• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

છારીઢંઢમાં સોલાર પાર્ક સામે લાલ આંખ

ભુજ, તા. 19 : કચ્છના વિખ્યાત છારીઢંઢ જળ સરોવર નજીક પ્રસ્તાવિત એન.ટી.પી.સી. કંપની દ્વારા સોલાર પાર્ક બનાવવા માટે 600 એકર જમીનની માગણી કરવામાં આવી છે. છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ ખૂબ યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓ તેમજ પ્રાણીઓ માટે સંવેદનશીલ વિસ્તાર હોઈ જિલ્લાના પક્ષીવિદો, પ્રકૃતિ અને પર્યાવરણપ્રેમીઓ તેમજ આ વિસ્તાર પર આધારિત માલધારીઓમાં ઘેરા પ્રત્યાધાત પડયા છે. છારીઢંઢ જેવા કુદરતી રીતે જળ પ્લાવિત અને રમણીય સ્થળને કોઈ પણ ખતરાથી બચાવવા માટે અહીં પક્ષીવિદો્ અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અને પર્યાવરણપ્રેમીઓની એક અગત્યની બેઠક યોજાઈ હતી. કચ્છના વિવિધ તાલુકાઓના પક્ષીવિદો, પર્યાવરણપ્રેમીઓ એકત્રિત થયા હતા અને પક્ષીઓના ઘર એવા છારીઢંઢ જળ સરોવરને સોલાર એનર્જી પાર્કથી ઊભી થનાર સંભવિત ગંભીર ખતરાઓથી કઈ રીતે બચાવી શકાય તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ એ કચ્છના નળ સરોવર તરીકે ઓળખાય છે. કચ્છના મહારાવ મદનાસિંહજી, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી તેમજ કચ્છના પ્રકૃતિપ્રેમીઓ દ્વારા આ જળ સરોવરને રામસર સાઈટ તરીકે જાહેર કરવા પ્રયત્નો થયા હતા. પરિણામ સ્વરૂપ વર્ષ 2008માં 272 ચો.કી.મી. ક્ષેત્રને કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતની આ સૌ પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ સાઈટ છે, છારીઢંઢ ફકત ભારતમાં નહી  પરંતુ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. કચ્છમાં 300 પ્રકારના યાયાવર પક્ષીઓ જોવા મળે છે, તે પૈકી ર7પ પ્રકારના પક્ષીઓ છારીઢંઢમાં પોતાનો પડાવ નાખે છે. શિયાળાની મોસમમાં 40,000 કુંજ પક્ષીઓ છારીઢંઢમાં આશરો લે છે તેવું બેઠકમાં ચર્ચા દરમ્યાન જણાવાયું હતું. પ્રસ્તાવિત એન.ટી.પી.સી. કંપની દ્વારા સોલાર પાર્ક બનાવવા માટે માગણીની જમીન છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વની નોટીફાઈડ હદની બિલકુલ નજીક છે, પરંતુ માગણીવાળો વિસ્તાર વાસ્તવમાં મૂળભૂત રીતે છારીઢંઢ ક્ષેત્રનો કુદરતી જળ પ્લાવિત વિસ્તાર જ છે, કચ્છમાં જ્યારે શ્રીકાર વરસાદ થાય ત્યારે માગણીવાળી જમીન છારીઢંઢના ભાગ તરીકે પાણીમાં ફેરવાઈ જાય છે, જેમાં પાણી સુકાતા ધામુર, ઉઈન, ડીર, ખારીયો જેવા ઘાસ થાય છે, આ ઘાસ વિસ્તારમાં શિયાળાની મોસમમાં હજારો કુંજ પોતાનો ખોરાક મેળવે છે, ઉપરાંત કુંજ માટે રાત્રિ વિશ્રામની જગ્યા પણ છે. કચ્છના અનેક વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફરોએ માગણીવાળી જમીન પર કુંજ અને અન્ય પક્ષીઓના ઝુંડની ફોટોગ્રાફી કરી છે. કંપની દ્વારા માંગણીવાળી જમીન કચ્છમાં છારીઢંઢમાં જોવા મળતા અતિ દુર્લભ અને લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિમાં મળતાવડી ટીટોડી, ગીધ, રણ લોંકડી, ચરાખ (હાયના) ચિંકારા, સાપ, સાંઢા જેવા સરિસૃપ, શેળો, સસલા, નિલગાય જેવા પ્રાણીઓ ઉપરાંત ભગાડ, શિયાળ જેવા અનેક પ્રાણીઓ છે, માગણીવાળી જમીન આવા પ્રાણીઓનો પર્યાવાસ છે અને તેમના અવરજવરનો માર્ગ છે. આ જમીન પર સોલાર એનર્જી પાર્ક બનવાથી અગત્યનું હેબીટેટ (પર્યાવાસ) આ પ્રાણીઓએ ગુમાવી દેવાનો વારો આવશે તેવો ભય બેઠકમાં વ્યક્ત કરાયો હતો. કંપનીની દ્વારા માગણીવાળી જમીન મંજૂર થતી અટકાવવા માટે રણનિતિ પણ ઘડવામાં આવી છે, જેના ભાગરૂપે  કંપની દ્વારા માગવામાં આવેલી જમીનને મંજૂરી આપવામાં ના આવે તે માટે કલેકટર, મુખ્ય વન સંરક્ષક અને લાગતા-વળગતા વિભાગોને આવેદન આપવામાં આવશે. ઉપરાંત અન્ય જરૂરી કાયદાકીય ઉપાયો અંગે પણ અભ્યાસ કરવામાં આવશે. જાણીતા પક્ષીવિદ અને પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટ, અખિલેશ અંતાણી, શાન્તિલાલ વરૂ, ડો. પંકજ જોષી, અશોક ચૌધરી, દીપક ગોસ્વામી ઉપરાંત છારીઢંઢ સાથે સંકળાયેલા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર,પક્ષીપ્રેમીઓ બેઠકમાં જોડાયા હતા.

Janmadin Vishesh Purti

Panchang