• મંગળવાર, 25 જૂન, 2024

શ્વેત વિરુદ્ધ શ્યામપત્રિકા : સરકાર - વિપક્ષ સામસામે

લોકસભાની આગામી ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકીય સાથે આર્થિક મોરચા પણ ખુલ્યા છે. યુપીએ શાસનકાળમાં અર્થતંત્રનો વિકાસ થયો કે અવદશા થઈ તેની વિગત નાણાપ્રધાન નિર્મલા સીતારામને બહાર પાડેલા શ્વેત પત્રમાં આપવામાં આવી છે - ત્યારે બીજી બાજુ કોંગ્રેસના નેતાઓએ બ્લેક પેપર - શ્યામરંગી - કાળો પત્ર બહાર પાડીને મોદી સરકાર ઉપર રાજકીય ટીકા - પ્રહાર કર્યા છે ! હવે ચૂંટણી પ્રચાર વિધિસર શરૂ થાય તે પહેલાં અર્થતંત્રનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. વાસ્તવમાં મોદી સરકારને હઠાવવામાં, હરાવવામાં નિષ્ફળ ગયેલા વિરોધ પક્ષે અર્થતંત્રના અંચળા-બહાના હેઠળ ભારતમાં ભાગલા ઉત્તર-દક્ષિણનાં નામે કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. કેન્દ્રની ભાજપ - એનડીએ સરકારે લોકસભામાં રજૂ કરેલી શ્વેતપત્રિકામાં જણાવ્યું છે કે યુપીએ સરકાર દ્વારા અર્થતંત્રની એટલી બધી લૂંટ ચલાવાઈ કે ભારતીય ઉદ્યોગપતિઓ પણ વિદેશમાં રોકાણ કરવાને પ્રાધાન્ય આપવા લાગ્યા. એનડીએ સરકારે અર્થતંત્રમાં ચૈતન્ય નિર્માણ કર્યું છે એવો દાવો પણ શ્વેતપત્રિકામાં કરવામાં આવ્યો છે. ઉપરાંત યુપીએ અને એનડીએના કાર્યકાળમાં જુદાં જુદાં ક્ષેત્રમાં કરેલા વિકાસના આંકડા સરખામણી માટે આપવામાં આવ્યા છે. એનડીએ સરકાર 2014માં સત્તામાં આવી ત્યારે ખોખલું અર્થતંત્ર `વારસા'માં મળ્યું હતું, પણ દશ વર્ષના કાર્યકાળમાં અર્થતંત્રને પાટે ચઢાવવામાં અમને સફળતા મળી છે એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને શ્વેતપત્રિકામાં જણાવ્યું છે. એનડીએ શ્વેતપત્રિકા બહાર પાડવાના સંકેત મળતાં કોંગ્રેસે ઉતાવળે શ્યામપત્રિકા બહાર પાડી છે. `ભાજપે પોતાના સત્તાકાળમાં વિરોધ પક્ષોના લગભગ 411 વિધાનસભ્યોને પોતાના પક્ષમાં ખેંચ્યા. પગલું લોકશાહી ખતમ કરનારું છે.' એવો આક્ષેપ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્યો છે. મોદી સરકારના છેલ્લા દશકાના કાર્યકાળ `દસ સાલ અન્યાય કાળ' એવું નામ આપવામાં આવ્યું છે. ખડગેએ કેન્દ્ર સરકારના દસ વર્ષને અન્યાયકાળ ગણાવીને મોંઘવારી, બેરોજગારીના મોરચે નિષ્ફળ ગણાવી છે. રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કરતાં `કોંગ્રેસના શ્યામ પત્રને દેશના વિકાસ અને પ્રગતિને બૂરી નજરથી બચાવનાર `કાળું ટપકું' ગણાવ્યું છે, જ્યારે કોઈ બાળક નવાં કપડાં પહેરીને તૈયાર થાય છે તો ઘરના વડીલો બાળકના શરીરે `કાળું ટપકું' કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુઝુર્ગ હોવાના નાતે ફરજ બજાવી છે ! માટે તેમને ધન્યવાદ.' શ્વેતપત્રિકામાં જણાવ્યા મુજબ 1991માં આર્થિક સુધારાઓનું શ્રેય લેનારી કોંગ્રેસે 2004માં સત્તામાં આવ્યા પછી સુધારા બંધ કરી દીધા હતા, જ્યારે કે તે સમયે સુધારાની સૌથી અધિક આવશ્યક્તા હતી. 2004થી 2008 સુધી વાજપેયી સરકારના સુધારાના પ્રયાસોથી આર્થિક તેજી વધી હતી. કોંગ્રેસે યશ લીધો પણ સત્તા મળ્યા પછી કોંગ્રેસ શાસનમાં ભ્રષ્ટાચારની ભરમાર હતી. કૌભાંડો અને નીતિગત અનિર્ણયોથી અર્થતંત્ર ખાડે જવા લાગ્યું હતું. 2008માં વૈશ્વિક મંદીના દોરમાં ઉચ્ચ આર્થિકદર જાળવી રાખવા માટે ખોટા નિર્ણયોએ આર્થિક માળખાંને ગંભીર ક્ષતિ પહોંચાડી હતી. 2009થી 2014માં કૌભાંડો અને ઉચ્ચ સરકારી સોદાએ પણ આક્ષેપોનો ઢગલો કરી દીધો હતો. યુપીએ સરકારમાં સરેરાશ વાર્ષિક ફુગાવો વધારે રહ્યો હતો. યુપીએએ બેન્કિંગ ક્ષેત્રને તબાહ કરી દીધું, સરકારી બેન્કોનું `એનપીએ' વધીને 12.3 ટકા પહોંચી ગયું હતું, જે વાજપેયીના રાજમાં 7.8 ટકા હતું. બન્ને પક્ષોએ પત્રોમાં આંકડાના આધારે સામસામા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પણ સંકેત છે કે, આવનારી લોકસભા ચૂંટણી ખૂબ આક્રમક થનારી છે. સરકારના શ્વેત પત્ર પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ શશી થરૂરે જે રીતે આંકડાઓના સહારે કેન્દ્ર સરકાર, વિશેષ કરીને ભાજપને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, બતાવે છે કે, વિપક્ષ આક્રમણ કરવા તૈયાર છે. ભાજપને વિશ્વાસ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ હશે અને તેઓ દેશને ખુશહાલીના શિખર પર પહોંચાડવાની ગેરન્ટીને એક શક્તિશાળી આધાર આપવા માગે છે, જ્યારે વિપક્ષ જાણે છે કે, વેળા તેઓ માટે અસ્તિત્વનું સંકટ પેદા થઈ શકે છે. `કરો યા મરો'ની સ્થિતિ ફક્ત કોંગ્રેસની નહીં, બીજા કેટલાક પ્રાદેશિક પક્ષોની પણ છે. શ્વેત-અશ્વેત પત્રોનો `દસ્તાવેજી જંગ' બંને પક્ષોને મદદગાર બની શકે છે. વાસ્તવમાં શ્વેત પત્ર એક પ્રામાણિક દસ્તાવેજ હોય છે. આમાં આપવામાં આવેલા આંકડા સાચા માનવામાં આવે છે જેને ભાગ્યે પડકારી શકાય. કારણે સમયાંતરે શ્વેત પત્ર બહાર પાડવાની માંગ વિપક્ષ કરતો રહે છે. આપણે `પેગાસસ' કે પનામા પેપર્સ પ્રકરણમાં પણ આમ થતાં જોયું છે, પણ ભાજપના શ્વેત પત્રમાં સરકારના વિચાર, તેમની નીતિઓ, આગામી યોજનાઓના તેમના પ્રસ્તાવ પર જનતાના પ્રતિસાદની ઝલક પણ દેખાય છે. સરકારના શ્વેત પત્રમાં અર્થકારણ દેખાય છે, જ્યારે કોંગ્રેસના શ્યામ પત્રમાં રાજકારણ જણાય છે, કોઈપણ વિષય, મુદ્દા કે નીતિનો વિરોધ અને અસહકાર કરે છે. કોઈપણ લોકતંત્રમાં શ્વેત પત્રને સન્માનની નજરે જોવામાં આવે છે. ઔદ્યોગિક ગૃહો પણ શ્વેત પત્ર બહાર પાડે છે. જેટલી માહિતી લોકો સુધી આવશે, તે લોકતંત્રનાં સ્વાસ્થ્ય માટે સારી છે. શ્વેત પત્ર આમ તો એક જાતનો રિપોર્ટ હોય છે અને તે સરકાર, કોઇપણ કંપની કે સંસ્થા બહાર પાડી શકે છે. સામાન્ય રીતે કંપનીઓ શ્વેત પત્ર બહાર પાડી પોતાની નાણાકીય સ્થિતિ કે આયોજનો રોકાણકારોને આપે છે, તો સરકાર શ્વેત પત્ર બહાર પાડે ત્યારે પોતાની સિદ્ધિ અને ભાવિ આયોજનો રજૂ કરે છે. 1922માં પહેલીવાર બ્રિટનમાં શ્વેત પત્ર ચર્ચિલે બહાર પાડયું હતું. આંતરરરાષ્ટ્રીય સ્તરે છેલ્લે ચીને કોરોના મામલે થયેલા આરોપોની સફાઇ માટે શ્વેત પત્ર બહાર પાડયું હતું. મોદી સરકારે શ્વેત પત્ર બહાર પાડયા પછી વિરોધી રાજ્યો પણ હવે તેની તૈયારી કરી રહ્યા છે, હરિયાણાના મુખ્યમંત્રી સુખવિન્દર સુખ્ખુની સરકાર રાજ્યની આર્થિક સ્થિતિ પર, તો બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ડાબેરી પક્ષોના શાસનકાળ પર શ્વેત પત્ર લાવવાની વિચારણા કરી રહ્યા છે. કોઈપણ સવાલ કરી શકે છે કે એનડીએ પોતાના ત્રીજા કાર્યકાળનો ભારે વિશ્વાસ ધરાવે છે તો તેણે શ્વેત પત્ર લાવવાની શી જરૂર હતી? પણ ચૂંટણીના ગણિતમાં ભાજપ એક પણ ભૂલ નથી કરવા માગતી. ઉત્તર પ્રદેશમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપણે 2019ની ચૂંટણીમાં જોઈ લીધું છે, આને લઈ તે પોતાનાં પ્રદર્શનને જાળવી રાખવાની સાથોસાથ દક્ષિણ ભારતમાં પણ પક્ષને સ્થાપિત કરવા ઈચ્છે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા શ્વેત પત્રમાં ચૂંટણીના ભાવિ ઘોષણાપત્રના નિર્દેશ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang