• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

અબડાસા સિમેન્ટ એકમને 15 દિવસ બંધ રાખવા તાકીદ છતાં ઉલ્લંઘન

નલિયા, તા. 29 : અબડાસા તાલુકાના ઘરડા પંથક સ્થિત વાયોર નજીક આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરી દ્વારા લાંબા સમયથી નિયમો નેવે મૂકીને હવામાં મોટા પ્રમાણમાં સિમેન્ટની ડસ્ટ (ધૂળ) છોડવામાં આવી રહી હોવાની વ્યાપક રાવ ઊઠતાં આખરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની ટીમે સ્થળ પર દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  ફેક્ટરીમાંથી સતત ઓકાતી ડસ્ટ આસપાસના સીમાડાઓમાં ફેલાઈ રહી હોવાથી ખેડૂતોની ઉપજાઉ જમીનો બંજર બનવા તરફ ધકેલાઈ રહી હોવાની ગ્રામજનોમાં બૂમરાણ મચી છે. પ્રાપ્ત વિગતો મુજબ, પ્રદૂષણ મામલે અગાઉ પણ ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે જીપીસીબી તંત્ર દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને પ્લાન્ટમાંથી ડસ્ટનું ઉત્સર્જન બંધ કરવા સંદર્ભે 15 દિવસની નોટિસ ફટકારવામાં આવી હતી. આમ છતાં કંપની સંચાલકો દ્વારા બેપરવાહ વલણ દાખવીને હવામાં ડસ્ટ છોડવાનું યથાવત્ રખાયું હોવાના ગંભીર આક્ષેપો ઊઠયા છે. આ સિમેન્ટની રજકણો પવનના વેગે આસપાસનાં ખેતરોમાં ફરી વળીને પાક તેમજ જમીન પર થર જમાવી રહી છે, જેના પરિણામે ધરતીપુત્રો માટે ખેતી કરવી દુષ્કર બની ગઈ છે. આટલું જ નહીં, વાયોરના સીમાડે આવેલા ંકુદરતી `ખારો તળાવ'નાં પાણીમાં પણ સિમેન્ટની રજકણો ભળવાથી સદંતર દૂષિત થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.  દરમિયાન પ્રદૂષણ બોર્ડની ટીમ આજે વાયોર પંથકમાં પહોંચી હતી અને અસરગ્રસ્ત ખેતરો તથા સીમાડાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ વેળાએ ખેડૂત પ્રદીપાસિંહ જાડેજા તથા ખત્રી અબ્દુલ કરીમ રમજાન સહિતનાએ ઉપસ્થિત રહી પોતાની વ્યથા ઠાલવી હતી. આ અંગે વાયોરના પ્રતાપાસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રદૂષણ બોર્ડ દ્વારા અગાઉ 15 દિવસ માટે પ્લાન્ટ બંધ રાખવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં કંપનીએ પ્લાન્ટ બંધ રાખ્યો નથી અને નિયમોની ઐસીતૈસી કરીને સતત પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે. ખાસ કરીને રાત્રિના અંધારાનો લાભ લઈને કંપની દ્વારા મોટા પાયે હવામાં ડસ્ટ છોડવામાં આવે છે, જેના લીધે આસપાસના સાત જેટલા ગામોની ખેતીલાયક જમીનો ખરાબ થઈ ગઈ છે અને હવે કોઈ વાવેતર શક્ય રહ્યું નથી. તંત્રની નોટિસનો પણ અમલ થયો ન હોઈ, કંપની સામે કડક પગલાં લેવાય તેવી ખેડૂતોની માંગ છે. બીજી તરફ, સ્થળ નિરીક્ષણ માટે વાયોર પહોંચેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કિશનભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, ફેક્ટરીને અગાઉ 15 દિવસની નોટિસ અપાઈ હતી અને હવે ફરીથી ફરિયાદો મળતાં ખેડૂતોના ખેતરો તથા ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કચેરીને સુપરત કરવામાં આવશે અને તેના આધારે નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd