નવી દિલ્હી, તા. 26 : મધ્ય પૂર્વમાં
ચાલી રહેલા યુદ્ધ પર શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા મુખ્યમંત્રીઓ સાથે વીડિયો
કોન્ફરન્સિંગ દ્વારા ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના ઘર્ષણના પગલે ઊભી થયેલી પરિસ્થિતિ
પર ગહન ચર્ચા કરશે. જો કે, આ બેઠકમાં એ રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ નહીં
થાય, જ્યાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. એક મીડિયા હેવાલ
મુજબ, યુદ્ધના કારણે સમગ્ર દુનિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
સર્જાઈ છે, ત્યારે તેની ભારત પર પણ માઠી અસર પડી શકે છે,
જે માટે મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ મુખ્યમંત્રીઓ સાથે
ચર્ચા કરશે. આ બેઠકનો હેતુ ટીમ ઈન્ડિયાની ભાવના હેઠળ ઊર્જા સંકટનો સામનો કરવા થઈ રહેલા
તમામ પ્રયાસો વચ્ચે તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે. નોંધનીય છે કે, ગત 24 માર્ચે વડાપ્રધાને
રાજ્યસભામાં કહ્યું હતું કે, અમેરિકા-ઈઝરાયલ
અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ લંબાય તો દુષ્પરિણામ આવી શકે છે. આવનારો સમય
દેશની પરીક્ષા કરી શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે,
સરકારે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના પુરવઠા
અંગે પણ સ્પષ્ટતા કરી છે કે, દુનિયામાં કાંઈ પણ થઈ જાય,
પણ ભારત પાસે આગામી 60 દિવસ સુધી ચાલે તેટલા કાચા તેલ અને આઈલનો પુરવઠો છે. તેથી સોશિયલ
મીડિયામાં ચાલી રહેલી અફવાઓથી લોકો ગભરાય નહીં તેમ પણ સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું.