• શનિવાર, 27 એપ્રિલ, 2024

ભારત અને વડાપ્રધાનનો આત્મવિશ્વાસ ઊંચાઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-7 શિખર બેઠક માટે કરેલી વિદેશયાત્રા દરમ્યાન તેમની અપાર લોકપ્રિયતાનો ગ્રાફ વધુ ઊંચે ચડયો હોવાનું જોવા મળ્યું. ભારતીયો તરફ દુનિયા માનથી જોતી થઇ છે. ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે વડાપ્રધાનને સાંભળવા આવેલા ભારતીયોએ ગૌરવથી કહ્યું કે, અમારામાં દેશ પહેલો એ ભાવના પીએમ મોદીએ દૃઢ બનાવી છે. વિરોધપક્ષો વડાપ્રધાન પ્રત્યે જે કહેતા હોય કે માનતા હોય.. તેમના જેવી ચાહના અને આદર બહુ ઓછા ભારતીય નેતાઓ હાંસલ કરી શક્યા છે. જી-7 બેઠક પહેલાં `ક્વાડ' બેઠકમાં આતંકવાદનો સામનો કરવા અંગે મોદીના વિચારોનું અનુમોદન થયું. યુદ્ધગ્રસ્ત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં પણ નરેન્દ્રભાઇએ કુનેહપૂર્વક શાંતિનો સંદેશ આપ્યો, સાથે એવી ધરપત આપી કે, યુદ્ધ સમાપ્ત થાય એ માટે ભારત પોતાની ભૂમિકામાંથી કદી પાછીપાની નહીં કરે. વડાપ્રધાન વિદેશયાત્રાએ ઘણીવાર ગયા છે, પણ આ યાત્રાની ખાસ્સી ચર્ચા છે. વિશ્વમાં ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો હોવાનું પ્રમાણ મળ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા, તો રાજધાની પોર્ટ મોરેસ્બીમાં ત્યાંના વડાપ્રધાન જેમ્સ મારાપેએ પ્રોટોકોલ તોડી મોદીને આવકાર્યા એટલું જ નહીં, મોદીનાં ચરણસ્પર્શ કરી તેમનું સ્વાગત પણ કર્યું હતું. આ પછી પીએમ મોદીને એરપોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર અપાયું. આ ઈન્ડોપેસેફિક રિજનમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. આ પહેલાં શનિવારે હિરોશિમામાં જી-7ની બેઠકમાં ભાગ લેવા આવેલા અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાયડન અને  ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે વડાપ્રધાન મોદીએ મંત્રણા કરી. આ દરમિયાન બાયડને કહ્યું કે, મારે તો વડાપ્રધાન મોદીના ઓટોગ્રાફ લેવા જોઈએ ! આ દરમિયાન અલ્બનીઝે કહ્યું કે, તેમની પાસે પણ આવી રિક્વેસ્ટ આવી રહી છે, પણ સિડનીનાં કોમ્યુનિટી રિસેપ્શનમાં 20 હજાર લોકોની જ ક્ષમતા છે. બાયડન અને અલ્બનીઝને મોદીએ જણાવ્યું કે, તેમના માટે ભીડને મેનેજ કરવાનો પડકાર છે ! અને એ ધારણા મુજબ જ કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડયા હતા. ભારતનું દરેક ક્ષેત્રમાં સામર્થ્ય વધતું હોવાથી એક જબરદસ્ત આત્મવિશ્વાસ વડાપ્રધાનની બોડી લેંગ્વેજમાં ઝળકતો જણાય છે. ભારત વિશ્વનું પાંચમા ક્રમાંકનું અર્થતંત્ર હોવાનું અને વૈશ્વિક બજારમાં ભારતનું મહત્ત્વ સારી રીતે જાણતા હોવાથી તેમજ ભારત સંરક્ષણ દૃષ્ટિએ ઘણું શક્તિશાળી બની રહ્યું છે, તેથી ભારતની ભૂમિકાની ઉપેક્ષા કરીને નહીં ચાલે, અર્થાત્ ભારતની નીતિથી અલગ વલણ શક્ય નથી, તેની પશ્ચિમનાં રાષ્ટ્રોને અને ખાસ કરીને અમેરિકાને ખાતરી થઈ છે, તેને લઈને જ બેઠકમાં અમેરિકાના અધ્યક્ષ જો બાયડન વડાપ્રધાન મોદી પ્રતિ વિશેષ લક્ષ આપીને તેમની પાસે જઈને મોદીને ગળે મળ્યા હતા. ભારતનાં વધતાં સામર્થ્યનું અને સુદૃઢ અને ગતિમાન અર્થતંત્રનું પ્રતિબિંબ બાયડનની કૃતિથી ઊપસ્યું છે તે સ્પષ્ટ છે. ભારતને જેટલી જરૂર વિકસિત દેશોની છે, તેનાથી વધુ જરૂર યુરોપ અને અમેરિકાને ભારતની છે, આ વસ્તુસ્થિતિ છે. વિશેષ કરી ડ્રેગનના વિસ્તારવાદને લગામ તાણવી હશે, તો ભારત સિવાય પર્યાય નથી, એ પણ પશ્ચિમના દેશોએ સ્વીકાર્યું છે. શક્તિશાળી ચીન દક્ષિણ ચીન ટાપુ પર તેમજ ફિલિપાઈન્સ સહિત બીજા અનેક દેશોની ભૂમિ પર પોતાનો દાવો કરે છે. ભારતને ચીન સાથે સીમાવિવાદ છે. એલઓસી પાસે ભારત અને ચીન વચ્ચે અથડામણના રોજ સમાચાર આવે છે. ચીની સૈનિકોને ભારતીય જવાનોએ કેવો જબરદસ્ત પાઠ ભણાવ્યો તે જગજાહેર છે. આવી સ્થિતિમાં ચીનને રોકવા માટે ભારતનો સાથ હોવો આવશ્યક હોવાનું ચીનવિરોધી રાષ્ટ્રો સમજે છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈપણ મંચ પરથી ભારતનો અવાજ વૈશ્વિક સ્તર પર વધુને વધુ પ્રમાણમાં કેવી રીતે પહોંચે એ માટે સાતત્યથી પ્રયાસશીલ છે. વડાપ્રધાન મોદીની મુલાકાત ભારત માટે નિશ્ચિતપણે ફળદાયી નીવડશે. આવતા મહિને તેઓ અમેરિકાના સત્તાવાર પ્રવાસે જવાના છે,  એની અત્યારથી તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang