• શનિવાર, 28 માર્ચ, 2026

મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામની આશા ધૂંધળી બની

તેલ અવીવ / તેહરાન, તા. 26 : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જામેલા અને દુનિયાભરમાં ઈંધણ સંકટ સર્જનારાં યુદ્ધમાં વિરામની જાગેલી આશા હવે ધૂંધળી બની રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જણાવ્યું હતું કેઈરાન સમજૂતી કરી લે નહિતર હુમલા વધુ તીવ્ર બનાવશું. બીજી તરફ ઈરાને કહ્યું છે કે, અમેરિકી પ્રસ્તાવ એકતરફી છે. અલબત્ત પરદા પાછળ વાતચીત માટેના પ્રયાસ થઈ રહ્યા છે, પણ હાલ તો બન્ને પક્ષ અડગ દેખાઈ રહ્યા છે. અમેરિકાના 7000 મરીન કમાન્ડો સહિતના સૈનિકો મધ્ય-પૂર્વ ભણી આગળ વધી રહ્યા છે. ત્યારે યુદ્ધ વકરે તેવી ભીતિ છે અને ઈરાન પર બે તરફથી ઘેરાબંધીની તૈયારી થઈ રહી છે. ટ્રમ્પે અત્યાર સુધીનો સૌથી વિચિત્ર દાવો કરતાં કહ્યું હતું કે, ઈરાન તેમને નવા સુપ્રીમ લીડર બનાવવા ઈચ્છતું હતું, પણ મેં ઈન્કાર કર્યો હતો. એક રિપબ્લિકન કાર્યક્રમમાં ટ્રમ્પે ઈરાનને વધુ એક ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે, ઈરાન સમજૂતી માટે જલ્દી ગંભીર નહીં બને તો પછી પાછા વળવાનો કોઈ રસ્તો બચશે નહી.  બીજીતરફ ઈરાનના ટોચના અધિકારીઓએ કહ્યું હતું કે, અમેરિકી પ્રસ્તાવ એકતરફી છે, જો કે, પરદા પાછળ તુર્કી અને પાકિસ્તાન મધ્યસ્થીના પ્રયાસ કરી રહ્યા છે. દરમ્યાન ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોર્ટે જણાવ્યું  હતું કે, અમેરિકાએ ઈરાનને 15 મુદ્દાનો કાર્યસૂચિનો પ્રસ્તાવ પાકિસ્તાન મારફત મોકલ્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન તરફથી અમેરિકાની યુદ્ધ વિરામની માગણી દેખીતી રીતે ફગાવવામાં આવી છે. ટ્રમ્પે પાકિસ્તાન મારફતે યુદ્ધ વિરામની માંગ અને પ્રસ્તાવો ઈરાન સુધી પહોંચાડયા હતા.  ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાનની સમજૂતી કરવાની ખૂબ ઈચ્છા છે, પણ તેઓ ડરી રહ્યા છે કારણ કે, પોતાના જ લોકો મારી શકે છે. વધુમાં એવો ડર પણ છે કે અમેરિકાના હાથે મરાઇ જશે. દુનિયામાં કોઈપણ દેશના એવા કોઈ નેતા નહીં હોય જે ઈરાનના પ્રમુખ બનવાથી બચવા માગતા હોય. જો કે મેં ઈરાનના સર્વોચ્ચ નેતાના પદના પ્રસ્તાવ ઉપર ઈન્કાર કર્યો હતો અને મને ઈરાનના સર્વોચ્ચ લીડર બનવાની ઈચ્છા ન હોવાનો જવાબ આપ્યો હતો. ટ્રમ્પે ઈરાનને નવી ધમકી પણ આપી હતી કે, ગંભીર બનીને સમજૂતી કરી લેવામાં આવે, બાકી પાછા વળવાનો કોઈ રસ્તો રહેશે નહી. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, સમય ઝડપથી વીતી રહ્યો છે. ઈરાનના લોકો વિચિત્ર છે. એક તરફ અમેરિકા સાથે સમજૂતીની ભીખ માગી રહ્યા છે, તો બીજી  તરફ જાહેરમાં કહી રહ્યા છે કે,માત્ર અમેરિકી પ્રસ્તાવની  સમીક્ષા થઈ રહી છે. ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, ઈરાની સૈન્ય ક્ષમતા પૂરી રીતે ખતમ થઈ ચૂકી છે અને તે ફરીથી મજબૂત થવાની કોઈ સંભાવના નથી. તેમણે ચેતવણી આપી હતી કે, ઈરાને જલ્દી ગંભીર બની જવું પડશે. જો સમજૂતીની તક હાથમાંથી નીકળી જશે તો પછી પાછા વળવાનો કોઈ રસ્તો રહેશે નહીં. 

Panchang

dd