• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ગુજરાતમાં સૌથી વધુ યાયાવર પંખી કચ્છમાં નોંધાયા

ગાંધીનગર, તા. 30 : કચ્છમાં એક બાજુ પ્રવાસનની તકો મોટા પ્રમાણમાં વિકસી રહી છે ત્યારે પ્રકૃતિ પણ હવે સાથ આપે તેમ હોવાથી તાજેતરમાં સમગ્ર રાજ્યમા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવતાં અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ માટે કચ્છ જાણે સ્વર્ગ હોવાથી આખાય રાજ્યમાં પક્ષીઓની સંખ્યા 4.56 લાખ સાથે કચ્છ મોખરે છે. મનમોહક રણના સૌંદર્યથી આકર્ષાઇ વિવિધ દેશના યાયાવર પણ કચ્છની ધરતી પર પડાવ નાખે છે તેવું રાજ્ય સરકારના વનમંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું. `બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ : 2023-24'ને જાહેર કરતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી  બેરાએ કહ્યું હતું કે, ટેકનોલોજી, રોજગારી, રોકાણ, પ્રવાસન, પર્યાવરણ, વન્ય જીવ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે અંદાજિત 18થી 20 લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં `પક્ષીજીવન' માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઊભરી આવ્યું છે. વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત ભારતભરમાં આગામી તા. 2થી 8 ઓક્ટોબર દરમિયાન  `વન્ય જીવ સંરક્ષણ' સપ્તાહ ઊજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યમાં સાચા અર્થમાં વન્ય જીવોનું સંરક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે. પશુ-પક્ષીઓની વિશેષ સારસંભાળ- કાળજી માટે રાજ્ય સરકાર દ્વારા `કરુણા અભિયાન', પશુ હેલ્પલાઇન- ટોલ ફ્રી નંબર અને પશુઓનું ફરતું દવાખાનું સહિત અનેકવિધ નવીન સેવા પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે. સરહદી કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4.56 લાખ જેટલાં પક્ષીઓ જોવા મળ્યાં છે. આ સાથે જામનગર, મહેસાણા, બનાસકાંઠા તેમજ અમદાવાદ એ પક્ષી જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે જે ગુજરાત માટે પક્ષી જીવનનો અતુલ્ય વારસો દર્શાવે છે. ગુજરાત તેની વિવિધ ઇકોસિસ્ટમ્સ- પક્ષીઓની વિવિધતા દેશભરના પક્ષીવિદો્- પ્રેમીઓને આકર્ષિત કરે છે તેમ જણાવી વનમંત્રીએ કહ્યું હતું કે, કચ્છના મનમોહક રણથી લઈને લીલાછમ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધીના લેન્ડસ્કેપ્સના સ્પેક્ટ્રમમાં વિખરાયેલા છે. કચ્છનાં રણના વિશાળ મીઠાના ફ્લેટ્સ, સ્થળાંતર ઋતુ દરમિયાન હજારો ગ્રેટર ફ્લામિંગોના આગમનના સાક્ષી બને છે જે સફેદ રણને ગુલાબી રંગમાં પરિવર્તિત કરે છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકાર પક્ષી-પ્રાણી સંરક્ષણ અને સંવર્ધનને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે જેના ભાગરૂપે ગુજરાતમાં સ્થિત નળ સરોવર, નડાબેટ, બોરિયાબેટ, થોર વગેરે જેવાં સ્થળો અંદાજે 50 હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના `હોટસ્પોટ' તરીકે જાણીતા થયાં છે તેમ તેમણે ઉમેર્યું હતું.  વનમંત્રી મૂળુભાઈએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પક્ષીઓની આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું હતું કે, જામનગર વિવિધ 221 પ્રજાતિઓની સાથે 4 લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે. અમદાવાદ પણ રાજ્યના પક્ષી જીવનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. જેમાં 3.65 લાખથી વધુ પક્ષીઓની વસ્તી સાથે 250થી વધુ વિવિધ પ્રજાતિઓ હોવાનું ગૌરવ અમદાવાદ ધરાવે છે. સરહદી એવા નડાબેટ વેટલેન્ડ કોમ્પ્લેક્સમાં એક લાખ કરતાં વધુ પક્ષીઓ વસે છે. `રામસર સાઈટ'ની વાત કરીએ તો કચ્છના છારીઢંઢની કુલ 22,700 હેક્ટર જમીનમાં 150થી વધુ પ્રજાતિઓના 30,000થી વધુ પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસ્થાન સાબિત થયું છે. આજ રીતે, પોરબંદરમાં આવેલી મોકરસાગર `રામસર સાઈટ' 100થી વધુ પ્રજાતિઓના અંદાજે 30,000 પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે, સ્થાનિક તથા યાયાવર પક્ષીઓના સર્વેક્ષણ માટે ગુજરાત વન વિભાગ દ્વારા ઈ-બર્ડ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેના આધારે ગુજરાતમાં પક્ષી વિવિધતા સર્વેક્ષણની આંકડાકીય માહિતી પ્લેટફોર્મ પર નિયમિત અપલોડ કરવામાં આવે છે. આ સર્વેક્ષણમાં વિવિધ પ્રદેશો, જળાશયો અને રામસર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં એનજીઓ, વિવિધ યુનિવર્સિટીઝ તેમજ વૈજ્ઞાનિકો-પક્ષીવિદ્ના સહયોગથી ડેટા તૈયાર કરવામાં આવે છે, જેમાં બનાસકાંઠા, જામનગર, કચ્છ, અમદાવાદ, પોરબંદર, સુરત, દેવભૂમિ દ્વારકા જેવા વિવિધ જિલ્લાઓમાં 13 નજીકના જોખમી, 4 જોખમમાં મુકાયેલા, 7 સંવેદનશીલ અને 1 ગંભીર રીતે જોખમી જાતિઓનું અવલોકન કરવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang