• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

રતનાલ : વ્રજપ્રભા ગ્રંથ કથા પારાયણમાં ભગવાન રાધેકૃષ્ણના વનવિવાહમાં આસ્થાળુઓ ઊમટયા

રતનાલ (તા. અંજાર) , તા. 6 : અહીં રાધેશ્યામ ધામમાં સામરાણી આહીર પરિવાર દ્વારા આયોજિત વ્રજપ્રભા ગ્રંથ કથા પારાયણ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ ઉપરથી નિજાનંદ સંપ્રદાયના વર્તમાન ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજે છઠ્ઠા દિવસે ભગવાન રાધેકૃષ્ણ અલૌકિક વનવિવાહનું રસપાન કરાવ્યું હતું. વક્તા ત્રિકમદાસજી મહારાજે વ્રજપ્રભા ગ્રંથની વિવિધ નિશાનીઓમાં લિલિપ્ત નિશાની  અને રાધાકૃષ્ણ અલૌકિક વનવિવાહનું સુંદર વર્ણન કરતાં જણાવ્યું હતું કે, વ્રજના સાંકેત વનમાં વસંતપંચમીના દિવસે અલૌકિક વનવિવાહમાં કામદેવ ઘોડા બનીને આવે છે. બ્રહ્માજી બ્રાહ્મણના રૂપમાં આવીને વનવિવાહમાં આવે છે. રાધાકૃષ્ણ અલૌકિક વનવિવાહ ગોપી સ્વરૂપે થાય છે. વ્રજની બાર હજાર સખીઓમાં છ હજાર સખીઓ રાધેજી બાજુ અને છ હજાર સખીઓ શ્રીકૃષ્ણ તરફ, આમ વનમાં અલૌકિક વનવિવાહ પ્રસંગ જે જીવ સાંભળશે તેને ભવસાગરને પાર પરમધામ પ્રાપ્ત થશે, તેવું તેમણે જણાવ્યું હતું. નોંધપાત્ર છે કે, ગોપાલ કારા સામરાણી પરિવાર દ્વારા 34 વર્ષ અગાઉ પ.પૂ. વલ્લભદાસજી મહારાજના વ્યાસપીઠે વ્રજપ્રભા ગ્રંથ કથા પારાયણ આજ તારીખે, વાર, તિથિએ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો અદ્ભુત સંયોગ રચાયો હતો. રાધાકૃષ્ણ વનવિવાહમાં શ્રીકૃષ્ણ પક્ષના યજમાન માતા પરિવાર રતનાલનાં આંગણેથી વાજતે-ગાજતે રતનાલ સચ્ચિદાનંદ મંદિરથી રાધેશ્યામ ધામ કથામંડપમાં પહોંચ્યા હતા. યજમાન પરિવારના કન્યાપક્ષ દ્વારા ભવ્ય સ્વાગત વિધિ કરાઈ હતી. વનવિવાહમાં ભગવાનદાસજી મહારાજે શાત્રોક્તવિધિ પૂર્ણ કરાવી હતી. યજમાન પરિવાર દ્વારા વનવિવાહમાં વનફળ રૂપે ફળફળાદી જાનૈયાપક્ષ-માંડવાપક્ષ અને સમસ્ત શ્રોતાઓને મોટાપાયે વનફળ પ્રસાદ આપવામાં આવ્યો હતો. યજમાન પરિવાર કન્યાપક્ષ દ્વારા સમાજમાં પ્રેરણારૂપ અને આદર્શ દાખલો બેસાડતા શાસ્ત્રો પ્રમાણે ભૂમિદાન, સોનાનાં દાન, રૂપાનાં દાન, ગૌ દાન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે યજમાન પરિવારના કાનજી શેઠ, રૂપા શેઠ પરિવાર દ્વારા રતનાલ સીમમાં આવેલ 2 એકર-3 ગુંઠા ભૂમિ અંજાર સચ્ચિદાનંદ મંદિરે અર્પણ કરી, સોનાનાં દાન કરતા અંજાર સચ્ચિદાનંદ મંદિરે શ્રી અક્ષરાતીત પ્રભુને ત્રણ તોલા સોનાનો હાર સમર્પિત કર્યો. ગૌ દાન કરતા અંજાર મંદિર સંચાલિત વ્રજ ગૌશાળામાં દેશી કાંકરેજ ગાયનું દાન થયું હતું. આ ઉપરાંત યજમાન પરિવાર દ્વારા ગોવર્ધન કન્યા છાત્રાલય સતાપર, આહીર કન્યા વિદ્યાલય ભુજોડી ખાતે પણ અનુદાન અપાયું હતું. કથા પારાયણ દરમ્યાન ભગવાન રાધેકૃષ્ણ શ્યામ સગાઈ ઉત્સવ, ભગવાનના દૂધપીણાં ઉત્સવ, વ્રજ વૃંદાવનનો ભગવાનનો પ્રિય હોળી ઉત્સવ, ગિરિરાજધરન પ્રભુનો ઝાંખી ઉત્સવ, ગિરિરાજપ્રભુ છપ્પનભોગ ઉત્સવ સહિત ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પારાયણના અંતિમ દિવસે એકોર્ડ હોસ્પિટલ ભુજના સહકારથી નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. પારાયણ દરમિયાન પારાયણ જ્ઞાનયજ્ઞમાં રસિક સમાજના રતનાલ, ચોબારી, ખેડોઇ, અંજાર-સતાપર, પાંચોટિયા, ઝરપરા, મુંબઈ, રાજકોટ, અમદાવાદ સમગ્ર આહીરાતમાંથી રસિકો, ભાવિકો, સાધુ-સંતો, રાજકીય-સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang