વોશિંગ્ટન, તા.26 : અમેરિકી ડેટા એનાલિટિક્સ ફર્મ
મોર્નિંગ કંસલ્ટમાંથી પીએમ મોદી માટે ખુશખબર સામે આવ્યા છે. સંસ્થા દ્વારા કરવામાં
આવેલા વૈશ્વિક સરવે અનુસાર પીએમ મોદી ફરી એક વખત દુનિયાના સૌથી લોકપ્રિય લોકતાંત્રિક
નેતા બન્યા છે. તેઓને 68 ટકાના જોરદાર રેટિંગ સાથે પહેલું
સ્થાન મળ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર 39 ટકા મત સાથે ઘણા પાછળ છે. ગ્લોબલ
લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રેકરનો ડેટા પીએમ મોદીની ઘરેલુ લોકપ્રિયતા અને વધતી આંતરરાષ્ટ્રીય
ઓળખને બતાવે છે. આ ડેટા અનુસાર પીએમ મોદી દુનિયાની અન્ય પ્રમુખ અર્થવ્યવસ્થાના પોતાના
સમકક્ષોથી ખુબ જ આગળ છે. સરવેમાં સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પારમેલિન અને દક્ષિણ
કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યૂંગ, બન્નેને 62 ટકાના રેટિંગ
સાથે બીજા સ્થાને રાખવામાં આવ્યા છે. ડેટામાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને 39 ટકા, બ્રિટિશ પીએમ કીર સ્ટારમરને 24 ટકા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ
ઈમેનુએલ મેક્રોંને 17 ટકા રેટિંગ
મળ્યું છે. મોર્નિં કંસલ્ટે કહ્યું હતું કે, નવા રેટિંગ્સ સરવેમાં કરવામાં આવેલા દરેક દેશના વયસ્કોના વિચારોમાં છેલ્લા
સાત દિવસના મુવિંગ એવરેજને બતાવે છે. જેમાં પીએમ મોદીની નેટ અપ્રૂવલ રેટિંગ ખુબ જ વધારે
છે. માત્ર 26 ટકા લોકો
દ્વારા જ અસહમતિ બતાવવામાં આવી છે. જે ટ્રેકરમાં સામેલ અન્ય નેતાઓની સરખાણીએ ખુબ ઓછી
અસહમતિ છે.