નવી દિલ્હી, તા. 2 : કેરળ પ્રવાસે
પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિઝિંજમ આંતરરાષ્ટ્રીય બંદરના ઉદ્ઘાટન
સાથે દક્ષિણ ભારતીય રાજ્યને 8900 કરોડ રૂપિયાની
સોગાદ આપી હતી. મોદીએ આંધ્રપ્રદેશમાં અમરાવતીના નિર્માણને લગતી રૂા. 58000 કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન
અને ભૂમિપૂજન પણ કર્યું હતું. મોદીએ 8900 કરોડની કિંમતના વિઝિંજમ ઈન્ટરનેશનલ ડીપવોટર બહુલક્ષી પોર્ટનું
ઉદ્ઘાટન કર્યુ હતું. જે દેશનું પહેલું સમર્પિત કન્ટેનર ટ્રાંસશિપમેન્ટ પોર્ટ છે. તેનું
નિર્માણ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. દ્વારા પીપીપી મોડ પર કરવામાં
આવ્યુ છે. વડાપ્રધાન મોદીએ આ પોર્ટના ઉદ્ઘાટન અવસરે કહ્યું કે, હવે આ પોર્ટ બનવાથી દેશનો પૈસો હવે દેશને કામ
આવશે. આ નવું બંદર ભારત માટે નવી આર્થિક તકો લાવશે. જે નવા યુગના વિકાસનું પ્રતિક છે.
આ અવસરે વિપક્ષ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે, આજનો આ
કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે. વડાપ્રધાને પોતાના ભાષણ દરમ્યાન દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની પ્રશંસા
કરી હતી. મોદી બોલ્યા હતા કે, મુખ્યમંત્રી વિજયન અહીં બેઠા છે.
તેઓ તો ઈન્ડિયા જોડાણના મજબૂત સ્તંભ છે, શશી થરૂર અહીં બેઠા છે.
આજનો કાર્યક્રમ ઘણા લોકોની ઊંઘ હરામ કરી દેશે. જ્યાં સંદેશ જવાનો હતો, ચાલ્યો ગયો, તેવા પ્રહાર તેમણે કર્યા હતા. વડાપ્રધાને
નામ લીધા વિના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. અદાણીજીએ જેટલું સારું
પોર્ટ અહીં બનાવ્યું છે તેટલું તો ગુજરાતમાંયે નહોતું બનાવ્યું, તેવું મોદી બોલ્યા હતા. અત્યાર સુધી ભારતની 45 ટકા ટ્રાન્સશિપમેન્ટ ગતિવિધિઓ
વિદેશી બંદરગાહો પર થતી હતી, જેના
કારણે દેશને મોટું નુકસાન થતું હતું. પરંતુ હવે પરિસ્થિતિ બદલવાની છે. પહેલાં વિદેશોમાં
ખર્ચ થતા પૈસા હવે ઘરેલુ વિકાસ માટે કામ લાગશે, તેવું મોદીએ કહ્યું
હતું - અનેકની ઉંઘ હરામ થશે
: વિપક્ષ પર પીએમનો કટાક્ષ : તિરુવનંતપુરમ, તા. 2 : વડાપ્રધાન
મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું કે આજના ઉદઘાટન સમારોહથી અનેક લોકોની રાતોની ઉંઘ
હરામ થઈ જશે. વડાપ્રધાને આવી વાત કહી ત્યારે મંચ ઉપર કોંગ્રેસના સાંસદ શશી થરુર, સીએમ પિનરાઈ વિજયન હાજર હતા. મોદીએ મુખ્યમંત્રી
વિજયનને ઈન્ડિયા ગઠબંધનના એક સ્તંભ ગણાવ્યા હતા. અનુવાદક વાતને યોગ્ય રીતે પ્રસ્તુત
ન કરી શકતાં વડાપ્રધાને કહ્યું હતું કે સંદેશ એ લોકો સુધી પહોંચી ગયો છે જેમના સુધી
પહોંચાડવાનો હતો.