રાપર, તા. 11 : રાપરનું બહુચર્ચિત આંઢવાળું
તળાવ આખરે આ વર્ષે સારો વરસાદ પડતાં ભરાયું છે. શહેરનાં બે તળાવ પૈકીનું નગાસર તળાવ
નર્મદા કેનાલનો વોટર સ્ટોરેજ બનતાં તેની વરસાદી પાણીની આવ બંધ કરાતાં તે ઓગનવાનું બંધ
થઈ ગયું અને આંઢવાળું તળાવ બ્યૂટિફિકેશન માટે તોડી પડાતાં બે વર્ષ બાદ નવા ક્લેવર સાથે
ભરાયું છે. આ તળાવની કુદરતી વરસાદી આવ ચાલુ રાખવામાં આવી હોવાથી સારા વરસાદે ઓગનથી
વેંત છેટું રહ્યું છે, જે હવે પછીના
વરસાદમાં ઓગની જતાં તેને વધાવવાનું નવનિયુક્ત પ્રમુખને નસીબ થશે. આંઢવાળાં તળાવનો નયનરમ્ય
નજારો જોવા મળી રહ્યો છે, તો સોનાંની થાળીમાં લોઢાની મેખ જેવું
નબળું અને પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયેલી પાળનું પેચવર્ક પણ કરવામાં આવ્યું છે. આ તળાવને
લોકભોગ્ય રાખવામાં આવે તેવી સ્થાનિકોની માગણી છે. ઉલ્લેખનીય છે કે, આ તળાવ મોટાં પ્રમાણમાં આજુબાજુના પશુઓ માટે આશીર્વાદરૂપ છે.