આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 11 : રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતનાં 75 વર્ષની વયે નિવૃત્તિવાળાં નિવેદન બાદ રાજકીય ઘમસાણ મચી ગયું
હતું. વિપક્ષે ભાગવતનાં નિવેદનને હથિયાર બનાવીને પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
નિવૃત્ત થવાની માંગ કરી નાખી હતી. સપ્ટેમ્બર મહિનામાં જ 75 વર્ષ પૂરાં કરનારા મોદી તેમજ
ભાગવત પર કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે કહ્યું હતું
કે, વડાપ્રધાનજી પણ સરસંઘચાલક ભાગવતજીને કહી શકે
છે કે, ભાગવત પણ 11 સપ્ટેમ્બર, 2025નાં 75 વર્ષના થઇ જશે. બિચારા એવોર્ડજીવી
પ્રધાનમંત્રી, તેવું `એક્સ'
પર પોસ્ટ કરીને કહેતાં રમેશે કહ્યું હતું કે, કેવી
ઘરવાપસી છે આ ! પાછા ફરતાં જ સરસંઘચાલક દ્વારા યાદ અપાવી દેવાયું કે, 17 સપ્ટેમ્બર, 2025ના મોદી 75 વર્ષના થઇ જશે. આમ, મોદી તેમજ ભાગવત બંનેને નિવૃત્તિનો સંદેશ આપતાં
કોંગ્રેસ નેતાએ એક તીરથી બે નિશાન સાધ્યાં હતાં. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પણ પ્રહારની
તક ઝડપી લેતાં જણાવ્યું હતું કે, હવે બંને પોતાના થેલા ઉપાડી
લો અને એકબીજાનું માર્ગદર્શન કરો. એક વીડિયો શેર કરતાં ખેડાએ કટાક્ષભેર લખ્યું હતું
કે, `અચ્છે દિન આવવાના છે, ભાગવત અને મોદી જવાના છે. બીજી તરફ,
શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે પણ સવાલ ઉઠાવ્યો હતો કે,
શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષની વયે નિવૃત્તિનો નિયમ ખુદ પર પણ લાગુ કરશે ? વડાપ્રધાન મોદીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, જશવંતસિંહ જેવા નેતાઓને વયનાં નામે
બળજબરીથી નિવૃત્ત કરી નાખ્યા. હવે જોઇએ કે, આ નિયમ મોદી પર પણ
લાગુ થાય છે કે નહીં, તેવું રાઉતે જણાવ્યું હતું. શિવસેના ઉદ્ધવ
જૂથના જ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે, સંઘવડા ભાગવતનું નિવેદન ભાજપનાં નેતૃત્વમાં બદલાવની સંભાવના દર્શાવે છે. કૉંગ્રેસના
વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ આ મુદે કટાક્ષ કરતા કહ્યું હતું કે અમલ ન કરવો અને
શિખામણ આપવી એ હંમેશા ખતરનાક હોય છે. (ભાજપના) નેતા 75 વર્ષના થાય એટલે પરાણે એમને
માર્ગદર્શક મંડળમાં બેસાડી દેવામાં આવે, પરંતુ આ (મોદી અને ભાગવતના) કેસમાં એવું લાગે છે કે નિયમનો અમલ નહીં થાય.