• શુક્રવાર, 27 માર્ચ, 2026

-તો બાબ-અલ-મંદેબ પણ બંધ કરશું : ઈરાન

નવી દિલ્હી, તા. 26 : હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર અંગે દુનિયાભરમાં ચિંતા બનેલી છે અને તેવામાં હવે બાબ અલ મંદેબ સ્ટ્રેટ મુશ્કેલીનું નવું કારણ બની શકે છે. ઈરાને હવે બાબ અલ મંદેબ ખાડીને પણ બંધ કરવાની ધમકી આપી છે. ઈરાની મીડિયાએ ઈરાનના રક્ષા અધિકારીઓના હવાલાથી કહ્યું હતું કે જો અમેરિકાએ હોર્મુઝ કે ખાર્ગ દ્વીપ ઉપર પોતાના સૈનિકોને ઉતાર્યા તો ઈરાન નવા એક સ્ટ્રેટને બંધ કરી શકે છે. બાબ અલ મંદેબ એક મહત્ત્વનો સમુદ્રી માર્ગ છે. જે 20 માઈલ પહોળો છે અને રેડ સીને એડનની ખાડી તેમજ હિંદ મહાસાગર સાથે જોડે છે. આ દુનિયાનો મહત્ત્વનો વ્યાપારીક રસ્તો છે કારણ કે અહિંયાથી અંદાજીત 12 ટકા ગ્લોબલ ટ્રેડ થાય છે. આ સ્ટ્રેટને ગેટ ઓફ ટીયર્સ એટલે કે આંસુઓનો દ્વાર પણ કહેવાય છે. બાબ અલ મંદેબનો રસ્તો  જહાજો માટે મુશ્કેલીભર્યો હોવાના કારણે તેનું નામ ગેટ ઓફ ટિયર્સ પડયું છે. આ સ્ટ્રેટ યુરોપ, એશિયા અને પશ્ચિમ એશિયા વચ્ચે વ્યાપાર, તેલ અને પ્રાકૃતિક ગેસ માટે સૌથી મહત્ત્વનો સમુદ્રી રસ્તો છે અને સુવેઝ નહેર મારફતે જોડાયેલો છે. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ઈરાન બા અલ મંદેબમાં જહાજો ઉપર સીધો હુમલો કરે તેવી સંભાવના ઓછી છે. ઈરાન હૂતીઓ મારફતે હુમલા કરાવી શકે છે. યમનના હૂતી સમુહ સાથે ઈરાનના નજીકના સંબંધ રહ્યા છે. 2023મા જ્યારે ઈઝરાયલ-હમાસ સંઘર્ષ  ચરમસીમાએ હતો ત્યારે પણ હૂતીએ રાતા સમુદ્રથી પસાર થનારા ઈઝરાયલી જહાજો ઉપર હુમલા કર્યા હતા. ત્યારે હૂતી વિદ્રોહીઓએ એન્ટી શિપ બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. - આ રૂટ બંધ થાય તો એક ટ્રિલિયન ડોલરના વ્યાપાર પર જોખમ : જો ગેટવે ઓફ ટિયર બંધ થશે તો તેનાથી દુનિયામાં હાહાકાર મચી શકે છે. નિષ્ણાતો અનુસાર આ ઈરાનની ત્રિસ્તરીય વ્યૂહરચનાનો ભાગ છે. પહેલા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવો, બીજું ઈઝરાયલને લેબેનોનમાં વ્યસ્ત રાખવું અને ત્રીજું બાબ અલ મંદેબનો રસ્તો બંધ કરવો. જો આ માર્ગ બંધ થશે તો વૈશ્વિક વ્યાપારનો 1 ટ્રિલિયન ડોલર એટલે કે 94 લાખ કરોડ રૂપિયા દાવ ઉપર લાગી જશે. બાબ અલ મંદેબ બંધ થતા જહાજોને પૂરું આફ્રિકા ફરીને કેપ ઓફ ગુડ હોપથી જવું પડશે. જેનાથી જે મુસાફરી 20-25 દિવસમાં પૂરી થતી હતી તેને પૂરી કરવામાં 30-40 દિવસ લાગી શકે છે. વધુમાં મોંઘવારી વધી શકે છે. 

Panchang

dd