• બુધવાર, 31 મે, 2023

ખિસ્સાં પરનો ભાર યથાવત

દેશમાં મોંઘવારીનો દર ઘટયો હોવાનો દાવો આંકડા સાથે ફરી એકવાર થયો છે. ફુગાવાનો છેલ્લા 36 માસનો સૌથી ઓછો દર અત્યારે છે, તેવું કહીને કેન્દ્રનું વેપાર-ઉદ્યોગ મંત્રાલય હરખાઈ રહ્યું છે. જો કે, સામાન્ય માણસને આ ઘટેલા દરનો કોઈ ફાયદો થયો છે કે નહીં તે સવાલ બીજો છે. આ સિદ્ધિ લોકોને માધ્યમોમાં વંચાઈ અને દેખાઈ રહી છે, પરંતુ રોજિંદા વ્યવહારમાં અનુભવાઈ રહી નથી. દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં તો જરા પણ ઘટાડો થયો નથી. એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો માઈનસ 0.92 નોંધાયો છે. આ દર ઋણમાં ગયો છે. જે રીતે છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી વધી હતી. કોરોનાને લીધે અર્થતંત્ર ફસડાઈ પડયું હતું, તે જોતાં આ સ્થિતિ આવકાર્ય અને રાહત આપનારી જ છે. સરકારે જાહેર કરેલા આ આંકડા લોકો સમક્ષ આવે ત્યારે સતત એ જ ચર્ચા થાય છે કે, ભાવ ક્યાં ઘટયા છે. અર્થશાત્રના સિદ્ધાંતોની દૃષ્ટિએ કદાચ ફુગાવાનો આ ઘટાડો હોઈ શકે, પરંતુ વ્યવહારુ જીવનમાં તેનો અનુભવ આમ આદમીને થતો નથી. સરકારે જે કેટલીક વસ્તુઓ ભાવાંકના માપદંડ માટે નક્કી કરી છે, તેની કિંમતોના આધારે ફુગાવો નક્કી થઈ શકે. જે સવાલ લોકોનાં મનમાં છે કે, જો ફુગાવાનો દર ઘટયો હોય તો શા માટે આપણા ખિસ્સાં પરનું ભારણ ઘટતું નથી ? તેનું કારણ એ છે કે, જેનો ઉપયોગ ગરીબ અને મધ્યમ વર્ગ કરે છે, તે વસ્તુઓના ભાવ ઘટયા નથી. ભાવાંકના માપદંડમાં તે વસ્તુઓ નથી. તાજેતરમાં જે જાહેરાત થઈ છે, તે અનુસાર માર્ચ માસના 1.34 ટકા ફુગાવામાં ઘટાડો થયો અને એપ્રિલમાં તે માઈનસમાં જતો રહ્યો છે. છૂટક ફુગાવો હજીય પાંચ ટકા ઉપર છે. ખનિજ તેલનો ફુગાવો ઘટયો છે, હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવ સ્થિર છે કે ઘટી રહ્યા છે. જો કે, નાગરિકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં અપેક્ષિત રાહત મળી નથી. બિનખાદ્ય વસ્તુઓના ભાવ ઘટયા છે. મધ્યમ-ગરીબ વર્ગની મોટાભાગની ખરીદી ખાદ્યપદાર્થોની હોય છે. રસાયણોનો ભાવ પણ ઘટયો છે અને તેની અસર આ ફુગાવાના દર પર થઈ છે. ઈંધણ સિવાય કોઈ વસ્તુ મધ્યમવર્ગ ઉપયોગમાં લેતો હોય તેવું નથી. જથ્થાબંધ ફુગાવો ઘટયો છે, તે દાવાને ખોટો ન કહી શકાય. મોંઘવારી છે તો સામે સરકારે માળખાંકીય સુવિધાઓથી લઈને દેશની સુરક્ષા માટેનાં વિવિધ પગલાં લીધાં અને યોજનાઓ ઘડી તેમાં પણ ના નથી, પરંતુ મોંઘવારીના ઘટતા સરકારી આંકડા અને લોકોને થતા ખર્ચ વચ્ચે તફાવત છે. આ ઘટેલા ફુગાવાને લીધે લોકોની ખરીદશક્તિ વધી નથી અને બજારમાં વેચાતી વસ્તુઓના ભાવ થોડા સમય પહેલાં હતા તેના કરતાં ઘટયા નથી. આમ આદમી મોંઘવારીથી ટેવાઇ ગયો છે. કરિયાણાની દુકાને મસાલા, તેલ, શેમ્પૂ, સાબુ, ટૂથ પેસ્ટ, બ્રશ જેવી અસંખ્ય આઇટમ છે, જેમાં કોઇપણ જાહેરાત વિના એકથી પાંચ-દસ રૂપિયા વધારી દેવાયા છે. મોલમાં કે દુકાનમાં `શોપિંગ' કરતા લોકો તદ્દન અજાણ હોય છે. મોંઘવારીના આંકડામાં ઉતાર ચડાવની પ્રક્રિયાથી ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને ભાગ્યે જ ફાયદો થતો હશે. તેમનાં ખિસ્સાં પરનો ભાર યથાવત જ રહે છે.