• શનિવાર, 27 જુલાઈ, 2024

પઢેગા તભી તો બઢેગા ઈન્ડિયા...!!

ભુજ, તા. 18 : સરકાર એક તરફ કહી રહી છે પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા...બાળકોને સારામાં સારું શિક્ષણ અપાવી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે માટેનું આ સૂત્ર વાલીઓને ચોક્કસ પ્રેરણા પૂરી પાડનારું છે. પણ, ગરીબ પરિવારનાં બાળકો આજે પણ રસ્તે ભીખ માગતાં અથવા તો અન્ય કામગીરી કરી પરિવારને મદદરૂપ થવા બે પૈસા કમાતાં નજરે પડે છે જે સરકારની સાથોસાથ સામાજિક કાર્યોમાં ઓતપ્રોત રહેતી સંસ્થાઓ માટે પણ વિચાર માગી લેતી બાબત છે. અહીં વાત કરવી છે ઉમર દાતણિયાની. ભુજના રામધૂન વિસ્તારમાં પિતાની છત્રછાયા વિના માતા સાથે રહેતો આ 12થી 13 વર્ષીય ઉમર ભણવાની ઉંમરે અન્ય બાળકો માટે ચિત્રોમાં રગપૂર્ણીનાં પુસ્તક વેચી તેની આવકમાંથી માતાને મદદરૂપ બનવા માર્ગો પર ભટકતો રહે છે. મન તો ત્યારે વ્યથિત થઈ ગયું જ્યારે એક સ્કૂલ બસ આવી અને તેમાંથી યુનિફોર્મમાં સજ્જ, મોટા થેલા સાથે નાનાં બાળકો ઊતર્યા અને ઉમર તેમને તેળવા આવેલા વાલીઓને બાળકો માટે ચિત્રકામની ચોપડીઓ ખરીદવા કહેતો હતો. બસ સ્ટેશન પાસે ચાની દુકાને આ બાળકને જોતાં જ તેને પૂછ્યું કે, પુસ્તક વેચે છે તેના બદલે તું ભણવા કેમ નથી જતો. તારા માતા-પિતા શું કામ કરે છે. તેણે જણાવ્યું કે, પિતા નથી, માતા સાથે રામધૂન પાસે જ રહે છે અને તેને મદદરૂપ બનવા ચિત્રકામનાં 20થી 25 પુસ્તકો વેચવા નીકળે છે. રામધૂનથી બસ સ્ટેશન આસપાસના વિસ્તારોમાં ફરી દુકાનો કે ઓફિસ પાસે ઊભેલા લોકોનો હાથ પકડી ચિત્રકામની ચોપડીઓ ખરીદે તેવી વિનવણી કરતા ઉમરને જોઈ એક વાતનો ગર્વ ચોક્કસ લઈ શકાય કે, ભીખ માગવાને બદલે તે પુસ્તક વેચી મહેનતનું કમાઈ પરિવારને મદદ કરી રહ્યો છે. પણ, શિક્ષણ સાથે રમવા-કૂદવાની ઉંમરે પુસ્તક વેચવા નીકળેલાં આ બાળકને જોઈ જીવ ચોક્કસ બળે અને ત્યારે પરિસ્થિતિ લોકોનાં જીવનમાં બહુ મોટો અને મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે તે વાત સ્વીકારવી પડે. અહીં નોંધનીય છે કે, શિક્ષણ માટે અનેક સરકારી યોજનાઓ અમલમાં છે, તો અનેક સંસ્થાઓ પણ જરૂરતમંદ બાળકોને શિક્ષણ કાર્યમાં મદદ કરતી હોય છે, ત્યારે આવાં બાળકોને શોધી તેમને પણ શાળામાં દાખલ કરાવાય તો આવા અનેક ઉમરની જિંદગી સુધરી જાય અને પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયાનું સૂત્ર સાર્થક થાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang