• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મહારાવ મદનસિંહજીએ બલિ પ્રથા બંધ કરાવી હતી

કચ્છના શક્તિપીઠ એવા માતાના મઢ કચ્છ રાજપરિવાર તરફથી આસો નવરાત્રિની અષ્ટમીએ 450 વર્ષથી પતરીવિધિ કરવામાં આવે છે. કચ્છના અંતિમ રાજા મહારાવ મદનસિંહજીએ 1949માં પતરીવિધિ બાદ થતી બલિપ્રથા (ચાર જેટલા પાડાના વધ થતા) તે પ્રથા બંધ કરાવી હતી. અંદાજે 450 વર્ષ પૂર્વેથી ચાલી આવતી પતરીવિધિ, રાજ પરિવાર દ્વારા કરાતી વિધિ છે, ભુજના ટીલામેડી મંદિરેથી પાંચમા નોરતે ચામર પૂજા કરી પતરીવિધિ કરનાર સાતમા નોરતાંની સાંજે સંધ્યા આરતી પહેલાં માતાના મઢે પધારે તે વેળાએ પરંપરા મુજબ મઢ જાગીરના મહંત રાજાબાવા આ રાજવીનું ઢોલ શરણાઇના નાદે તેમનું સામૈયું કરે છે. ત્યારબાદ તેઓ સંધ્યા આરતીનાં દર્શન કરે છે. કચ્છના અંતિમ મહારાવ મદનસિંહજી વિજયરાજસિંહ જાડેજાનો જન્મ તા. 12-10-1909ના થયો હતો તેમજ નિધન તા. 21-6-1991માં લંડનમાં સરૈય શહેરમાં થયું હતું. તેવું તેમના પૌત્ર પ્રતાપસિંહજી હનુવંતસિંહજી જાડેજાએ જણાવ્યું હતું. મહારાવ મદનસિંહજીએ કચ્છને ભારતમાં જોડવાનું શુભ કાર્ય કર્યું હતું. તેઓ નોર્વે ખાતે ભારતના એલચી રહ્યા હતા. રાજાશાહીના વખતથી નોર્વેના રાજા અને કચ્છ રાજવીના ગાઢ સંબંધો હતા. મહારાવ અનેક વખત ઇષ્ટદેવી આઇ આશાપુરાનાં દર્શને માતાના મઢ આવતા ત્યારે મઢ જાગીરના મહંત તેમજ  મંદિરના ભુવા પૂજારી સ્વ. ભગુભા રામસંગજી ચૌહાન સહિતના અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત લેતા, આ મુલાકાતો આ લખનારે નજરે જોઇ છે. પતરીવિધિ અને બલિપ્રથા એકબીજા સાથે જોડાયેલી વિધિ હતી. પતરીવિધિ કરનાર રાજવી અષ્ટમીની સવારે ચાચરા કૂંડે સ્નાન કરી ચાચરા ભવાની મંદિરે ચામર પૂજા કરતા, ચામર એટલે મોર પંખથી બનેલો ગુચ્છો, જે ચામરધારી પોતાના જમણા ખભે ધારણ કરી ચાચરા કૂંડથી માતાજીના મંદિર તરફ ચામરયાત્રા નીકળતી, જેમાં રાજવી ખુલ્લા પગે આવતા, મઢના જાગરિયા (ડાકવાદકો) રાજવીને પીઠ બતાવ્યા વગર ઉઘાડા પગે ચાલતા, આ વેળાએ જાડેજા ભાયાતો સહિત વિવિધ સમાજના માઇભક્તો જોડાતા. રાજવી માતાજીના નીજ મંદિરે પહોંચી આરતી, પૂજા અર્ચના કરતા, મંદિરના ભુવા, માતાજીના જમણે ખભે પતરી મૂકતા (પતરી એટલે આવળ નામની વનસ્પતિનાં પાંદડાનો ગુચ્છો) માતાજીની સન્નમુખ ઊભી પોતાની ઝોળી પાથરી કચ્છ રાજ્યની સુખાકારી માટે પતરીનો પ્રસાદ માગતા, માતાજીના જમણા ખભા ઉપર રાખેલી પતરી આપોઆપ ચામરધારીની ઝોળીમાં પડે એને પતરીવિધિ કહેવામાં આવે છે. ઇ.સ. 1949 પહેલાં આ પતરીવિધિ બાદ રાજવી આ પતરીનો ગુચ્છો, મંદિરના ભુવા તિલાટને આપતા, માતાજીનું મંદિર પૂર્વાભિમુખ છે, તે મંદિરની ઉતરાદિ તરફના ચોકમાં સાત પાડા લાઇનબંધ ઊભા રાખવામાં આવતા, માતાજીનો ભુવો આ પાડાઓના શિંગડા ઉપર પતરીનાં પાન રાખી ઝારીનું પાણી રેડતા, આ પાણી પાડાના શિંગડા ઉપરથી નાક, મુખ તરફ વહેતું, જે પાડો આ ઝારીનું પાણી ચાટે તે પાડા (પશુ)ને સિંદૂરનું તિલક કરવામાં આવતું, ત્યારબાદ ક્ષત્રિય બાહુબલિ યોદ્ધાઓ, તલવારના એકજાટકે પાડાનું માથું કાપી (વધેરી) તેની બલિ આપતા, આ વિધિને નજરે જોનારા માતાના મઢના 84 વર્ષીય લક્ષ્મીશંકર ખરાશંકર જોશીએ જણાવ્યું હતું કે, વર્ષ 1949માં આસો નવરાત્રિએ તે વખતના મઢ જાગીરના ગાદીપતિ તેમજ નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ મધુસૂદન મહારાજના આગ્રહથી કચ્છ મહારાવ મદનસિંહજીએ આ બલિપ્રથા બંધ કરી હતી. માતાજીના ઇતિહાસનું પ્રથમ પુસ્તક લેખક ખરાશંકર જોશીના હસ્તે લખાયું છે, તેમાં આ બલિપ્રથાનો ઉલ્લેખ કરાયો છે. જાડેજા રાજવંશોએ બલિ પામેલા પાડાનું રક્ત કે માંસ માતાજીની સમક્ષ ક્યારેય પણ ધરાવ્યું નથી. માત્ર શક્તિનું પ્રદર્શન તથા કચ્છના ક્ષત્રિય સહિતના યોદ્ધાઓ યુદ્ધમાં રક્ત જોઇ ગભરાય નહીં તે હેતુથી કચ્છ રાજવી પરિવાર તરફથી બલિ પ્રથા કચ્છનાં માતાના મઢ, નેત્રા માતાજીના તેમજ રૂદ્રાણી માતાજીના મંદિરે હતી, તે મહારાવ મદનસિંહજી ઉર્ફે મેઘરાજી બાવાએ બંધ કરાવી હતી, તેવું લક્ષ્મીશંકર જોશીએ જણાવ્યું હતું. વર્ષ 1950થી રાજવી પરિવાર દ્વારા માતાજીના મંદિરે માત્ર પતરીવિધિ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang