દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી ચૂકી છે. આવતાં વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી માટેની સેમિ ફાઇનલ ગણાતા લોકશાહીનાં આ પર્વમાં બાહુબળ અને ધનબળની વધી રહેલી બોલબાલા ખરા અર્થમાં ચિંતા વધારી રહી છે. પાંચ રાજ્યમાંથી મધ્યપ્રદેશના ઉમેદવારોના વિશ્લેષણના સામે આવી રહેલાં ચિત્ર પરથી હાલત કેટલી ગંભીર બની રહી છે તેનું પ્રતિબિંબ પડે છે. એક અહેવાલ મુજબ મધ્યપ્રદેશમાં આમ તો સીધો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે અને આમ આદમી પાર્ટી (આપ) દ્વારા પણ ઉમેદવાર મેદાનમાં ઉતારાયા છે, પણ કમનસીબે આ ત્રણે પક્ષ બાહુબળ અને નાણાંના બળને પ્રોત્સાહન આપતા જણાઇ રહ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપના 87 ટકા ઉમેદવાર પૈસાદાર છે, તો કોંગેસના 86 ટકા ઉમેદવાર આ વર્ગમાં આવી જાય છે. સામાન્ય માનવીનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતા આપના 57 ટકા ઉમેદવાર કરોડપતિ છે. આ આંકડો બતાવે છે કે ઉમેદવારોની પસંદગીમાં રાજકીય પક્ષો હવે નાણાંના જોરને પ્રાધાન્ય આપી રહ્યા છે. નાણાંના વજન કરતાં પણ વધુ ચિંતાની બાબત ગુનાહિત ઇતિહાસ કે વર્તમાન ધરાવતા ઉમેદવારોની સંખ્યાની છે. ભાજપના 28.2 ટકા ઉમેદવાર ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે. કોંગેસના આવા ઉમેદવારોની ટકાવારી 52.6 છે. એમાં કોઇ શંકા નથી કે આમાંના મોટાભાગના ઉમેદવાર સામેના કેસ રાજકીય દ્વેષથી પ્રેરિત હોઇ શકે છે. જો કે એ પણ સત્ય છે કે આ તમામ ઉમેદવાર સાવ નિર્દોષ તો નહીં જ હોય. આ સ્થિતિને લીધે એવો સવાલ ઊભો થઇ રહ્યો છે કે રાજકીય પક્ષો પાસે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની ખોટ પડી રહી છે. જો ધારાસભામાં આવા ઉમેદવાર ચૂંટાઇને જાય તો સમાજમાં ગુનાહિત તત્ત્વોની હિંમત વધી જાય છે. આવા સંજોગોમાં રાજકીય પક્ષો પણ એટલા જ જવાબદાર ગણી શકાય. તેમણે ચૂંટણી જીતવા માટે દાગી વિકલ્પો જ મતદારોને આપ્યા એટલે રાજકારણના ગુનેગારીકરણને ઉત્તેજન મળ્યું છે. દેશના ચૂંટણીપંચ અને સર્વોચ્ચ અદાલતને આ બાબતે ભારે ચિંતા છે અને નાણાંના અને બાહુના જોરનો પ્રભાવ ઘટાડવા સતત પ્રયાસ પણ થતા રહે છે. માત્ર કેસ નોંધાયો હોવાને લીધે કોઇને ચૂંટણી લડવાના બંધારણીય અધિકારથી વંચિત કરી શકાય નહીં એવી દલીલ પ્રથમ નજરે યોગ્ય જણાય છે. આવામાં સર્વોચ્ચ અદાલતે આવા કેસોના ઝડપી નિકાલ માટે કાયદાકીય સૂચનાઓ આપી છે. આ બધી સૂચનાઓના અમલ માટે માળખાંની રચના હજી બાકી છે, ત્યારે રાજકીય પક્ષોએ લોકશાહીને સ્વચ્છ રાખવા માટે આત્મખોજ કરવાની તાતી જરૂરત છે. ચૂંટણીઓ જીતવા માટે કોઇપણ હદે જતા રાજકીય પક્ષોએ હવે દેશહિતને પ્રાધાન્ય આપવા પર ધ્યાન આપીને લોકશાહીના યજ્ઞમાં નાણાં અને બાહુબળના પ્રભાવના ઉપયોગને રોકવાની સવયંશિસ્ત કેળવવી જોઇએ.