• રવિવાર, 15 માર્ચ, 2026

કચ્છમિત્રનું સેવાક્રાંતિ મોડેલ મહાજન પરંપરાને વધુ દીપાવશે

ભુજ, તા. 14 : કચ્છમિત્રનું સેવાક્રાંતિ મોડેલ કચ્છની સ્વૈચ્છિક સંસ્થાઓને બળ પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે, એવું ભુજ ખાતે કચ્છમિત્ર સેવા સન્માન એવોર્ડ સમારોહ અને કચ્છ એનજીઓ સેવાક્રાંતિ મહાસંમેલનમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું. સાંસદ વિનોદ ચાવડા સહિતની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ કચ્છમિત્ર સેવા એપ મજબૂત સેતુ બનશે તેવી રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં શ્રેષ્ઠ સેવક તરીકે શાંતિલાલ ઠક્કર અને શ્રેષ્ઠ એનજીઓ તરીકે ગ્રામ્ય સેવા સંગઠન રાપરને સન્માનિત કરવામાં આવી હતી. કચ્છમિત્રની પહેલ કચ્છની મહાજન પરંપરાને વધુ ઉજ્જવળ બનાવશે, તેવો વિશ્વાસ અગ્રણીઓએ પ્રતિપાદિત કર્યો હતો. : કચ્છમિત્રની પહેલ અદ્વિતીય  : મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના ઉદ્બોધનમાં કચ્છમિત્રની પહેલને અદ્વિતીય ગણાવી હતી. ત્રણ બિંદુ સાથે કચ્છમિત્ર વિશેષ વંદના મારફત સહયોગનો સુંદર સેતુ રચ્યો છે, તેને બિરદાવતાં સાંસદે કચ્છમિત્ર સ્વૈચ્છિક સંસ્થાઓ આ માટે બેન્ક બની હોવાનું કહી આ પહેલનો મહત્તમ લાભ લેવા કહ્યું હતું. કચ્છમાં કોઈ પણ કુદરતી આફત આવી હોય ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ પડખે આવીને ઊભી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી સંસ્થાને કામ કરવા માટે મોકળું મેદાન આપ્યાનું જણાવી કચ્છમિત્રની પહેલનો વ્યાપ આખા કચ્છમાં વિસ્તરે તે માટે સીએસઆર ફંડ મેળવવા સહિતની બાબતમાં બનતો સહયોગ આપશે, તેવી ખાતરી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સેવા સંસ્થાના પ્રતિનિધિઓનો નામજોગ ઉલ્લેખ કરી તેમના કાર્યોને બિરદાવ્યા હતા. - કચ્છમિત્ર સેવાએપ સંસ્થાઓને પીઠબળ પૂરું પાડશે : પ્રેઝન્ટેશન મારફત કચ્છમિત્ર સેવા એપ વિશે માહિતી આપતાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ કહ્યું કે, કચ્છમિત્ર સેવા ટ્રસ્ટમાં સાત સભ્યની કમિટી બનાવાશે. જેના વડા તરીકે કલેક્ટર રહેશે. કમિટીમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના બે ટ્રસ્ટી ફાયનાન્સિયલ કન્ટ્રોલર, લીગલ એડવાઈઝર, વેરિફિકેશન હેડ, ટેકનિકલ હેડ સહિતનો સમાવેશ કરાયો છે. હાર્દિકભાઈએ કહ્યું કે, આ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શિતાપૂર્ણ રીતે હાથ ધરાશે. - સેવાકીય મોડેલના મુખ્ય ઉદ્દેશ  : સેવાક્રાંતિ મોડેલ અંતર્ગત એનજીઓ કાર્યક્ષેત્રને પબ્લિક ડોમેનમાં મૂકી ડાયરેક્ટ કનેક્ટ દ્વારા દાન મેળવવાની નવી પદ્ધતિની સમજૂતી, એનઆરઆઈનું ફંડ અને ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્તમ સીએસઆર ફંડ સ્થાનિક સંસ્થાઓને મળે, ડુપ્લિકેશન વર્કને દૂર કરવા સહિતના ઉદ્દેશો મુખ્ય છે. - પ્રારંભ બે તાલુકામાં અમલીકરણ : હાર્દિકભાઈએ કહ્યું કે, કચ્છમિત્રની પહેલનું પ્રારંભે બે તાલુકામાં અમલીકરણ કરાશે. ઓથેરાઈઝેશન ઈમ્પેક્ટ, ઈમ્પેક્ટ બેઝ્ડ સોલ્યુશન, માઈક્રો ડોનેશ મોડેલ વિકસાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશે. આ પહેલના માધ્યમથી યુનિફાઈડ બેનિફિશિયરી ડેટા, વોલિયેન્ટર બેન્ક તૈયાર કરાશે. - કચ્છમિત્રની ભૂમિકા : કચ્છમિત્ર દ્વારા દર મહિને એક સંસ્થાની પ્રર્વતીનો અહેવાલ પ્રસિદ્ધ કરશે. ગ્રાફિક્સ દ્વારા કામગીરીનો ચિતાર રજૂ કરાશે, તો મીડિયા વર્કશોપના આયોજન, સક્સેસ સ્ટોરીને હાઈલાઈટ્સ કરવા, સીએસઆર કનેક્ટ ઈવેન્ટ યોજવા સહિતનું કાર્ય કરવામાં આવશે. - સંસ્થાને ક્રેડિટ સ્કોર અપાશે : આ એપ મારફત સંસ્થાને ક્રેડિટ સ્કોર આપવામાં આવશે. સ્કીલ એક્સચેન્જ પ્રોગ્રામ, સેવા ટૂરિઝમ વિકસાવવા સહિતના કાર્યો કરવામાં આવશે. - સ્વૈચ્છિક સંસ્થાઓ વિકાસની સહભાગી  : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલાએ સ્વૈચ્છિક સંસ્થાઓ વિકાસની સહભાગી હોવાનું જણાવતાં કહ્યું કે, આવી સંસ્થાઓના કાર્ય થકી કચ્છ ઊજળું છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ આ માટે હંમેશાં સહયોગ આપતું રહેશે તેવી ખાતરી આપી હતી. લોકપ્રશ્નોના ઉકેલ માટે ટ્રસ્ટની તત્પરતા પણ તેમણે દેખાડી હતી. - સંસ્થાઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ : કચ્છમિત્રના તંત્રી દીપક માંકડે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, કચ્છમિત્રની આ પહેલ થકી સંસ્થાઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરાયો છે. જગડુશાના વખતથી કચ્છની સેવા પરંપરા ઝળહળતી રહી છે, એની વાત કરતાં કચ્છમિત્રની સેવાકીય પ્રવૃત્તિનો ચિતાર રજૂ કર્યો હતો. ખાસ કરીને નાના એનજીઓને ઉજાગર કરવાનો પ્રયાસ થયાનું તેમણે ઉમેર્યું હતું. - અગ્રણીઓની ઉપસ્થિતિ : કાર્યક્રમમાં બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી, જિ. પંચાયત પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, ખગોળશાત્રી ડો. જે.જે. રાવલ, લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના ભરત મહેતા, અભય શાહ, મુક્તજીન સ્વામીબાપા મહિલા કોલેજના મેને. ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણી, હિંમતસિંહ વસણ, ચિરાગ કોઠારી, મુલેશ દોશી, વાડીલાલ દોશી, વાચોનિધિ આર્ય, પ્રબોધ મુનવર, દિનેશ શાહ, જિતેન્દ્ર જોષી, ડો. પ્રવીણ લીંબાણી, વિનોદ પિંડોરિયા, એચ.એસ. ગોપલાણી, વી.જી. મહેતા, હેમેન્દ્ર જણસારી, બીનાબેન ભાનુશાલી, ઈલાબેન મહેતા, મહેશ પી. મહેતા, કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલ પંડયા, મદદનીશ વ્યવસ્થાપક હુશેન વેજલાણીસહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ડો. પૂર્વી ગોસ્વામીએ, તો આભારવિધિ મેનેજર મુકેશ ધોળકિયાએ કરી હતી. - શ્રેષ્ઠ એનજીઓ અને સેવકને સન્માનાયા : કાર્યક્રમમાં શ્રેષ્ઠ એનજીઓ તરીકે રાપરની ગ્રામ્ય સેવા સંગઠન સંસ્થાને 51,000ના ચેક અને ટ્રોફીથી પુરસ્કૃત કરાઇ હતી. સાંસદ વિનોદ ચાવડા, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા, ટ્રસ્ટી સંજયભાઇ એન્કરવાલા, તંત્રી દીપક માંકડે આ સન્માન સંસ્થાના હાજાભાઇને એનાયત કર્યું હતું. રાપરની આ સંસ્થા બે દાયકા કરતાં વધુ સમયથી મનોરોગીઓના ઉત્થાન અને તેમના પરિવાર સાથે મેળાપ કરાવવા સહિતનું કાર્ય કરી રહી છે. હાજાભાઇ અને શૈલેશભાઇએ પ્રતિભાવમાં કચ્છમિત્રનો આભાર માની જે ભાવ જાગ્યો તેને આ એવોર્ડ મારફત ફળશ્રુતિ મળી છે. શ્રેષ્ઠ સેવક તરીકે વાઢા કોળી સમાજના ઉત્થાન માટે કાર્ય કરનારા શાંતિલાલ પુરુષોત્તમ ઠક્કરને 25,000નો ચેક અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. પ્રતિભાવ આપતાં શાંતિલાલભાઇએ કહ્યું કે, સ્વરૂપી ભાવથી કામ કર્યું છે. પરિણામ મેળવ્યું તેનું સુખદ પરિણામ આ એવોર્ડરૂપે મળ્યું તેનો અનહદ આનંદ છે.

Panchang

dd