મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ગમે ત્યારે ફૂંકાઈ શકે છે. ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીનું સમયપત્રક જાહેર કરે એવી શક્યતા છે. બધા જ પક્ષો હાલ `ઈલેક્શન મોડ'માં છે, ત્યારે યુતિ - આઘાડીની બેઠક વહેંચણી માથાંનો દુ:ખાવો બની છે. આ ઉપરાંત, રાજ્યમાં મરાઠા આંદોલનને લઈ નિર્માણ થયેલી સામાજિક અસ્વસ્થતા કોની તરફેણમાં જશે એ ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. આ પાર્શ્વભૂમિકા પર ભાજપના વરિષ્ઠ નેતા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત અત્યંત મહત્ત્વની છે. શાહે વિદર્ભ અને મરાઠવાડામાં ભાજપના કાર્યકર્તાઓને આપેલી હિદાયત, ચૂંટણી જીતવા માટે કહેલી દસ કલમ અને અનામત માટે ચાલુ સામાજિક આંદોલનો કેવી રીતે હાથ ધરવાં એ ગુજરાતનું ઉદાહરણ આપી કરેલી મીમાંસાથી તેમની વ્યૂહરચના સ્પષ્ટ થાય છે.વિદર્ભ અને મરાઠવાડા પર તેમણે લક્ષ કેન્દ્રિત કર્યું છે, એની પાછળનાં કારણો છે. લોકસભા ચૂંટણીમાં આ બે ક્ષેત્રમાં મહાયુતિને અને વિશેષત: ભાજપને અપેક્ષિત સફળતા મળી નહોતી. મરાઠવાડામાં ભાજપને એકપણ બેઠક પર વિજય મળ્યો નહોતો, જ્યારે વિદર્ભમાં બે બેઠકથી સંતોષ માનવો પડયો હતો. મહાયુતિને રાજ્યમાં ફરી સત્તામાં આવવા માટે વિદર્ભની ઓછાંમાં ઓછી 45 અને મરાઠવાડાની 30 બેઠક જીતવી આવશ્યક છે, આથી શાહે `િમશન 45'નું સૂત્ર આપ્યું હોવાનું માનવામાં આવે છે.ચૂંટણીનાં પરિણામ પર અનેક ઘટકોનો પ્રભાવ હોય છે. જય - પરાજય તેના પર અવલંબતો હોય છે. અન્યથા, લોકસભા ચૂંટણીમાં મવિઆ અને મહાયુતિને મળેલા મતોની ટકાવારી ફક્ત 0.16 ટકા જેટલો નજીવો તફાવત હોવા છતાં બેઠકોમાં અનુક્રમે 31 અને 17 એવો લગભગ બમણો ફરક જોવા મળ્યો હતો, આથી શાહે દરેક બૂથ પર 10 ટકા મત વધારવાનો આદેશ આપતાં જ વિપક્ષના કાર્યકર્તાઓને પોતાના કરવાની સલાહ આપી.શાહનાં ભાષણના વધુ ત્રણ મુદ્દા ખૂબ મહત્ત્વના છે. પહેલો મુદ્દો શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કોઈપણ કરીને રોકવાનો છે. લોકસભામાં કોંગ્રેસે સર્વાધિક બેઠકો જીતી હોવા છતાં આ વિજયમાં બન્ને નેતાનો સિંહફાળો રહ્યો છે તે શાહ જાણે છે. બીજો મુદ્દો ચૂંટણી ટાણે પક્ષમાં આવનારા આયારામ સંદર્ભમાં છે. 2014ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં થોકબંધ આયારામની ભરતી થઈ હતી. તેનો કેટલો ફાયદો લોકસભામાં પક્ષને થયો તે લોકસભા ચૂંટણીમાં જણાયું છે. મોટેભાગે તો બીજા પક્ષોના કલંકિત નેતાઓને નિકટ કરવાથી નુકસાનીના ટકા જ વધ્યા છે. ત્રીજો મુદ્દો ખૂબ મહત્ત્વનો અને એટલો જ વ્યાપક છે. મહારાષ્ટ્રની ચૂંટણી સંપૂર્ણ દેશનાં રાજકારણ પર અસર કરનારી ઠરે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેના પ્રત્યાઘાત પડે છે.