નવી દિલ્હી, તા. 14 : ઈરાન યુદ્ધનાં
કારણે ઓઇલના સંકટમાં સપડાયેલી દુનિયાનો જીવ ઉચક કરી નાખે તેવા નવા ઘટનાક્રમમાં અમેરિકાએ
ફારસની ખાડીમાં ઈરાનની જીવનરેખા સમાન ખાર્ગ દ્વીપ ઉપર બોમ્બમારો કરી નાખ્યો છે. ઈરાનની
કમાણી ક્રૂડ ઓઇલમાંથી થાય છે અને આમાંથી 90-9પ ટકા ઓઇલ આ ખાર્ગ ટાપુ ઉપરથી જ વિવિધ દેશોમાં નિકાસ થાય છે.
અમેરિકા હવે ઈરાનની કમર આર્થિક રીતે ભાંગી નાખવા સજ્જ થયું હોય તેવી ઘોષણા અને ધમકીમાં
ટ્રમ્પે કહ્યું હતું કે, ખાર્ગ દ્વીપ
ઉપર ઈરાનનાં લગભગ 90 સૈન્ય મથકનો
ખાતમો કરી નાખવામાં આવ્યો છે અને હવે તેનાં તેલનાં માળખાંને પણ ધ્વસ્ત કરવામાં આવી
શકે છે. એ સાથે જ ટ્રમ્પે તેલ માટે નિર્ણાયક એવી હોર્મુઝની ખાડી પર કબજો કરવા માટે
પણ મોટી તૈયારી કરી છે અને એ માટે 2500 મરીન કમાન્ડોને બોલાવ્યા છે,
સાથે જ ચીન, ફ્રાન્સ, જાપાન,
દક્ષિણ કોરિયા, યુ.કે. જેવા દેશોને આ વિસ્તારમાં
પોતાનાં જહાજ મોકલવા જણાવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, કોઇ
પણ સંજોગોમાં હોર્મુઝની ખાડી ખોલીને રહેશું. ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડ ઓઇલના
ભાવ ભડકે બળવા લાગ્યા છે અને જો અમેરિકા હવે ઈરાનનાં ઓઇલના ઢાંચાને પણ ટાર્ગેટ કરશે
તો ઓઇલના ભાવ જ્વાળામુખીની જેમ ફાટે તેવી દહેશત છે, તો યુદ્ધ
પણ વધુ તીવ્ર બનવાની ભીતિ છે. ખાર્ગ ટાપુ ઉપર
અમેરિકાના હુમલા બાદ ઈરાન પણ ગાંજ્યું જાય એમ નથી. વધુ ઉશ્કેરાયેલા ઈરાને અખાતના દેશોમાં
અમેરિકાનાં હિતો ઉપર વધુ ભીષણ હુમલા કરવાની ધમકી આપી દીધી હતી. ઈરાને સાઉદી અરબના પ્રિન્સ
સુલ્તાન એરબેઝ પર ઊભેલા અમેરિકી વાયુસેનાનાં પાંચ રિફ્યુલિંગ વિમાન પર હુમલા કર્યા
હતા, જેમાંથી કમસેકમ બેને નુકસાન થયું છે. ઈરાનની સેના ઈસ્લામિક
રિવોલ્યુશ્નરી ગાર્ડ કોર્પ્સે યુએઈને સત્તાવાર રીતે જાણ કરી હતી કે, ખાર્ગ ઉપર હુમલા પછી હવે અમેરિકાના છૂપા અડ્ડાઓ ઈરાનના કાયદેસરનાં લક્ષ્ય બની
ગયાં છે. એટલે કે, ઈરાન હવે યુએઈમાં અને અન્ય ખાડી દેશોમાં પણ
અમેરિકાનાં ઠેકાણાંઓ ઉપર વધુ ઘાતકી હુમલા કરે તેવી આશંકા છે. દરમિયાન અમેરિકા અને ઈઝરાયલના
હુમલાનો શિકાર બનેલા પેલેસ્ટાઈનનાં સમર્થનમાં ઈરાનની રાજધાની તેહરાનમાં મોટી સંખ્યામાં
મેદની દેખાવ કરવા એકત્ર થઈ ત્યારે જ તેહરાનમાં પ્રચંડ વિસ્ફોટો થયા હતા અને શહેર ધણધણી
ઊઠયું હતું. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછીથી
અમેરિકા-ઇઝરાયલના હુમલાઓમાં ઇરાનમાં લગભગ 1,450 લોકોનાં મોત થયાં છે. દક્ષિણ લેબેનોનમાં એક આરોગ્ય કેન્દ્ર પર
ઇઝરાયલના હુમલામાં 12 સ્વાસ્થ્યકર્મી
મૃત્યુ પામ્યા છે, જ્યારે ત્યાં ઇઝરાયલના હુમલાઓથી કુલ
મૃત્યુ આંક 773 થયો છે, જેમાં 103 બાળકનો સમાવેશ થાય છે. કતાર
અને બહેરીન સહિત ખાડી વિસ્તારમાં આવેલા ઘણા દેશોએ લોકોને ખાલી કરવાની ચેતવણી આપી છે, કારણ કે, ઇરાન મિસાઇલ
અને ડ્રોન હુમલાઓ ચાલુ રાખી રહ્યું છે.