• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

સીમા સમુદ્રી દર્શન માટે 150 કરોડના ખર્ચે જેટીનો નિર્ણય

ભુજ, તા. 11 : પશ્ચિમ કચ્છમાં પ્રવાસનના નવાં દ્વાર ખોલવા સમુદ્રી સીમા દર્શનનો આંશિક પ્રોજેક્ટ શરૂ થયા બાદ આવનારા દિવસોમાં મોટાપાયે વિકાસ કરવાની ઘડીઓ ઘડાઇ રહી છે. કેમ કે, કચ્છના દરિયાઇ વિસ્તારમાં આવેલા કોરીક્રિક વિસ્તારમાં પડાલા બેટ પર જળમાર્ગે પ્રવાસીઓને લઇ જઇ અનોખા રોમાંચનો અનુભવ કરાવી શકાય એ માટે રાજ્યના મેરીટાઇમ બોર્ડ દ્વારા કોટેશ્વર તથા પડાલા બેટ પર રૂા. 150 કરોડના ખર્ચે જેટી બનાવવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઊભી થતાં હવે કચ્છ પણ દેશના મહત્ત્વના પર્યટન મથકોની જેમ હબ બની ગયું હોવાથી નવા-નવા પર્યટન સ્થળોને વિકસાવવાની દિશામાં પગલાં લેવાઇ રહ્યાં છે. તાજેતરમાં પૂર્વ વન વિભાગ દ્વારા પણ ચાર સ્થળોએ વન્યજીવન-વન્ય જીવસૃષ્ટિનાં કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે.

સમુદ્ર સીમા દર્શન

કોટેશ્વરથી જળમાર્ગે કોરીક્રિક વિસ્તારમાં પશ્ચિમ વન વિભાગ દ્વારા પડાલા બેટમાં નિર્માણ પામેલા ચેરિયાં સંવર્ધન કેન્દ્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચારેય તરફ દરિયાઇ પાણી વચ્ચેના બેટ પર મોટાપાયે ચેરિયાંનું જંગલ ઊભું કરવામાં આવ્યું છે. સાથે સાથે ત્યાં રહેવા પૂરતી સુવિધાઓ - ચેરિયાં અંગે માર્ગદર્શન આપતું સેન્ટર વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં સુધી પહોંચવા કોટેશ્વરથી બોટમાં જળમાર્ગે જવું પડે છે અને બેથી અઢી કલાકનો સમુદ્રનો રોમાંચ પણ પર્યટકો માણી શકશે તેવી સ્થળ પર ગયા પછી જાણકારી મળી હતી.

અત્યારે જેટી નથી

કચ્છમાં અત્યારે લાખોની સંખ્યામાં દર વર્ષે પર્યટકો આવે છે અને કચ્છને માણવા-જાણવા કંઇ બાકી નથી રાખતા. આંશિક રીતે લક્કી નાળાંથી મર્યાદિત સંખ્યામાં બોટમાં સીમાદર્શન યોજવામાં આવે છે, પરંતુ પડાલા બેટ સુધી નાની બોટને પહોંચવું મુશ્કેલ છે. જ્યારે મોટી બોટ કોટેશ્વરથી ચાલી શકે પરંતુ ત્યાં જેટી નહીં હોવાના કારણે વન વિભાગ પણ જીવના જોખમે કોટેશ્વરમાં સીડી લગાવી પડાલા બેટ સુધી અવર-જવર કરે છે, પરંતુ પર્યટકોને લઇ જવું અત્યંત જોખમી છે. સાથે હજુ વન વિભાગને પ્રવાસન વિભાગ દ્વારા પરવાનગી પણ આપવામાં આવી નથી તેવું નાયબ વન અધીક્ષક હર્ષભાઇ ઠક્કરે જણાવ્યું હતું. શ્રી ઠક્કરે જણાવ્યું કે, જેટી બનાવવાનું કામ મેરીટાઇમ બોર્ડનું હોવાથી પ્રવાસન વિભાગ અને મેરીટાઇમ બોર્ડના સંયુક્ત પ્રયાસોથી જેટી બનાવવાનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે.

150 કરોડના ખર્ચે જેટી

ભવિષ્યમાં પડાલા બેટ સુધી પ્રવાસીઓને સમુદ્રી સીમા દર્શન કરાવવા હોય તો કોટેશ્વર અને પડાલા બેટ પર જેટી જરૂરી છે. વન વિભાગે પણ પ્રસ્તાવ મૂકતાં મેરીટાઇમ બોર્ડને કામ કરવાનું હોવાથી રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂા. 150 કરોડ ફાળવવામાં આવ્યા હોવાને સત્તાવાર સમર્થન આપતાં ગાંધીનગર સ્થિત મેરીટાઇમ બોર્ડના કાર્યપાલક ઇજનેર એ. એ. પટેલે જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, બોટમાં પ્રવાસીઓ સલામત રીતે બેસી શકે, અવર-જવર થાય એ માટે જેટી ઉપરાંત પર્યટકો માટે ટર્મિનલ, ત્યાં સુધી પહોંચવા રોડ ઉપરાંત પડાલા બેટમાં પણ જેટી, રોડ વગેરે બનાવવામાં આવશે. પડાલા બેટ એ ક્રીક વિસ્તાર હોવાથી સાવચેતી રાખવી જરૂરી હોવાથી તેને ધ્યાનમાં રાખી આયોજન કરાશે. જમીન સંપાદન વગેરે થઇ ગયું છે. ગ્રાન્ટ પણ પ્રવાસન વિભાગ આપશે અને બંને સ્થળે જેટી બનતાં બે વરસ લાગી જશે. સરહદનું પહેલું ગામ કોટેશ્વર હોવાથી ત્યાંનો વિકાસ થાય અને તેમાંય પ્રવાસનની દૃષ્ટિએ વિકસાવવા પ્રધાનમંત્રીનું સપનું છે ત્યારે એ દિશામાં સંયુક્ત રીતે વિભાગો કામ કરી રહ્યા છે.

પૂર્વ-પશ્ચિમમાં પ્રવાસન

ધોરડો, ધોળાવીરાનો પ્રવાસન ક્ષેત્રે ડંકો વાગી રહ્યો છે ત્યારે પશ્ચિમ કચ્છમાં પણ જો પ્રવાસીઓ માટે સવલતો ઊભી કરવામાં આવે તો કચ્છની ચારેય દિશામાં પર્યટકો લટાર મારી શકે છે. માંડવી બીચ હોય કે ધોરડો, પૂર્વમાં ધોળાવીરા અને પશ્ચિમમાં દીપડા આવી ચૂક્યા છે, ચિત્તા આવી રહ્યા છે એટલે વન્યજીવો આધારિત પ્રવાસન અને બીજી બાજુ સીમા સમુદ્રી દર્શન માટે મહેરામણના કાંઠે તોરણ બંધાઇ ચૂક્યાં છે.

Panchang

dd