• શનિવાર, 22 નવેમ્બર, 2025

દેશને સમર્પિત સીમા પ્રહરીને સલામ !

ભુજ, તા. 21 : સીમા સુરક્ષા દળને આગામી પાંચ વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક અને કોઈ પણ આક્રમણનો સામનો કરવા માટે સક્ષમતા બક્ષતું સુરક્ષા દળ બનાવવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે, એવું બીએસએફના 61મા સ્થાપના દિવસ અન્વયે હીરક જયંતી સમારોહમાં એલાન કરતાં કેન્દ્રના ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહે કચ્છની ધરતીને યાદ કરતાં કહ્યું હતું કે, આ ભૂમિ અને અહીંના લોકો અદમ્ય સાહસ-સહનશીલતાનું પ્રતીક છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતની ધરતી પર પહેલીવાર બીએસએફની હીરક જયંતી પરેડની સલામી ઝીલ્યા પછી ઉપસ્થિત જંગી મેદનીને સંબોધન કર્યું હતું. નવેમ્બર આખરમાં પ્રવેશ્યા છતાં ગરમી અનુભવાતા માહોલમાં  સીમાદળના શૌર્ય અને અપ્રતિમ સાહસની વાતો, દિલધડક કરતબસીમા પર ઝઝૂમીને દુશ્મનોના દાંત ખાટા કરનાર બહાદૂરો તેમજ શહીદી વહોરનાર વીરોના પરિજનોનું સન્માન થયું, ત્યારે ઉપસ્થિત હજારો લોકોમાં દેશભક્તિનો જુવાળ જાગ્યો હતો. બીએસએફ બટાલિયન ખાતે આયોજિત કાર્યક્રમમાં પરેડ સમારોહની સાથે જવાનોએ અદ્ભુત કર્મઠતા-સાહસનાં દર્શન કરાવ્યાં હતાં. શ્રી શાહે કહ્યંy કે, બીએસએફ અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આ સમગ્ર વર્ષ દરમિયાન બીએસએફના આધુનિકીકરણ સાથે સૈનિકો, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારજનોનાં સર્વાંગી ઉત્થાન માટે કાર્ય કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ગૃહંમત્રીએ દેશમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવાના મોદી સરકારના પ્રણનો પુનરોચ્ચાર કરી કહ્યંy કે, ચૂંટણીપંચે હાથ ધરેલી `સર'ની પ્રક્રિયા લોકતંત્રને સુરક્ષિત અને નિર્મળ બનાવવાનો જ એક ભાગ છે. બીએસએફ આધુનિકીકરણ સાથે તકનીકી સંતુલન સાધવા ઈ-બોર્ડર સુરક્ષાના કોન્સેપ્ટ પર સરકાર કામ કરી રહી છે. - થલ, જળ, નભમાં દેશની સુરક્ષા માટે સમર્પિત : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, છેલ્લાં છ વર્ષમાં સરહદ સુરક્ષા દળે માત્ર દેશના લોકોને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને એ માનવા પર મજબૂર કર્યું છે કે, જ્યાં સુધી  બીએસએફ અસ્તિત્વમાં છે, ત્યાં સુધી દુશ્મન ભારતીય પ્રદેશના એક ઈંચ પણ ભાગ પર નજર નાખી શકશે નહીં. તેમણે કહ્યંy કે, સરહદ સુરક્ષા દળના જવાનોએ બહાદુરી, કાર્યક્ષમતા અને પોતાના જીવની પરવા કર્યા વિના પ્રથમ પ્રતિભાવ આપનાર બનવાની પોતાની જવાબદારી નિભાવી છે. શ્રી શાહે કહ્યંy કે, તેઓ સરહદ સુરક્ષા દળના જવાનોને કહેવા માગે છે કે, માત્ર પ્રધાનમંત્રી અને ગૃહંમત્રી જ નહીં, પરંતુ આખો દેશ તમારી બહાદુરીને સલામ કરે છે, માટે ગર્વની વાત છે. ગૃહંમત્રીએ કહ્યંy કે, અત્યાર સુધીમાં સરહદ સુરક્ષા દળના 2013 બહાદુર સૈનિકે દેશની સરહદોને અખંડ અને સુરક્ષિત રાખતાં પોતાનાં જીવનનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમણે કહ્યંy કે, માત્ર સરહદ સુરક્ષામાં જ નહીં, પરંતુ અસંખ્ય યુએન શાંતિ રક્ષા મિશનમાં અને દેશની અંદર અને કટોકટીમાં, પછી ભલે તે આતંકવાદ સામે લડવાનું હોય કે નક્સલવાદને નાબૂદ કરવાનું રાષ્ટ્રીય ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય, બીએસએફના જવાનોએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. દેશની પૂર્વ અને પશ્ચિમ સરહદો અટલ, અટલ અને સંપૂર્ણપણે સુરક્ષિત  છે. આનું સૌથી મોટું શ્રેય  બીએસએફ સૈનિકોને જાય છે. - ...