• શનિવાર, 27 જુલાઈ, 2024

તાઇવાનને ઘેરતું ચીન

વિશ્વના મોટાભાગના શક્તિશાળી દેશો તેમની આણ વર્તાવવા માટે કોઇપણ હદે જતા હોય છે. અમેરિકા હોય કે રશિયા હોય કે ચીન આ દેશો પોતાની માટે અડચણરૂપ કોઇ પણ દેશની સામે આર્થિક કે લશ્કરી મોરચો ખોલી નાખતા ખચકાતા નથી. આ દેશોની યાદીમાં ચીન તેની તાકાતનો ઉપયોગ પોતાની વિસ્તારવાદી મહેચ્છાઓને સાકાર કરવામાં અગ્રેસર હોવાનો અનુભવ તેના મોટાભાગના પડોશી દેશોને થઇ ચૂક્યો છે. આ વખતે ચીને તેના પડોશી તાઇવાનની સામે ઉંબાડિયા શરૂ કર્યા છે. તાજેતરમાં ચૂંટાયેલી તાઇવાનની નવી સરકારને ડરાવવા ચીને સતત બે દિવસ સુધી લશ્કરી કવાયત યોજી હતી. ચીની દળોએ કવાયતના ઓઠા તળે તાઇવાનના વિસ્તારોમાં ઘૂસણખોરીના પ્રયાસ પણ કર્યા હતા. આ સંદર્ભમાં ગયા સપ્તાહે તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યંy હતું કે, ચીનના નૌકાદળનાં 27 યુદ્ધ જહાજ અને 62 યુદ્ધ વિમાન તાઇવાનની સરહદની સાવ નજીક આવી ગયા હતા. આમ તો ચીને દાવો તો લશ્કરી કવાયતનો કર્યો હતો, પણ બે દિવસ ચોલેલી આ કવાયત આકાશ અને સમુદ્રમાં એટલી આક્રમક બની રહી હતી કે, તેના દ્વારા સ્પષ્ટ કળાતું હતું કે, ચીને એવા સંકેત આપવાના પ્રયાસ કર્યા કે તેનાં જહાજો અને વિમાનો તાઇવાનને કઇ રીતે ઘેરો ઘાલી શકે છે. હદ તો ત્યાં થઇ ગઇ કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એનડીએનો વિજય થયો એ પછી અન્ય વૈશ્વિક નેતાઓની જેમ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ-ચિંગ તેએ શ્રી મોદીને અભિનંદન પાઠવ્યાં અને બંને વચ્ચે આત્મીયભાવથી વાતચીત થઈ એ સામે ચીને વાંધો લીધો છે. જો કે, તાઇવાને એ નકારી કાઢતાં કહ્યું હતું કે, આવી ધમકી કે ચંચુપાતથી તાઇવાન ભારત સાથેના સંબંધો ગાઢ બનાવવામાં અટકવાનું નથી. ચીની પ્રવક્તાએ એવી ચીમકી આપી હતી કે, તાઇવાન ચીનનો જ છૂટો પડેલો ભાગ છે અને જરૂર પડે બળપૂર્વક પુન: સમાવી લેવાશે. ચીન તાઇવાનને દબાવવાના સતત પ્રયાસ કર્યા કરે છે. આવી કવાયતનાં નામે તેણે તાઇવાનને ડરાવવાનો પ્રયાસ કર્યો હોય એ કંઇ પ્રથમ પ્રસંગ ન હતો. આ અગાઉ ચીને તાઇવાનમાં ઘૂસણખોરીના 40 જેટલા પ્રયાસ કર્યા છે. આ વખતે તેણે ખાસ તો તાઇવાનના નવા રાષ્ટ્રપતિને લક્ષ્ય બનાવીને કવાયત હાથ ધરી હતી.  ઉલ્લેખનીય છે કે, તાઇવાનના નવા રાષ્ટ્રપતિ ચીનથી અલગ રહેવાની વિચારધારાના સમર્થક ગણવામાં આવે છે. તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ભારે જટિલ છે. એક તરફ તાઇવાન પોતાને સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર ગણે છે, જ્યારે ચીન તાઇવાનને પોતાનો હિસ્સા માને છે. ચીન પોતાના દાવાને સાચો ઠેરવવા સતત સક્રિય રહે છે. તાઇવાન પર પોતાનો દાવો કરવામાં ચીનની કઇ ગણતરી કામ કરી રહી છે તે સૌ કોઇ જાણે છે. તે તેના પડોશી દેશોના વિસ્તારો પર પોતાનો અધિકાર પ્રસ્થાપિત કરવા સતત મથતું રહે છે. આટલા માટે ભારત હોય કે તાઇવાન ચીન હંમેશાં પોતાના વિસ્તારને વધારવા કોઇ પણ હદે જવા સતત ટાંપીને બેઠું હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang