• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટ માહિતીના અધિકારમાં લાવશે ?

ભારતમાં માહિતીના અધિકારના કાયદાથી ભલભલાની ચિંતા વધી જતી હોય છે.  આ કાયદો લવાયો ત્યારથી તેના ફાયદાની ચોમેર ચર્ચા હતી, હવે ફાયદાથી વિશેષ દુરુપયોગની ચર્ચા વધુ થઈ રહી છે. આ ચાવીરૂપ કાયદો લાવનારા રાજકીય પક્ષો પોતે તેનાથી બચવાના તમામ કારણો આગળ ધરતા રહે છે.  લાંબા સમયની આ માંગ હવે સર્વોચ્ચ અદાલતે કાને ધરી છે.  આ માટે છ મુખ્ય રાજકીય પક્ષ પાસેથી તેમનાં મંતવ્યો અદાલતે માગ્યાં છે.  લોકોની લાગણી એવી છે કે, સંખ્યાબંધ કંપનીઓ રાજકીય પક્ષોને માતબર ભંડોળ દાનમાં આપતી હોય છે અને બદલામાં પોતાના લાભ મેળવતી હોય છે. આવામાં રાજકીય પક્ષો જો માહિતીના અધિકાર તળે આવી જાય, તો મોટો રાજકીય ભૂકંપ આવી શકે તેમ છે. રાજકીય પક્ષો પોતાના બચાવમાં એવી દલીલો કરી રહ્યા છે કે, આ કાયદા તળે આવી જાય, તો તેમના ગુપ્ત નિર્ણયો અને તમામ પ્રકારના પગલાંની માહિતી મેળવવા લોકો પાછળ પડી જાય તેમ છે. રાજકીય પક્ષોની નોંધણી લોક પ્રતિનિધિત્વ ધારા તળે થતી હોવાથી તેઓ સરકારના ભાગ હોતા નથી. એટલે તેમના તમામ નિર્ણયોની માહિતી માગવાનો લોકોને અધિકાર આપી શકાય નહીં. આમ તો કેન્દ્રીય માહિતી પંચે છેક 2013માં કહ્યંy હતું કે, રાજકીય પક્ષોની કામગીરી માહિતીના અધિકાર તળે આવી જાય છે, પણ અત્યાર સુધી આ નિર્દેશના પાલન કરવાની કે કરાવવાની કોઈએ તસ્દી લીધી નથી. હવે વધુ એક વખત આ માંગ સામે આવી છે. એક સ્વૈચ્છીક સંસ્થા અને એક વકીલે આ મામલે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. અદાલતે 10 વર્ષથી લટકેલા આ મામલાને હાથ પર લઈને કેન્દ્ર સરકાર, ચૂંટણીપંચ અને છ મુખ્ય રાજકીય પક્ષને કહ્યંy છે કે, તેઓ આ મામલે તેમનો મત રજૂ કરે. સર્વોચ્ચ અદાલત દ્વારા લેવાયેલાં આ પગલાંથી એવી આશા જાગી રહી છે કે, રાજકીય પક્ષોની જવાબદારી અંગે કોઈ નક્કર માર્ગદર્શન બહાર પડી શકશે. લોક પ્રતિનિધિત્વ ધારા તળે પોતે નોંધાયેલા હોવાની રાજકીય પક્ષોની દલીલનો અર્થ એ ન થઈ શકે કે, તેઓ તેમની કામગીરી ગુપ્ત રાખે. ચૂંટણી ફંડ અંગે પણ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે, પક્ષોને દાન આપનારને દાનના ઉપયોગ અંગે માહિતી મળવી જોઈએ.  સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ રાજકીય પક્ષોને મળતા માતબર દાનની વિગતો જાહેર થવા લાગી છે. હવે એવી આશા રાખી શકાય તે માહિતીના અધિકાર તળે આ પક્ષોનો સમાવેશ કરવાના સર્વોચ્ચ અદાલતના કોઈ સ્પષ્ટ આદેશથી તેમની પ્રવૃત્તિ અંગે સામાન્ય નાગરિકો માટે જાણકારી મેળવવાનો માર્ગ મોકળો બની શકશે. જો કે, એક કડવી હકીકત એ પણ છે કે, સમયની સાથે ધારદાર એવા માહિતી અધિકારના કાયદા અને તેની જોગવાઈઓની અસરકારકતા સતત ઓસરી રહી છે. માહિતી માગવાની મુશ્કેલી અને તેનાં અર્થઘટનમાં ગૂંચવાડા ઉપરાંત આ કાયદા તળે અમુક સંવેદનશીલ માહિતી ગુપ્ત રાખાવાનાં વધી રહેલાં ચલણને લીધે આ કાયદો સતત નબળો પડી રહ્યો છે. ખરેખર તો હવે પછીનાં પગલાંમાં આ કાયદાના દુરુપયોગને રોકવાની સાથોસાથ તેની છટકબારી બંધ કરવાના મુદ્દે અદાલતે ધ્યાન આપવાની ખાસ જરૂરત છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd