• મંગળવાર, 06 મે, 2025

ધો. 12નું પરિણામ સા. પ્રવાહ 93, વિજ્ઞાન પ્રવાહ 83 ટકા

અમદાવાદ, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો ઇન્તેજારનો અંત આવ્યો છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ - 2025 અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જે અનુસાર, રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07% જાહેર કરાયું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતા 1 ટકા વધુ અને સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ 96.60% પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ, જ્યારે સૌથી વધુ 92.91% પરિણામ ધરાવતો જિલ્લો મોરબી રહ્યો છે. ગયા વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી.સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતા કેન્દ્રો સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા, તેમજ મીઠાપુર, જ્યારે સૌથી વધુ 97.20% પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા રહ્યો છે. વ્યવસાયલક્ષી પ્રવાહનું 90.81 ટકા અને ઉત્તર બુનિયાદી શાળાઓનું 94.04 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રાજ્યના 152 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. જેમાં 1,11,223 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 1,10,395 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં નિયમિત વિદ્યાર્થીઓ, 1,00,725 નોંધાયા હતા. જે પૈકી 1,00,575 એ પરીક્ષા આપી હતી જેમાંથી કુલ 83,987 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા હતા. આમ રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ  96.60% પરિણામ ગોંડલ કેન્દ્રનું જ્યારે સૌથી વધુ 92.91% પરિણામ મોરબી જિલ્લામાં આવ્યું છે. આ ઉપરાંત સૌથી ઓછું 59.15% પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યું છે. જ્યારે અ ગ્રુપના ઉમેદવારોના પરિણામ 91.90%, ઇ ગ્રુપના ઉમેદવારોના પરિણામ 78.74% તેમજ અઇ ગ્રુપન ઉમેદવારોનું પરિણામ 73.68% આવ્યું છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 34 સ્કૂલોનું 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે, જ્યારે 194 સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 83.20% જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 93.97% અને ગુજરાતી માધ્યમના ઉમેદવારોના પરિણામની ટકાવારી 93.07% છે.સામાન્ય પ્રવાહમાં 97.20% સાથે બનાસકાંઠા જિલ્લો મોખરે છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77%  પરિણામ આવ્યું છે. 2005 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું છે જ્યારે  10%થી ઓછું પરિણામ ધરાવતી 21 શાળાઓ છે. સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જોઇએ તો, આ પરીક્ષામાં કુલ 3,64,485 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિદ્યાર્થીઓમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં નિયમિત ઉમેદવારોનો પરિણામ 93.07% આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં એ1 ગ્રેડમાં 5655 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે અ2 ગ્રેડમાં 40,018 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. ઇ1 ગ્રેડમાં 77954 વિદ્યાર્થીઓ, 2 ગ્રેડમાં 95,386 વિદ્યાર્થીઓ ઈ1 ગ્રેડમાં 79231 વિદ્યાર્થીઓ ઈ2 ગ્રેડમાં 33553 વિદ્યાર્થીઓ જ્યારે ઉ ગ્રેડમાં 2423 વિદ્યાર્થીઓ પાસ થયા છે. દરમિયાન ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાયું છે. તેમાં  99 ટકા થી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ અ 489 અને ગ્રુપ ઇ 790 છે. 98 ટકા થી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ અ 970 અને ગ્રુપ ઇ 1567 તથા 96 ટકાથી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ અ 1921 અને ગ્રુપ ઇ 3163 તેમજ 94 ટકાથી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ અ 2915 અને ગ્રુપ ઇ 4751 વિદ્યાર્થી છે. જે વિદ્યાર્થીઓને સારા પરિણામ આવ્યા છે તેમને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ અભિનંદન પાઠવ્યા હતા અને જે વિદ્યાર્થીઓ સફળ થયા નથી તે હતાશ થયા વગર ફરીવાર પૂરી મહેનત સાથે તૈયારીમાં જોડાઈ જાય તેવો અનુરોધ કર્યો હતો.અત્રે ઉલેખ્ખનીય છે કે, પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી. જો કે, રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ ઓફ ટુ પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય તે વિષયની પરીક્ષા અથવા સમગ્ર વિષયોની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકે છે. હવે, આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 989 કેન્દ્ર પરથી 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd