• શુક્રવાર, 27 માર્ચ, 2026

તકેદારી આયોગના રિપોર્ટમાં તાકીદ : 678 સરકારી કર્મીને સજા કરો

અમદાવાદ, તા.26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં સરકારી તંત્રમાં શિસ્ત અને જવાબદારી નક્કી કરવા માટે ગુજરાત તકેદારી આયોગ દ્વારા વર્ષ 2024નો અહેવાલ વિધાનસભામાં રજૂ કરાયો હતો આ અહેવાલમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ચાલતી ખાતાકીય તપાસમાં આળસ અને વિલંબ સામે રાજ્ય તકેદારી આયોગે લાલ આંખ કરી છે. તકેદારી આયોગે રાજ્યમાં કુલ 678 દોષિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ  સામે શિસ્તાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.  આ 678 કર્મચારીઓ પૈકી 29 કર્મચારીઓ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની સૂચના અપાઈ છે. આ ઉપરાંત ત્રણ કર્મચારીઓના પેન્શનમાં કાપ મુકવામાં આવ્યો છે. જ્યારે 54 કર્મચારીઓને હળવી સજા કરવામાં આવી છે. બીજી તરફ 588 ફરિયાદો દફતરે કરાઈ છે. તકેદારી આયોગના રિપોર્ટમાં દોષિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે સરકાર કડકાઈ પૂર્વક વર્તે તેવી પણ ભલામણ કરવામાં આવી છે.  રાજ્ય તકેદારી આયોગે ભ્રષ્ટાચાર કે ગેરરીતિના કેસોમાં સંડોવાયેલા અધિકારીઓ સામે તપાસ પૂર્ણ કરવામાં થઈ રહેલા અક્ષમ્ય વિલંબને લઈને તમામ સરકારી વિભાગોને કડક સૂચના આપી છે. અનેક વિભાગોમાં વર્ષો જૂના ખાતાકીય તપાસના કેસો હજુ પણ પેન્ડિગ છે. નિયમ મુજબ અમુક ચોક્કસ સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરી તેનો અહેવાલ સુપરત કરવાનો હોય છે, પરંતુ વહીવટી તંત્રના અધિકારીઓ તપાસ કરવામાં આળસ દાખવી રહ્યા છે. આ વિલંબનો સીધો ફાયદો કસૂરવાર અધિકારીઓને મળે છે, જેઓ નિવૃત્તિ સુધી પોતાની સજાથી બચી જાય છે અથવા પ્રમોશન મેળવી લે છે. રાજ્ય તકેદારી આયોગે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે તપાસ કરવામાં હવે વધુ વિલંબ સહન કરવામાં આવશે નહીં. આયોગે દરેક વિભાગના વડાઓને આદેશ આપ્યો છે કે, પડતર કેસોની સમીક્ષા કરવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે તપાસ અહેવાલ રજૂ કરવામાં આવે. આ કડક વલણ પાછળનો હેતુ સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવાનો અને ભ્રષ્ટાચારીઓ પર લગામ કસવાનો છે. 

Panchang

dd