ભુજ, તા. 6 : ગત તા. 13-5-24ના માંડવીમાં આખલા બાખડતાં
વાલજીભાઈ પાતાળિયા (રહે. દુર્ગાપુર)ના ટુ-વ્હીલર વાહન સાથે અકસ્માત થતાં પાછળ બેઠેલાં
તેમનાં પત્ની જયાબેનનું મૃત્યુ થયું હતું. માનવ અધિકાર આયોગ-ગાંધીનગર ખાતે વાલજીભાઈએ
અરજી કરતાં આ અરજીના અનુસંધાને માંડવી નગરપાલિકાને તા. 17-3-25ના રૂા. ત્રણ લાખ ચૂકવવાનો
હુકમ કર્યો હતો, પરંતુ નગરપાલિકાએ તેનું
પાલન ન કરતાં વાલજીભાઈએ હાઈકોર્ટમાં ધા નાખતાં હાઈકોર્ટે માંડવી નગરપાલિકાને નોટિસ
ફટકારી છે. હાઈકોર્ટમાં અરજદાર વતી એડવોકેટ જિજ્ઞેશ એમ. નાયક અને સ્થાનિકેથી એડવોકેટ
વી. વી. મહેશ્વરી, એ. બી. વિંજોડા, શાહીન
એમ. મેમણે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડયું હતું. - ખેડૂતને સબસિડી અપાવવાની કાર્યવાહીમાં
બેંકની બેદરકારી : માંડવીના
ખેડૂત મયૂર કાનજી ગઢવી દ્વારા જુલાઈ-2015માં પોતાની ખેતીની જમીન માટે સોલાર પમ્પિંગ સેટ ખરીદવા બેંક
ઓફ બરોડા (જૂની દેના બેંક) પાસેથી રૂપિયા 5,67,000ની લોન મંજૂર કરાવેલી હતી,
જે લોનની રકમ માટે ફરિયાદી ખેડૂતને રૂા. 2,16,000 સરકારી યોજના તળે નાબાર્ડ સંસ્થા
પાસેથી સબસિડી મેળવવાની કાર્યવાહી લોન આપનાર દેના બેંક દ્વારા જે-તે સમયે નિયત સમયમાં
કરવાની થતી હતી, જે કાર્યવાહી તે બેંકના
કર્મચારીગણ દ્વારા કરવામાં બેદરકારી દાખવવામાં આવેલી જેથી સબસિડીની રકમ બેંકે ગ્રાહક
ખેડૂતની તરફેણમાં મેળવી લોન એકાઉન્ટમાં જમા કરાવવામાં નિષ્ફળ ગઈ જેથી તેવી સબસિડીની
રકમ બેંક દ્વારા ખોટી રીતે દબાણપૂર્વક ખેડૂત પાસેથી વસૂલ મેળવી લેતાં ફરિયાદી ખેડૂત
દ્વારા તેવી ગેરકાયદેસર વસૂલાયેલી સબસિડીની રકમ રૂા. 2,16,000 તથા તે ઉપર લોન મંજૂર થયાની
તારીખથી 12 ટકા લેખે ચડત વ્યાજ અને માનસિક
યાતના તથા ફરિયાદના કાનૂની ખર્ચની રકમ મેળવવા જિલ્લા ગ્રાહક કમિશનમાં ફરિયાદ રજૂ કરી
હતી, જેમાં ફરિયાદીની બેંક સામેની ફરિયાદ મંજૂર કરતો
હુકમ ફરમાવેલો અને સબસિડીની રકમ રૂા. 2,16,000, 9 ટકાના ચડત વ્યાજ સહિત તેમજ રૂા. 25000 માનસિક યાતના તથા રૂપિયા 10,000 કાનૂની ખર્ચના બેંકે ફરિયાદીને
ચૂકવવા તેવો હુકમ ફરમાવ્યો છે. - ક્લેઈમ ખોટી
રીતે નામંજૂર થયાનો ચુકાદો : ભુજના રસ્તાના
કામની કોન્ટ્રાક્ટર તરીકેની કામગીરી કરતી વિજય કન્સ્ટ્રક્શન નામની પેઢીનું હાઇડ્રોલિક
જેકની સગવડતાવાળું વાહન કામગીરી દરમિયાન પલટી મારી જતાં તેને નુકસાની થયેલી, જેમાં વાહનનું રિપેરિંગ કરાવતાં રૂા. 3,52,052ની રકમનો ખર્ચ થયેલી, જેનો ક્લેઈમ વીમા કંપની સમક્ષ રજૂ કરતાં ગો
ડિજિટ વીમા કંપની દ્વારા રૂા. 1,28,002.85ની રકમ મંજૂર કરેલ, જેથી કંપની દ્વારા ખરેખર ખર્ચ કરી રકમ કરતાં ઓછી રકમ રૂપિયા 2,24,048.71ની રકમ વસૂલ મેળવવા જિલ્લા
ગ્રાહક તકરાર નિવારણ કમિશન દાખલ કરેલ, જે કામે સામાવાળી કંપનીએ લેખિત જવાબ રજૂ કરી ફરિયાદ નામંજૂર કરવા રજૂઆત કરી
