• શનિવાર, 20 એપ્રિલ, 2024

રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટે ભારત પર મદાર

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગે દુનિયાને બે છાવણીમાં વિભાજિત કરી નાખી છે. માત્ર ભારત જેવા એકલ-દોકલ દેશ છે, જે બન્ને યુદ્ધરત દુશ્મનની સાથે સારા સંબંધ ધરાવે છે. હવે જંગને રોકવાની જવાબદારી સ્વાભાવિક રીતે ભારત જેવા તટસ્થ દેશો પર અવલંબી રહી છે.  આવામાં ભારતની મુલાકાતે આવી ગયેલા યુક્રેનના વિદેશમંત્રીએ જંગનો અંત આણવાની નવી દિલ્હીની શાંતિ ફોર્મ્યુલામાં વિશ્વાસ વ્યક્ત કર્યો એનું ભારે મહત્ત્વ છે.રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને બે વર્ષ કરતાં વધુ સમય થઇ ગયો છે. રશિયાએ યુક્રેનના મોટા હિસ્સા પર કબજો કરીને ત્યાં ભારે તબાહી મચાવી છે. 10 લાખથી વધુ લોકો  બેઘર બન્યા છે. આવામાં યુદ્ધનો અંત આવે તે માનવતાના હિતમાં છે.આમ તો યુક્રેને વારંવાર રશિયા સાથે વાતચીતની તૈયારી બતાવી છે, પણ રશિયાની પૂર્વ શરત રહી છે કે, યુક્રેન નાટોનું સભ્યપદ પરત લે તો વાતચીત થઇ શકે તેમ છે.  ભીષણ હુમલા વચ્ચે રશિયાએ યુક્રેન પર બે વખત અણુ હુમલાની ધમકી પણ આપી છે. ભારતને લાગે વળગે છે, ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ બન્ને દેશના રાષ્ટ્રપતિઓની સાથે સંખ્યાબંધ વખતે પ્રત્યક્ષ અથવા ફોન પર વાત કરીને જંગનો અંત આણવાની જરૂરત પર ભાર મુક્યો છે.  યુક્રેને ભારતની શાંતિ  ફોર્મ્યુલા પર અગાઉ પણ તરફેણ કરી હતી, પણ રશિયા તેનાં વલણમાં જરા પર નમતું જોખે તેમ નથી.ઉલ્લેખનીય છે કે, રશિયાએ યુક્રેન પર અણુહુમલાની રીતસરની તૈયારી પૂરી કરી લીધી હતી, પણ છેલ્લી ઘડીએ વડાપ્રધાન મોદીની દરમ્યાનગીરીને લીધે હુમલો ટળ્યો હતો.  આજે વિશ્વમાં  ભારતની સફળતાની માનભેર નોંધ લેવાઇ  હી છે. ભારતના બન્ને  દેશ સાથે સારા સંબંધ રહ્યા છે, તેમાં રશિયાના રાષ્ટ્રપતિ  વ્લાદિમિર  પુતિને શાંઘાઇ શિખર સંમેલન દરમ્યાન મોદીને હૈયાધારણ આપી હતી કે, તેઓ યુક્રેન પરના હુમલા રોકશે, પણ કમભાગ્યે તેમણે ખાતરીના પાલન પર ધ્યાન આપ્યું નથી અને સ્થિતિ સતત બદતર બની રહી છે. આમ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે જંગને રોકવાના સતત પ્રયાસ કર્યા હોવા છતાં તેમાં સફળતા મળી નથી. હવે દુનિયાના   દેશોને ભારત જવાબદારી અદા કરે એવી અપેક્ષા છે, પણ જ્યાં સુધી રશિયા હકારાત્મક બને નહીં ત્યાં સુધી ભારતના પ્રયાસ સફળ  થઇ શકે તેમ નથી. રશિયા સાથે ભારતના  ઐતિહાસિક સંબંધ રહ્યા છે. હાલની કટોકટીમાં પશ્ચિમી દેશોએ રશિયા સામે સંખ્યાબંધ પ્રતિબંધ લાદ્યા હોવા છતાં ભારતે તેના મિત્ર પાસેથી ક્રુડ તેલ ખરીદી અને શત્રોના કરારને યથાવત્ રાખ્યા છે. રશિયા પણ આવા કપરા સમયમાં ભારતની મિત્રતાની સાચી કિંમત સમજે છે, પણ યુક્રેન સામેના જંગમાં તેને હજી પોતાના વ્યૂહાત્મક ગમા-અણગમા વધુ નડી રહ્યા છે.હકીકત છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટે હાલના સંજોગોમાં ભારત એકમાત્ર સક્ષમ દેશ જણાઇ રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang