• મંગળવાર, 06 મે, 2025

સામાન્ય પ્રવાહનું છ વર્ષનું ઊંચું 95.05 ટકા પરિણામ, 150 વિદ્યાર્થીને એ-વન ગ્રેડ

અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 5 : ગુજરાત રાજ્યનાં શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બારમા ધોરણની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ `અસામાન્ય' આવ્યું છે. કચ્છના છાત્રોએ 95.05 ટકા સાથે `ઐતિહાસિક' કહી શકાય તેવી સફળતા મેળવી છે. સામાન્ય પ્રવાહનું છેલ્લા છ વર્ષનું સૌથી ઊંચુ પરિણામ આવ્યું છે. રાજ્યનાં શિક્ષણ બોર્ડે તેની વેબસાઈટ પર આજે સોમવારે જાહેર કરેલા આંકડા પર નજર કરીએ તો કચ્છનું પરિણામ વીતેલા વર્ષની તુલનાએ 0.82 ટકા અને રાજ્ય કરતાં 1.98 ટકા ઊંચુ આવ્યું છે. જિલ્લામાંથી પરીક્ષા આપનાર 10,245માંથી 150 એટલે કે વીતેલાં કરતાં 14 વધુ તેજસ્વી પરીક્ષાર્થીએ એ-વન ગ્રેડની વિશેષ સિદ્ધિ મેળવી છે. કચ્છમાં 100 ટકા સફળતા 90 શાળાને મળી છે, જેમાં 28 સરકારી, 14 ગ્રાન્ટેડ અને 48 ખાનગી શાળા છે. કચ્છના કુલ્લ 13 કેન્દ્ર પરથી લેવાયેલી પરીક્ષા આપનાર છાત્રોમાંથી 550 પરીક્ષાર્થીના પરિણામમાં સુધારાની જરૂર હોવાની નોંધ જોવા મળી હતી. આ વખતે નવું ઉમરાયેલું કેરા કેન્દ્ર કચ્છમાં પ્રથમ રહ્યું છે. આ કેન્દ્રના 265માંથી 262 એટલે કે, 98.87 ટકા છાત્ર સફળ થયા હતા તો વીતેલા વર્ષની જેમ જ 52.56 ટકા સાથે છેલ્લા સ્થાને રહેલા ખાવડાના 78માંથી 41 છાત્ર સફળ થયા હતા. ખાસ ઉલ્લેખ કરવા જેવી હકીકત તો એ છે કે, ખાવડાને બાદ કરતાં રાપર, પાનધ્રો જેવા નાના સહિત તમામ 12 કેન્દ્રનું પરિણામ 90 ટકાથી ઊંચુ ં આવ્યું છે. બીજી તરફ અવ્વલ કેરા સહિત સાત કેન્દ્રના 95 ટકાથી વધુ પરીક્ષાર્થીને સફળતા મળી છે. કચ્છનાં સાત મુખ્ય અને છ યેટા મળીને કુલ્લ 13 કેન્દ્ર પરથી પરીક્ષા આપનાર કુલ્લ 10,288માંથી 9738 છાત્રોએ પ્રમાણપત્ર પ્રાપ્તિનો લક્ષ્યવેધ કરવામાં સફળતા મેળવી છે. ટોચનાં પાંચ કેન્દ્રોમાં કેરા, નલિયા જેવા નાના, માંડવી, ભુજ, મુંદરા જેવાં મોટા કેન્દ્રોએ મેદાન માર્યું છે, તો સળંગ બીજા વર્ષે પૂર્વ કચ્છના એક પણ કેન્દ્રને સ્થાન નથી મળ્યું. કુલ્લ 96.86 ટકા સાથે બીજા ક્રમે રહેલા નલાયાના 350માંથી 339 છાત્ર સફળ થયા હતા, તો 1246માંથી 1204 એટલે કે 96.36 ટકા છાત્રોની સફળતા સાથે માંડવી ત્રીજાં સ્થાને રહ્યું છે. ચોથા સ્થાને રહેલા ભુજ કેન્દ્ર પરથી સૌથી વધુ 2376 છાત્રએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2289 અર્થાત 96.34 ટકા છાત્ર સફળ થયા છે. પાંચમાં સ્થાને રહેલા મુંદરાના 690માંથી 662, એટલે કે 95.94 ટકા છાત્રને સફળતા મળી છે, તો 95.93 ટકા સાથે છઠ્ઠા સ્થાને રહેલા ભચાઉના 737માંથી 707 છાત્ર સફળ થયા છે. નખત્રાણા કેન્દ્રએ 95.05 ટકા સાથે સાતમું સ્થાન જાળવી રાખ્યું છે. આ કેન્દ્રના 586માંથી 557 છાત્ર સફળ થયા છે. આઠમા ક્રમે રહેનાર અંજારના 1085માંથી 1023 એટલે કે, 94.29 ટકા છાત્રને સફળતા મળી છે, તો 93.83 ટકા સાથે ગાંધીધામ કેન્દ્ર નવમા સ્થાને રહ્યું હતું, જેના 1280માંથી 1201 છાત્ર સફળ થયા છે. રાપર 93.72 ટકા સાથે 10મા, પાનધ્રો 93.53 ટકા સાથે 11મા, 93.52 ટકા સાથે આદિપુર 12મા અને ખાવડા 52.56 ટકા સાથે છેલ્લા સ્થાને રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd