નવી દિલ્હી, તા. 6 : આતંકવાદને
પોષવાનું પાપ કરી રહેલાં પાકિસ્તાનને તેની કિંમત વારંવાર ચૂકવવી પડી રહી છે. પાડોશી
દેશની રાજધાની ઇસ્લામાબાદમાં શુક્રવારે જુમાની નમાજ પર નિશાન સાધતાં કરાયેલા ઘાતક આત્મઘાતી
હુમલામાં કમસે કમ 31 લોકોનાં મોત
થઇ ગયાં હતાં, તો 169થી વધુ ઘાયલ થયા હતા. પોલીસ
અધિકારીઓએ કહ્યું હતું કે, ઇમામ બાડાના
ગેટ પર તેમના સુરક્ષાકર્મીઓએ આત્મઘાતી બોમ્બરને રોકી લીધો હતો. એટલે ગભરાઇ જઇને તરત
જાતને ફૂંકી મારતાં જીવલેણ ધડાકો કર્યો હતો. આત્મઘાતી બોમ્બર મસ્જિદની અંદર ઘૂસી નહોતો
શક્યો, પરંતુ તેણે પોતાને ઉડાવી દેતાં કરેલો વિસ્ફોટ એટલો ખતરનાક
હતો કે, નમાજીઓ નિશાન બન્યા હતા અને જાનહાનિ થઇ હતી. લોહીલુહાણ હાલતમાં ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. શહેરના
શહજાદ ટાઉન વિસ્તારમાં તરલાઇ ઇમામ બાડેમાં જુમાની નમાજ દરમ્યાન ધડાકા બાદ ભારે અફરાતફરી સાથે ભાગદોડ મચી ગઇ હતી.
સમગ્ર વિસ્તારને ઘેરી લઇ ઘાયલ નમાજીઓને નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા હતા. ઇમામ બારગાહ
ખદીજત-ઉલ-કુબરામાં જોરદાર ધડાકા બાદ શહેરમાં કટોકટી લાદી દેવાઇ હતી. ઘટનાની ગંભીરતા
ધ્યાને લેતાં ઇસ્લામાબાદની હોસ્પિટલોમાં કટોકટી ઘોષિત કરી દેવાઇ હતી. ઉઝબેકિસ્તાનના
રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવ બે દિવસની સત્તાવાર યાત્રા પર ઇસ્લામાબાદમાં છે,
ત્યારે આ ધડાકો થયો છે. દરમ્યાન, અધિકારીઓએ કહ્યું
હતું કે, ઘાયલોમાંથી મોટી સંખ્યામાં લોકોની હાલત ગંભીર હોવાથી
હજુ મરણાંક વધવાની ભીતિ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 11 નવેમ્બર 2025ના ઇસ્લામાબાદમાં જિલ્લા અદાલતની
બહાર આત્મઘાતી ધડાકામાં 12 લોકોનાં મોત
થયાં હતાં. ઘટનાસ્થળની તસવીરોમાં મસ્જિદની લોહીથી ખરડાયેલી જમીન, તૂટેલા કાચ, કાટમાળ જોવા
મળ્યા હતા. આત્મઘાતી હુમલાખોર મસ્જિદની અંદર ઘૂસી ગયો હોત તો જાનહાનિ વધારે મોટી થઇ
હોત. પાકિસ્તાનના સંસદીય બાબતોના મંત્રી તારિફ ફઝલ ચૌધરીએ આ ધડાકાને આતંકવાદી હુમલો
લેખાવ્યો હતો. પાકમાં લઘુમતી છે તેવો શિયા સમુદાય અગાઉ પણ આવા ઘાતક હુમલાઓનો શિકાર
બનતો રહ્યો છે.