• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ટંકારાના મામલતદારના ભુજ સ્થિત બંધ મકાનમાંથી 2.53 લાખની ચોરી

ભુજ, તા. 16 : મોરબી તાલુકાના ટંકારામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા પ્રફુલ્લભાઇ નરભેરામભાઇ ગોરના ભુજના જૂની રાવલવાડીના આશાપુરા સોસાયટીનાં બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો ઘરેણા અને રોકડ સહિત કુલ્લે રૂા. 2,53,000ની મતાની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. બીજી તરફ અબડાસા તાલુકાના વાંકુની સીમમાં ખાનગી કંપનીની પવનચક્કીમાંથી વાયરની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઇ છે.

ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે પ્રફુલ્લભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ટંકારા ખાતે નોકરી હોઇ તા. 29-6ના ઘરના તમામ દરવાજાને તાળાં લગાવી પરિવાર સાથે ત્યાં ચાલ્યા ગયા હતા. તા. 14-8ના પાડોશી જ્યોતિબા આંગણામાં લીંબુના ઝાડ ઉપરથી લીંબુ તોડવા જતા ત્યાં અમારા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોવાનું જોતાં ફરિયાદીના પત્નીને ફોન કરી જાણ કરતાં તેઓ  પરિવાર સાથે ભુજ આવીને ઘરે જોતાં સામાન વેરવિખેર હતો. અજાણ્યા ચોરે ત્રણ તોલાના બે સોનાના સેટ કિં. રૂા. 1,35,000 તેમજ ચાંદીના સાત કંદોરા, સાત જુડા, ગિફટમાં મળેલી ગાયની મૂર્તિ, તુલસી કયારો, ગણપતિની મૂર્તિ, વાટકી, ટબુડી, દીવડા, છત્તર વિગેરે તમામની આશરે કિં. રૂા. 93,000 તથા રોકડા રૂા 25000 એમ કુલ્લે રૂા. 2,53,000ના મુદ્દામાલની ચોરી થયાનું ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી તરફ અબડાસા તાલુકાના વાંકુની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી ગત તા. 13-8 પહેલાં કોઇપણ સમયે વિવિધ સાઇઝના વાયરો જેની કુલ્લ કિં. રૂા. 13500ની ચોરી કોઇ અજાણ્યો ઇસમો કરીને લઇ ગયાની ફરિયાદ જખૌ પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસ તપાસ હાથ ધરી છે.

ચોરાઉ ઓઇલ સાથે શખ્સ જબ્બે

ગઢશીશા પોલીસે ચોરાઉ ઓઇલ 1000 લિટર કિં.રૂા. 50,000 સાથે નારાણ કરશન ગઢવી (રહે. કોટાયા, તા. માંડવી)ને ઝડપી લીધો હતો. આ ચોરી અંગે કોઠારા પોલીસ મથકે સિકયુરિટી સર્વિસના સુપરવાઇઝરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 14-8ના રાતના 1થી 2 વાગ્યા દરમ્યાન કરોડિયા મોટી સીમ વિસ્તારમાં આવેલી રિન્યૂ ગ્રીન એનર્જીની પવનચક્કીના યાર્ડમાં ડીપીના નટબોલ્ટ ખોલી તેમાંથી ઓઇલ ચોરી થઇ હતી. ગઢશીશા પોલીસે ચોરાઉ ઓઇલ સાથે આરોપી નારાણને ઝડપી લેતાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Panchang

dd