ગાંધીધામ, તા. 11 : ગાંધીધામ મહાનગરપાલિકાને રોડ
રસ્તા, લાઈટ, ડ્રેનેજ સહિતના
વિકાસનાં કામો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 55 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા
છે. મહાનગરપાલિકાના શાસકોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ચેક લીધો હતો. આગામી
સમયમાં આયોજન સાથે વિકાસનાં કામો કરવામાં આવશે તેવું જવાબદારોએ કહ્યું હતું. ગાંધીધામના
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મહાનગરપાલિકાના
મેયર દિવ્યાબેન નાથાણી, ડે.મેયર નવીનભાઈ જરૂ, મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દવેરા, સ્ટેન્ડિંગ કમિટીના
ચેરમેન તેજસભાઈ શેઠ, ભરતભાઈ મીરાણી તથા સુરેશભાઈ ધુઆએ મુખ્યમંત્રીના
હસ્તે 55 કરોડનો ચેક સ્વીકાર્યો હતો.
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ રકમ ફાળવવામાં આવી છે. કોર્પોરેશનના 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં
વસતા અંદાજિત છ લાખથી વધુ લોકોની સુખાકારી માટે રોડ,
રસ્તા, લાઈટ, ડ્રેનેજ સહિતના
વિકાસનાં કામો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. આગામી
સમયમાં પણ વિકાસનાં કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે તેના થકીથી સ્માર્ટ
સિટી બનાવવાની દિશામાં તંત્ર આગળ વધી શકશે, પરંતુ અનેક અવરોધો
છે તેને દૂર કરવા જરૂરી છે.
બુદ્ધિજીવી એન્જિનીયરો જરૂરી
કોર્પોરેશનમાં ઇજનેરોની ફોજ છે, પરંતુ શહેરમાં જે રીતે કામ થઈ રહ્યાં છે,
તેમાં આઉટસોર્સથી ભરતી કરેલા ઇજનેરોની નિષ્ફળતા દેખાઈ રહી છે,
સત્તાધિશો પણ ચિંતિત છે. હાલના ઇજનેરોનાં અનેક ભોપાળા બહાર આવી રહ્યાં
છે તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવતાં નથી, જેના
પગલે સવાલો ઊઠી રહ્યા છે. કોર્પોરેશનમાં બુદ્ધિજીવી અને અનુભવી ઇજનેરોની તાતી જરૂરિયાત
છે, તો જ આ શહેરને સ્માર્ટ બનાવી શકાશે. તંત્ર દ્વારા પગલાં ભરાય
તેવી માંગ ઊઠી છે અને સત્તાધીશો સરકારમાંથી કાયમી એક સિટી ઇજનેર અને અન્ય સિવિલ ઇજનેરો
આપવાની રજૂઆત કરે તે પણ જરૂરી છે.