ભુજ, તા. 11 : કચ્છ અને મોરબીથી અન્ય પ્રાંતોને
જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની
કેન્દ્રીય રેલ મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ રજૂઆત કરી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની
સાથે ચોમાસુ સત્ર દરમ્યાન મુલાકાત કરી સાંસદે મોરબી વિસ્તારમાં રેલ સુવિધા અને નવી
ટ્રેન સેવાઓ શરૂ કરવા જણાવ્યું હતું. સાંસદે જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રે માળખાંગત વિકાસ, ટેકનોલોજિકલ નવીનીકરણ
થઇ રહ્યું છે, ત્યારે રેલવે ક્ષેત્રે પણ ઘણા સુધારા - નવી રેલવે,
આધુનિક રેલવે સ્ટેશનો, દેશના દરેક ક્ષેત્રને જોડતી
રેલવે સેવા છે. ભુજથી ઊપડતી ભુજ-સરાય રોહિલ્લા ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા,
મોરબીથી મુંબઇ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા, ભુજથી
થાણા (મુંબઇ) વચ્ચે નવી રેલ સેવા, ભુજ-ગાંધીધામથી ઊપડતી ટ્રેનોને
માળિયા સ્ટોપેજ, બિહાર-ઉત્તરપ્રદેશને જોડતી ગાંધીધામ,
ભાગલપુર ટ્રેન નંબર 09451ને કન્ટિન્યુ કરવા, કચ્છથી ઉત્તરપ્રદેશને જોડતી નમો ભારત ટ્રેન શરૂ કરવા, મોરબી- અમદાવાદ, મોરબી-રાજકોટ ટ્રેન સેવા શરૂ કરવા રજૂઆતો
કરી હતી. ધંધા-રોજગાર અર્થે કચ્છમાં સ્થાઇ થયેલા લાખો પરિવારોને, ધર્મ સ્થળોએ યાત્રાએ જતા પરિવારોને સવલત મળશે. રજૂઆતની નોંધ લઇ કેન્દ્રીય રેલ
મંત્રી શ્રી વૈષ્ણવએ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. સાંસદની સાથે ઉત્તર ભારતીયોનું
પ્રતિનિધિ મંડળ પણ જોડાયું હતું.