ગાંધીધામ, તા. 5 : ગાંધીધામ-આદિપુર
જોડિયા શહેરમાં મહા નગરપાલિકા હસ્તકના 9 બગીચા
છે, પરંતુ સારું મનોરંજન સ્થળ દોહ્યલું છે. મોટાભાગના બગીચાઓનું
સંચાલન ખાનગી સંસ્થા અને એજન્સીને સોંપવામાં આવ્યું છે ને તે માટે દર મહિને લગભગ 2.28 લાખ રૂપિયાનું ચૂકવણુ કરવામાં આવે છે. મનપા આ રૂપિયા
બગીચાઓના જાળવણી, નિભાવણી અને રખરખાવ માટે આપે છે, છતાં
આ મનોરંજન સ્થળ ખંડેર બનવા તરફ છે. બગીચાઓ ઘણા છે પણ સારું મનોરંજન સ્થળ દોહ્યલું છે,
જેના પગલે હવે તંત્ર શિવાજી
પાર્કમાં 80 લાખ રૂપિયાનો ખર્ચો કરવા જઇ રહ્યું
છે. ગાંધીધામની મધ્યમાં આવેલા શિવાજી પાર્કનું રૂા. 80 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે, જેમાં બગીચામાં લાઇટિંગ, પાથ-વે, ફરતી દીવાલનું રિનોવેશન, પાણીની પાઇપલાઈન, જમીન ખોદીને માટી ભરી નવું ઘાસ ઉગાડવું, ફૂવારા,
નવા રમતગમતના સાધનો નાખવા સહિતની કામગીરી કરવામાં આવશે અને એક સારાં
એવાં મનોરંજન સ્થળ તરીકે આ બગીચાને વિકસિત કરવામાં આવશે. હાલના સમયે બગીચામાં ફૂવારા
બંધ છે. ઘાસ સુકાઈ ગયું છે. ફૂટપાથ તૂટી ગઈ છે. રમતગમતના સાધનોનો અભાવ છે અને હયાત
સાધનો તૂટેલાં છે. સંચાલન કરતી એજન્સીને દેખરેખ માટે 48000 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે. બગીચો ખંડર
બનવા તરફ છે અને હવે નવીનીકરણ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
ટૂંક સમયમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા આપવાનું શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. મહા નગરપાલિકામાં બગીચાઓ છે, પણ સારા મનોરંજન સ્થળનો અભાવ છે. મેન્ટેનન્સ પાછળ દર મહિને 2.28 લાખનો ખર્ચ કરવામાં આવે છે, છતાં સ્થિતિમાં સુધારો થતો નથી, જેના પગલે ખર્ચ સામે
સવાલો ઊઠી રહ્યા છે. મહા નગરપાલિકા બની, ત્યારે રાજ્ય સરકારે
બગીચાઓના વિકાસ માટે કહ્યું હતું તે દિશામાં ઝાઝું કામ તો થયું નથી, પરંતુ હવે ધીરે-ધીરે એક પછી એક બગીચાનું નવીનીકરણ કરવાની દિશામાં પગલાં ભરવામાં
આવી રહ્યાં હોવાનું જવાબદારો કહી રહ્યા છે.