને નિયમનકારી જરૂરિયાતો અનુસાર કામ કર્યું છે. દરમ્યાન,
સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈએસ)ની અલગ સિવિલ કાર્યવાહી પણ
પૂર્ણ થઈ ગઈ છે. ગૌતમ અદાણીએ આરોપો સ્વીકાર્યા વિના જ અંતિમ હુકમને સંમતિ આપી છે. આ
હુકમ મુજબ તેમણે 30 દિવસમાં એસઈએસને
6 મિલિયન ડોલરનો સિવિલ દંડ ભરવાનો છે. ટ્રમ્પ
વહીવટીતંત્રે અદાલતમાં રજૂઆત કરી હતી કે, હવે આ કેસ ચાલુ રાખવો ન્યાયના હિતમાં નથી. તેમણે ન્યાયિક અને પુરાવાકીય મુશ્કેલીઓ,
કથિત કૃત્યોનું મોટાભાગે ભારતીય સ્વરૂપ, ભારતીય
અધિકારીઓ દ્વારા આ બાબતની તપાસ, કોઈ રોકાણકારને નુકસાન ન થયું
હોવું અને વ્યાપક જાહેર હિત જેવા કારણો આપ્યા હતા. ડીઓજીએ એ પણ કહ્યું હતું કે,
આ ઇન્ડિક્ટમેન્ટ બાઈડન વહીવટીતંત્રના અંતિમ સપ્તાહોમાં જાહેર થયું હતું
અને તેને ટ્રાયલ સુધી લઈ જવાની વાસ્તવિક સંભાવના ઓછી હતી. તેમણે તેને રાજકીય રીતે પ્રેરિત
`નેમ એન્ડ શેમ' કવાયત ગણાવ્યું હતું. યુએસ અદાલતના આ નિર્ણય
સાથે અદાણી પરિવાર સામેનો ફોજદારી કેસ કાયમી રીતે બંધ થઈ ગયો છે.
અમારા પર અને ન્યાય પર વિશ્વાસ જાળવી રાખવા બદલ આભાર : ગૌતમ
અદાણી
કેસ રદ થયા બાદ ગૌતમ અદાણીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું : `હું આ નિર્ણયને નમ્રતા અને ન્યાયિક પ્રક્રિયા
પ્રત્યે ઊંડા સન્માન સાથે સ્વીકારું છું. આ પડકારજનક સમયગાળા દરમિયાન સત્ય, ન્યાય અને કાયદાના શાસન પર અમારો વિશ્વાસ અતૂટ
રહ્યો. જેઓએ અમારા પર, સિસ્ટમ પર અને ભારતની ન્યાય ક્ષમતા પર
વિશ્વાસ જાળવી રાખ્યો તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમે જે મહત્ત્વનું છે તે
જ કરતા રહીશું આપણા રાષ્ટ્ર માટે નિર્માણ,
અમારા કરતાં વધુ ટકી રહે તેવું મૂલ્ય સર્જવું અને પોતાના કરતાં મોટા
હેતુની સેવા કરવી. એ જ અમારી પ્રતિબદ્ધતા છે.'