વિશ્વના દરેક ખૂણે નાણાંની સાથે સત્તાની મહેચ્છાના
કિસ્સા સામે આવતા રહે છે. અબજપતિઓ તેમના આર્થિક જોરે કિંગમેકર બનીને સરકારને પોતાના
પ્રભાવ તળે રાખવાની કોઈ તક જતી કરતા નથી. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં
તેમની પડખે રહેલા તેમના ખાસ મિત્ર એલન મસ્કે આ મિત્રતાનો અંત આણીને પોતાના આગવા રાજકીય
પક્ષની રચનાની જાહેરાત કરીને પોતે હવે ફરીવાર કિંગમેકર બનવા માગતા હોવાની સ્પષ્ટ પ્રતીતિ
દુનિયાને કરાવી આપી છે. પોતાના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પનાં વર્તન અને નિર્ણયોથી નારાજ
મસ્કે રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેમણે અમેરિકા પાર્ટીની રચનાની જાહેરાત કરી છે. પોતે
અમેરિકામાં બે રાજકીય પક્ષનાં ચલણનો અંત આણીને લોકોના અવાજને મજબૂતી આપવા માગતા હોવાની
જાહેરાત તેમણે કરી છે. આમ મસ્કે અમેરિકાનાં રાજકારણમાં સીધું પદાર્પણ કર્યું છે. આમ
તો અગાઉ તેમણે ટ્રમ્પના રાષ્ટ્રપતિપદના પ્રચારની ધૂરા સંભાળી હતી. મસ્કે આ પ્રચારમાં
પોતાના સોશિયલ મીડિયાના વિખ્યાત માધ્યમો સહિત સાધનો અને નાણાંનો ભરપૂર ઉપયોગ કરીને
ટ્રમ્પને જીતાડવામાં આકાશ-પાતાળ એક કરી દીધા હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે વળતી
ભેટરૂપે મસ્કને સરકારી કામગીરીને સુધારવાના ચાવીરૂપ વિભાગની જવાબદારી સોંપી હતી. પણ
ટ્રમ્પની સરકારને પોતાની રીતે ચલાવવા ઈચ્છતા મસ્ક તેમના નિર્ણયોની સામે બહુ જલ્દીથી
નારાજ થવા લાગ્યા હતા. મસ્ક સારા વેપારી છે, પણ તેઓ સારા રાજકારણી નથી, એટલે ટ્રમ્પના નિર્ણયોને રાજકીય
પરિપેક્ષમાં તેઓ સમજી શક્યા ન હતા. ભારે મહત્ત્વાકાંક્ષી એવા બીગ બ્યૂટીફૂલ બિલ પર
ટ્રમ્પને ભારે અપેક્ષા અને ઉત્સાહ છે, પણ મસ્કતે સમજી શક્યા નહીં
અને તેની ટીકા કરવા લાગ્યા, પરિણામે તેઓ સરકારથી બહાર થઈ ગયા.
હવે મસ્કે નવો પક્ષ રચીને અમેરિકાનાં રાજકારણમાં નવો વિકલ્પ આપવાનો પોતાનો ઈરાદો જાહેર
કર્યો છે, પણ મસ્ક બરાબર સમજે છે કે, અમેરિકાનાં
બંધારણની જોગવાઈ મુજબ તેઓ રાષ્ટ્રપતિપદ સંભાળી શકે તેમ નથી. આ માટે અમેરિકામાં જન્મેલી
વ્યક્તિ જ સર્વોચ્ચ પદ માટે ચૂંટણી લડી શકે એવી જોગવાઈ હોવાથી દક્ષિણ આફ્રિકામાં જન્મેલા
હોવાને લીધે મસ્ક આ ચૂંટણી લડી શકે તેમ નથી. જો કે, તેઓ પોતાના
કોઈ નિકટના સાથી કે પરિવારજનને આ ચૂંટણી લડાવી શકે છે. આ ખટરાગ જેમ-જેમ વધી રહ્યો છે,
તેમ-તેમ ટ્રમ્પ અને મસ્ક બંનેને તેનાથી નુકસાન જશે એ વાત નક્કી છે. અમેરિકા
સરકારના અબજો ડોલરના કોન્ટ્રાક્ટ મસ્કના હાથમાંથી સરી જાય તેમ છે, તો મસ્ક ટ્રમ્પની સામે ગંભીર સવાલો ખડા કરવામાં પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો
ઉપયોગ કરે એવી પૂરી શક્યતા છે, પણ આ બંનેની પ્રકૃતિને જોતા આવનારા
સમયમાં કદાચ સમાધાન કરીને ફરી મિત્રતાના હાથ મીલાવાય એવી પણ શક્યતાને નકારી શકાય નહીં.
આમ થાય તો પણ આ મિત્રતા અને દુશ્મનાવટ કેટલા ટકાઉ રહેશે, તે કોઈ
કહી શકે તેમ નથી.