• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

દૂધનાં કેનમાં દૂધ નહીં, ગૌવંશ માંસ ભરી વેચવા નીકળતાં એક જબ્બે : એક નાસ્યો

ભુજ, તા. 14 : દૂધનાં કેનમાં દૂધને બદલે ગૌવંશ માંસ ભરી રતિયાના બે શખ્સ વેચવા નીકળ્યા હતા. બાતમીના પગલે પોલીસે બાઈક રોકાવતાં એક શખ્સને 25 કિલો ગૌવંશ માંસ સાથે ઝડપી લીધો હતો, જ્યારે એક શખ્સ નાસી છૂટયો હતો. તા. 12/4ના સવારે ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સચોટ બાતમી મળી હતી કે, રતિયાનો ઈબ્રાહિમ સિધિક ઓઢેજા ગૌવંશની કતલ કરી તેના માંસનું વેચાણ કરવા આવનાર છે. આ બાતમીના પગલે પોલીસ વોચમાં હતી. બાતમીવાળો ઈસમ તથા સાથે અન્ય એક શખ્સ મોટરસાઈકલ નં. જીજે-12-એચબી-3022થી આવતા હતા, આથી પોલીસે તેઓનો પીછો કરી અમનનગર ચોકડી તરફ જતા રસ્તા ઉપર આવેલા રહીમનગર અંડરબ્રિજ પાસે મોટરસાઈકલને રોકાવતાં એક શખ્સ હુસેન આધમ ઓઢેજા (રહે. રતિયા) નાસી છૂટયો હતો. જ્યારે ઈબ્રાહિમ ઓઢેજા (રહે. રતિયા) ઝડપાઈ ગયો હતો. આ બંને શખ્સ મોટરસાઈકલમાં લટકાવેલાં  દૂધનાં દૂધિયા કલરનાં કેન તેમજ પ્લાસ્ટિકના કોથળામાં પ્લાસ્ટિકના ઝબલાઓમાં એક-એક કિલોના ગૌવંશ માંસના પાર્સલ બનાવી તેમાં ભરીને વેચવા નીકળ્યા હતા. પોલીસે 25 કિલો ગૌવંશ માંસ કિં. રૂા. 3750 તથા બાઈક કિં. રૂા. 30,000ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા ઈબ્રાહિમ તથા હુસેન તેમજ તપાસમાં જે નીકળે તેના વિરુદ્ધ પશુ સંરક્ષણની કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં એ ડિવિઝનના પીઆઈ એમ.આર. નકુમનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.આર. મોરી, એએસઆઈ ઉમેશભાઈ બારોટ, હે.કો. રાજુભા બાંભવા, દશરથભાઈ ચૌધરી, કૈલાસભાઈ ચૌધરી, મામધભાઈ કુંભાર જોડાયા હતા.  

Panchang

dd