• મંગળવાર, 06 મે, 2025

રાષ્ટ્રીય આપદામાં પણ રાજકીય દાવપેચ!

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. કોઈ પણ ક્ષણે ભારતની સેના પાકિસ્તાન ઉપર પ્રતિપ્રહાર કરવા સજ્જ છે. આખા દેશમાં એક જુવાળ છે. હવે ક્યારે ત્રાટકશો તેવો સવાલ જનતા પૂછી રહી છેપ તે વેળા સરકારની, દેશની સાથે રહેવાને બદલે, લશ્કરનું મનોબળ વધારવાને બદલે એક વર્ગ પ્રતિવિચારની બૂમ પાડી રહ્યો છે. આ સમય સામે-સામે નહીં, સાથે-સાથે રહેવાનો છે. લડાઈ અંદર નથી કરવાની, બાહ્ય તાકાત સામે, શત્રુ સામે કરવાની છે, પરંતુ દેશમાં એવા લોકો પણ પડયા છે, જે અત્યારે પણ સરકારના વલણની, નિર્ણયની કે કાર્યવાહીની ફક્ત ટીકા કરી રહ્યા છે. આ સંજોગોમાં પણ તેઓ સંશયાત્મા બની રહ્યા છે. ફતેશ શાહુ નામની એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ન્યાયિક તપાસ કરાવવા માગણી કરી હતી. નિવૃત્ત જજ પાસે સમગ્ર હુમલાની તપાસ કરાવવાની આ અરજીની સુનાવણી કરતાં જસ્ટિસ સૂર્યકાન્ત અને એન.કે. સિંઘની ખંડપીઠે ફતેશ શાહુને કહ્યું કે, આ નાજુક ઘડીએ સેનાનું મનોબળ તૂટે તેવું કરવું ન જોઈએ. વિષયની સંવેદનશીલતા સમજો અને આખો દેશ આતંકવાદ સામે લડવા એક થયો છે, ત્યારે આવી અરજીઓથી સૈન્યના જુસ્સા ઉપર શંકા કે પ્રહાર ન કરો. કોર્ટે ત્યાં સુધી કહ્યું કે, નિવૃત્ત ન્યાયાધીશ આતંકી હુમલાની તપાસના નિષ્ણાત બની શકે, અમારું કામ તો ચુકાદા આપવાનું છે. જો કે, આ એક કિસ્સો તો સામે આવ્યો. સોશિયલ મીડિયા ઉપર સતત ઘમસાણ છે. કોંગ્રેસે બે દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પ્રતીકાત્મક તસવીર સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. વિવાદ થયો તેથી તે પોસ્ટ તો હટાવી લેવાઈ છે, પરંતુ આવા સમયમાં જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસે આ કરવાનું નહોતું. અગાઉ સર્જિકલ સ્ટ્રાઈક થયા પછી પણ સેનાને બિરદાવવાને બદલે દિલ્હીના તત્કાલીન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગ્યા હતા. એક વાત અત્યંત સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે, કોઈ પણ રાષ્ટ્રીય આપદા કે સમસ્યા હોય તેને રાજકીય દૃષ્ટિથી જોવાનો અભિગમ હવે બદલાવવાની જરૂર છે.  કોઈ પક્ષ સામે, કોઈ વ્યક્તિ સામે વાંધો હોઈ શકે, ટીકા સરકારની પણ થઈ શકે અને સરકારના નિર્ણયો સામે સવાલો થઈ શકે, પરંતુ તે મુદ્દા અલગ હોય. પાકિસ્તાને ભારતના પહેલગામમાં હુમલો કર્યો તે ફક્ત કેન્દ્ર સરકાર કે કાશ્મીર સરકારની સમસ્યા નથી. તે દેશ ઉપર થયેલો હુમલો છે. ભાજપ સરકારની ટીકા કરવાની તક વિપક્ષોને ઘણી મળવાની જ છે, પરંતુ જ્યારે આપણે પાકિસ્તાન સામે લડવાની તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે રાજકીય મતભેદો ભૂલીને રાષ્ટ્રીય મંચ પર સૌએ એક થઈને લડવું રહ્યું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd