• શનિવાર, 12 જુલાઈ, 2025

ચરાખડીમાં બેન્ક પાસેથી લીધેલું મકાન ન મળ્યું અને રૂપિયાયે પરત ન અપાયા

આદિપુર, તા. 11 : ગાંધીધામ શહેરમાં કાર્યરત પંજાબ એન્ડ સિંધ બેન્ક પાસેથી જાહેર હરાજીમાં લેવાયેલાં મકાનનો કબજો આજે સાત મહિનાથી મળતો ન હોવાની અને આ પેટે બેન્કને ભરેલા રૂપિયા પણ પરત અપાતા ન હોવાની ફરિયાદ બહાર આવી છે. આદિપુરના રહેવાસી અનિલકુમાર પ્રેમજીભાઈ રોશિયા દ્વારા આ ફરિયાદ કરાતાં સમગ્ર પ્રકરણને લઈને જવાબદારો કોઈ તેમનું સાંભળતા ન હોવાની વ્યથા પણ વ્યક્ત કરી હતી. આ કિસ્સામાં ગત તા. 30મી જાન્યુઆરીના બેન્કના પોર્ટલ ઉપર મેઘપર કુંભારડી ગામે ગોકુલધામ ખાતે આવેલાં મકાનની ચરાખડીની જાહેરાત કરાઈ હતી. આ અન્વયે શ્રી રોશિયાએ ટેન્ડર ભર્યું હતું. 21.17 લાખની કિંમતનું મકાન તેમને 24.53 લાખમાં પડયા બાદ અને જરૂરી રકમ ભર્યા પછીયે છેલ્લા સાત મહિનાથી મકાનનો કબજો અપાતો ન હોવાનું અને લીધેલા રૂપિયા પણ પરત અપાતા નથી, તેવી ફરિયાદ તેમણે કરી હતી. દરમ્યાન બેન્ક વ્યાપક પત્ર વ્યવહાર અને રજૂઆતો છતાંયે યોગ્ય જવાબ આપતી નથી અને નિરાકરણ લાવતી નથી, તો રૂપિયા રોકાઈ જવાથી પોતાને આર્થિક રીતે પણ ફટકો પડી રહ્યો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. બેન્ક દ્વારા મકાનના વીજબિલની ચડત રકમ સહિતની અમુક બાબતો છુપાવાઈ હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો. બેન્ક દ્વારા આ રીતે પોતાની સાથે છેતરપિંડી કરાઈ હોવાનો આરોપ મૂકતાં અન્ય જવાબદાર તંત્રો પણ ફરિયાદ સાંભળતા ન હોવાનું તેમણે ફરિયાદમાં ઉમેર્યું હતું. 

Panchang

dd