ગાંધીધામ, તા. 6 : ભચાઉ તાલુકાના સામખિયાળી પોલીસ મથક હેઠળ આવતા
શિકારપુર બાજુ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું, જે અંતર્ગત એક શખ્સ પાસેથી દેશી બંદૂક,
અન્ય શખ્સો પાસેથી જીવંત કાર્ટિસ તથા ધારિયા, તલવાર વગેરે ઘાતક અને જીવલેણ હથિયારો
હસ્તગત કરવામાં આવ્યાં હતાં. પૂર્વ કચ્છમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા ગેરકાયદેસર
રીતે હથિયાર રાખતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી
કરવા પોલીસ વડા સાગર બાગમારએ આદેશ આપ્યા બાદ સામખિયાળી પોલીસ મથકના શિકારપુર આઉટ પોસ્ટ
(ચોકી) વિસ્તારમાં અગાઉ હથિયારો પકડાયા છે તેમજ શરીર સંબંધી ગુનાઓ પણ બન્યા છે અને
હજુ પણ આ વિસ્તારોમાં હથિયારો હોવાની માહિતીના આધારે ભચાઉ ડીવાય.એસ.પી. સાગર સાંખડાની
આગેવાનીમાં પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., અંજાર-ભચાઉ વિભાગના
પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, મળીને કુલ 381ના સ્ટાફે એકી સાથે શિકારપુર, સૂરજબારી, જશાપર
વાંઢ, ચેરાવાંઢ વગેરે વિસ્તારોમાં આ કોમ્બિંગ કર્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન શિકારપુરાના
હનિફ રસુલ ત્રાયાને પકડી પાડવામાં આવ્યો હતો. મોડી રાત્રે તેના ઘરની પાછળ બાવળની ઝાડીમાં
લાકડાના ઢગલામાંથી 42 ઇંચની દેશી બંદૂક કિંમત રૂા. 2000વાળી જપ્ત કરવામાં આવી હતી.
આ શખ્સે બંદૂક કયાંથી લીધી હતી તે બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ હાથ ધરવામાં આવી
છે. જશાપર વાંઢમાં દોસ્તમામદ ઓસમાણ ત્રાયાના કબજામાંથી 12 જીવંત કાર્ટિસ હસ્તગત કરવામાં
આવ્યા હતા. શિકારપુરમાંથી ઉમરદીન જુસબ ત્રાયા પાસેથી ત્રણ જીવંત કાર્ટિસ જપ્ત કરાયા
હતા તથા શિકારપુરમાં રફીક હાજી અલ્લારખા ત્રાયાની ઓફિસમાંથી બિયરના ટીન જપ્ત કરવામાં
આવ્યા હતા. એકી સાથે આ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસના ધાડે ધાડા ઉતરી પડતાં ફિલ્મ જેવા
દૃશ્યો સર્જાયા હતા. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે 76 ધારદાર છરી, 12 ધારિયા, 8 તલાવાર,
બે લોખંડની ફરસી, 19 છરી ધારિયા, લાકડાના હાથાવાળો ભાલો, ત્રણ એરગન, એક એલ્યુમિનિયમને
દંડો, છ આધાર પુરાવા વગરના વાહનો, 22 શંકાસ્પદ શખ્સની તપાસ તથા આઠ એમ.સી.આર. તપાસવામાં
આવ્યા હતા. એકી સાથે પોલીસના ધાડા ઉતરતા માથાભારે શખ્સોમાં ફફડાટ પ્રસર્યો હતો.