હતી. કેસની સુનાવણીમાં બંને પક્ષે રજૂ થયેલ પુરાવા અને આધારો તથા કાયદાકીય ચુકાદા મુદ્દાઓ
લક્ષમાં લઈ વીમા કંપનીએ કોન્ટ્રાક્ટરને વિશેષ ક્લેઈમની રકમ રૂા. 1,28,000, 9 ટકાના ચડત વ્યાજ સાથે ચૂકવવા
તથા માનસિક ત્રાસના રૂા. 7500 અને રૂા. 5000 કાનૂની ખર્ચની રકમ તરીકે ચૂકવવા
કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ એ.પી. કંસારા તથા સભ્ય પી.વાય. જોશી
દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. બંને કેસમાં ફરિયાદીના એડવોકેટ તરીકે મહેન્દ્ર દયારામ ઠક્કર, કુલીન
જેન્તીલાલ ભગત, ચિંતલ
મહેન્દ્રભાઈ ઠક્કર તથા કોમલ ચંદ્રેશભાઈ ઠક્કર (ઠક્કર અસોસીએટ્સ) હાજર રહ્યા હતા. - પોલીસ કોન્સ. વિરુદ્ધ નલિયા કોર્ટ દ્વારા થયેલો હુકમ રદ : તા. 15/10/25 તથા 16/10/25ની રાતે બનેલા બનાવ અંગેની
ફરિયાદ તા. 21/10ના ટપાલ મારફત દાખલ કરાવવા
મોકલેલી હતી, પરંતુ કોઠારા પોલીસે ફરિયાદ
દાખલ ન કરતાં તા. 13/11ના ડીએસપીને
તે ફરિયાદ અરજી રજૂઆત સાથે મોકલી હતી. છતાં ફરિયાદ દાખલ ન થતાં આથી અદાલતમાં આ ફરિયાદ
અંગે આદેશ મેળવવા અરજી કરાતાં નલિયા કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો કોઠારા પોલીસને હુકમ
કર્યો હતો. આ હુકમથી નારાજ થઇ પોલીસ કોન્સ્ટેબલે રિવિઝન અરજી કરતાં તે અરજી કોર્ટે
મંજૂર નલિયા કોર્ટનો હુકમ રદ ફરમાવ્યો હતો. - ખૂનની કોશિશના ગુનામાં આરોપીઓનો છુટકારો : આ કેસની ટૂંક
વિગતો મુજબ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી ફરિયાદીને મારી
નાખવાના ઇરાદે પાવડાના ધોકા વડે માથામાં મારી હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી. તપાસ
પૂર્ણ થતાં અદાલતમાં ચાર્જશીટ રજૂ થતાં સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતાં જજ ડી.પી.
મહિડાએ બંને પક્ષની દલીલો સાંભળી આરોપીઓ તાલા ઉર્ફે ટાલિયો અરજણભાઇ ભદ્રુ, અરવિંદભાઇ અરજણભાઇ ભદ્રુ, તિલક ઉર્ફે તેલશ્રી પુંજાભાઇ ભદ્રુ, ગોમતીબેન અરજણભાઇ
ભદ્રુ, (રહે. તમામ આંબેડકરનગર, મિરજાપર)
જે આ ખૂનની કોશિશના કેસમાં શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ ફરમાવ્યો હતો. આ બંને કેસમાં
ારોપી તરફે વકીલ તરીકે વરિષ્ઠ એડવોકેટ હેમસિંહ ચૌધરી, દીપક ઉકાણી,
કુલદીપ મહેતા, ગણેશદાન ગઢવી, જિજ્ઞેશ લખતરિયા, દેવરાજ કે. ગઢવી, હેતલ દવે, નરેશ ચૌધરી, પ્રશાંત
રાજપૂત હાજર રહ્યા હતા.- ચોરીનો માલ
ખરીદનારા આરોપીના જામીન મંજૂર : ચોરીના વિવિધ 40થી વધુ ગુનામાં ચોરીનો માલ ખરીદનારા આરોપીના મુંદરા પોલીસ મથકમાં
નોંધાયેલ બે અલગ-અલગ ગુનામાં આ આરોપીના ભુજની સેશન્સ અદાલતે જામીન મંજૂર કર્યા છે.
આરોપી પક્ષે ધારાશાત્રી કે. પી. ગઢવી, વી. આર. ભાનુશાલી, બી. જે ભદ્રા, પી. ડી. ખુંગલા, એચ. પી. ગઢવી હાજર રહ્યા હતા.