એકમાત્ર દળ : અમિત શાહે કહ્યંy કે, 1 ડિસેમ્બર, 1965ના સરહદ સુરક્ષા દળની સ્થાપના થઈ, ત્યારથી આ દળે સફળતાપૂર્વક તમામ ઊંચાઈઓ હાંસલ કરી છે. તેમણે કહ્યંy કે, તમામ કેન્દ્રીય સશત્ર પોલીસ દળોમાં બીએસએફ એકમાત્ર દળ છે, જે જમીન, પાણી અને આકાશ - ત્રણેય સરહદો પર દેશની સુરક્ષા માટે સમર્પિત રહે છે. તેમણે કહ્યંy કે, આપણા દેશની હવાઈ સરહદો હોય, સૌથી દુર્ગમ જમીન સરહદો હોય કે પછી અસંખ્ય અવરોધોથી ઘેરાયેલી જળ સરહદો હોય, ત્રણેયની સુરક્ષા માટે બીએસએફના જવાનો તૈનાત છે. બીએસએફનું એકમાત્ર લક્ષ્ય જમીન, પાણી અને આકાશમાં હંમેશાં ભારતની સુરક્ષા રહ્યંy છે. આજે 193 બટાલિયન અને 2.76 લાખથી વધુ કર્મચારીઓની સંખ્યા સાથે બીએસએફ પાકિસ્તાન સાથે 2279 કિલોમીટર સરહદ અને બાંગલાદેશ સાથેની 4096 કિલોમીટર લાંબી સરહદનું સંપૂર્ણ રક્ષણ અને દેખરેખ કરી રહ્યંy છે તે ગર્વની વાત છે. - સરહદી - સુરક્ષા દળો સાથે છેડછાડનો મક્કમ જવાબ અપાશે : અમિત શાહે જણાવ્યું કે, પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી જૂથે પહેલગામમાં કાયરતાપૂર્વક આપણા પ્રવાસીઓ પર હુમલો કર્યો, તેમનો ધર્મ પૂછ્યો અને તેમની નિર્દયતાથી હત્યા કરી. આ હુમલા બાદ પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, યોગ્ય જવાબ આપવામાં આવશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યારે અમે ઓપરેશન સિંદૂર દ્વારા મર્યાદિત રીતે જ જવાબ આપ્યો હતો, ત્યારે પાકિસ્તાને આતંકવાદીઓ પરના અમારા હુમલાને પોતાના પર હુમલો સમજી લીધો હતો, જ્યારે પાકિસ્તાની સેનાએ કાર્યવાહી કરી, ત્યારે બીએસએફના જવાનોએ તેમને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર છોડી નહીં. તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં બીએસએફ અને સેનાની બહાદુરીને કારણે પાકિસ્તાને એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી, જેનાથી સમગ્ર વિશ્વને સંદેશ મળ્યો કે, ભારતની સરહદો અને સુરક્ષા દળો સાથે છેડછાડ કરવી ભારે પડશે. કેન્દ્રીય ગૃહમંત્રી એમ કહ્યંy કે, ઓપરેશન સિંદૂર દરમિયાન જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તોયબાના મુખ્યાલય, તાલીમ શિબિરો અને લોન્ચપેડનો નાશ કરાયો હતો. આ ઓપરેશનનો ઉદ્દેશ આતંકવાદને નાબૂદ કરવાનો, આપણા નાગરિકોનું રક્ષણ કરવાનો અને સરહદી વિસ્તારોને સુરક્ષિત કરવાનો હતો. તેમણે કહ્યંy કે, આ ઓપરેશન દરમિયાન સબઈન્સ્પેક્ટર મોહમ્મદ ઈમ્તિયાઝ અહેમદ અને કોન્સ્ટેબલ દીપકભાઈએ સર્વોચ્ચ બલિદાન આપ્યું, તેમની સહાદતને યાદ કરી હતી. - માદક દ્રવ્યોની ઘૂસણખોરી સામે જંગ : બીએસએફે દેશમાં માદક દ્રવ્યોની ઘૂસણખોરી સામે અનેક કાર્યવાહી શરૂ કરી છે અને નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું હતું કે, બીએસએફે 2025માં અત્યાર સુધીમાં 18,000 કિલોગ્રામથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યાં છે, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે. બીએસએફ દેશની તમામ સરહદો પર ઘૂસણખોરી અટકાવવામાં રોકાયેલ છે. તેમણે જણાવ્યું હતું કે, ઘૂસણખોરી અટકાવવી એ માત્ર રાષ્ટ્રીય સુરક્ષા માટે જ નહીં પરંતુ દેશની લોકશાહી વ્યવસ્થાને ભ્રષ્ટ થવાથી બચાવવા માટે પણ જરૂરી છે. - ઈ-બોર્ડર સુરક્ષાની મહત્ત્વપૂર્ણ પહેલ : તાજેતરનાં વર્ષોમાં અમે સરહદી વાડને અભેદ્ય બનાવવા માટે ઝડપથી કામ કર્યું છે. હવે મોટાભાગના વાડનાં પરીક્ષણો પૂર્ણ થઈ ગયાં છે. આગામી દિવસોમાં `ઈ-બોર્ડર સિક્યુરિટી'નો નવો ખ્યાલ રજૂ કરવામાં આવશે. આ ક્રાંતિકારી ખ્યાલને અમલમાં મૂકવામાં બીએસએફે મુખ્ય ભૂમિકા ભજવી છે. પ્રારંભિક પહેલ કરી છે. આગામી એક વર્ષમાં જમીન પર આને સંપૂર્ણપણે અમલમાં મૂકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં દેશની સમગ્ર જમીન સરહદ મજબૂત ઈ-સિક્યુરિટી રિંગ હેઠળ હશે. દેશની દરિયાઈ સરહદને અભેદ્ય બનાવવા તરફનાં ઐતિહાસિક પગલાંમાં ગુજરાતના ઓખામાં દેશની પ્રથમ રાષ્ટ્રીય કોસ્ટલ પોલીસિંગ એકેડેમી (એનએસીપી)ની સ્થાપના કરવામાં આવી છે. ભવિષ્યમાં આ એકેડેમી મરીન પોલીસ ફોર્સને વિશ્વ કક્ષાની તાલીમ પૂરી પાડશે. - વીરતા સન્માન એનાયત : ગૃહમંત્રીએ સંબોધન દરમિયાન મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ હરેકૃષ્ણ મહેતાબજી, પરમવીર ચક્ર વિજેતા જદુનાથસિંહજી અને ભારતરત્ન ડો. સી.વી. રમણજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. સુરક્ષા દરળના કર્મચારીઓને શૌર્ય માટે એક પોલીસ મેડલ (મરણોત્તર), આઠ રાષ્ટ્રપતિ મેડલ અને જનરલ ચૌધરી, મહારાણા પ્રતાપ અને અશ્વિનીકુમાર ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. શ્રી શાહે ઉમેર્યું હતું કે, સરહદ સુરક્ષા દળની ડાયમંડ જ્યુબિલીની ઉજવણી માટે આજે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. આ સ્ટેમ્પ સદીઓ સુધી રાષ્ટ્રની સ્મૃતિમાં દળના 60 વર્ષના સુવર્ણ કાર્યકાળને સાચવશે. - ઐતિહાસિક દિવસ : સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક દલજિતસિંહ ચૌધરીએ આવકાર પ્રવચનમાં હીરક જયંતી મહોત્સવની શુભેચ્છા પાઠવી વીર શહીદોને શ્રદ્ધા-સુમન અર્પ્યા હતા. ભુજની ધરતી પર આ ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો તેને ઐતિહાસિક ગણાવી બીએસએફે આંતરિક સુરક્ષાનાં માળખાંને મજબૂત બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રમતગમત માટે વિશ્વસ્તરીય સુવિધા પ્રદાન કરી સર્વાધિક પદક મેળવવાની નેમ વ્યક્ત કરી હતી. - મહાનુભાવોની ઉપસ્થિતિ : કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, ધારસભ્યો માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, વીરેન્દ્રસિંહ જાડેજા, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા અને ટ્રસ્ટી સંજયભાઇ એન્કરવાલા, ગુજરાત ફ્રન્ટીયર આઈ.જી. અભિષેક પાઠક, એડીજી વેસ્ટર્ન કમાન્ડ સતીશ ખંડહરે, ડીપીટી ચેરમેન સુશીલકુમાર સિંઘ, કલેક્ટર આનંદ પટેલ, જિ.પં. પ્રમુખ જનકસિંહ જાડેજા, ડીઆઈજી ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા, અદાણી સેઝના રક્ષિત શાહ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય, દિલીપ દેશમુખ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતોની ઉપસ્થિતિથી બેઠક વ્યવસ્થા હાઉસફૂલ થઇ ગઇ હતી. 

Panchang

dd