98 ટકા
ભેજનાં ઊંચાં પ્રમાણ વચ્ચે પ્રકૃતિપ્રેમીઓએ હિલ સ્ટેશન જેવો નજારો માણ્યો
ભુજ, તા. 14 : શિયાળાના
સત્તાવાર આગમનની જોવાતી રાહ વચ્ચે જિલ્લામાં વહેલી સવારે ગુલાબી ઠંડીની ચમક અનુભવાઇ
રહી છે. ઠંડીના આગમનના વર્તાતાં એંધાણ વચ્ચે કચ્છના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની
ચાદર છવાઇ હતી. ભુજથી લઇ માકપટ સુધીના વિસ્તારમાં છવાયેલાં આ આહ્લાદક વાતાવરણે હિલ
સ્ટેશન જેવો નજારો સર્જ્યે હતો. ભુજમાં ભેજનું પ્રમાણ સવારના ભાગે 98 ટકાએ
પહોંચતાં ભારે ઝાકળવર્ષાએ ચોમાસાની યાદ અપાવતો ભીનો માહોલ સર્જ્યા બાદ સવારના આઠ વાગ્યા
સુધી ધુમ્મસની ગાઢ ચાદર છવાઇ હતી. મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ આ નયનરમ્ય નજારાને
નિહાળી પ્રકૃતિનો સાક્ષાત્કાર અનુભવ્યો હતો. ભુજિયો ડુંગર અને હમીરસર તળાવ જાણે કે
ધુમ્મસની આગોશમાં સમાઇ અદૃશ્ય થઇ ગયા હતા. વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને હેડલાઇટ ચાલુ
રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. હાલ કચ્છમાં પ્રવાસનની સિઝન પૂરબહારમાં ખીલી છે
ત્યારે કચ્છ આવેલા પ્રવાસીઓએ પણ ધુમ્મસથી છવાયેલા પ્રકૃતિના આ નજારાને મનભરીને માણ્યો
હતો. માકપટ વિસ્તારમાં પણ સવારના સમયે ઝાકળ અને ધુમ્મસનું જોર જોવા મળ્યું હતું. ધીણોધરનો
નજારો પણ હિલ સ્ટેશન જેવો ભાસતો જોવા મળ્યો હતો. ભુજ તાલુકાની હાઇવે પટ્ટીના કુકમા, લેર, શેખપીર, માધાપર સહિતના વિસ્તારમાં
ધુમ્મસના કારણે ભુજ-અંજાર હાઇવેથી દૂર સુધીનું દૃશ્ય જોવામાં વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી
હતી. વિથોણ સહિતના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઝાકળવર્ષા અને ધુમ્મસનાં કારણે
અંધારપટની સ્થિતિ જોવા મળી હતી. જિલ્લામાં સરેરાશ મહત્તમ તાપમાન 35થી
36, તો
લઘુતમ તાપમાન 16થી
21 ડિગ્રી
વચ્ચે નોંધાતાં વહેલી સવારે ઠંડીની હળવી ચમક અનુભવાઇ, તો બપોરના સમયે વાતાવરણમાં ઉષ્ણતા જળવાયેલી રહી હતી. હવામાન નિષ્ણાતોના મતે
અલની નોના કારણે આ વર્ષે કડકડતી ઠંડીના દિવસો ઓછા રહેશે. કચ્છમાં પણ ડિસેમ્બરના આરંભે
ઠંડી પગરણ મજબૂત બનાવે તેવી શક્યતા હાલ દેખાઇ રહી છે.