• ગુરુવાર, 23 જુલાઈ, 2026

એક સાથે 145 શિક્ષકને જિલ્લાફેરમાં સર્વિસબુક અને અન્ય સેવાકીય લાભો આપી છૂટા કરાયા

ભુજ, તા. 22 : બુધવારે કચ્છમાંથી એક સાથે 145 શિક્ષકને જિલ્લાફેરમાં સર્વિસબુક અને અન્ય સેવાકીય લાભો આપી છૂટા કરાયા હતા. આ છૂટા થયેલા શિક્ષકોને જિલ્લામાં બેથી ત્રણ વખત આવવું અને હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્રના પારદર્શક વહીવટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. દરવર્ષે કચ્છમાંથી શિક્ષકો જિલ્લાફેર માટે છૂટા થતા હોય છે, જેઓને પ્રથમ તબક્કે છૂટા થવા માટે શાળા, ગ્રુપ શાળા, તાલુકા કચેરી અને જિલ્લા કચેરીએ દરખાસ્ત મૂકવાની હોય છે. એ જ રીતે છૂટા થવામાં જિલ્લા મુકામેથી તમામ પ્રકિયા પૂર્ણ કરવામાં છૂટા થવામાં વિલંબ થતો અને ત્યારબાદ સેવાકીય લાભો જેવા કે સેવાપોથી લેવી, લાસ્ટ પે સર્ટિફિકેટ , ઓનલાઇન ટ્રાન્સફર પ્રક્રિયા વગેરે માટે શિક્ષકોને તેઓના જિલ્લામાંથી બેથી ત્રણ વખત આવવું પડતું અને હાલાકી ભોગવવી પડતી, પરતું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપી આજે જ એક દિવસમાં ટીમને કામે લગાડી તમામ તાલુકામાંથી કુલ 145 શિક્ષકની પ્રક્રિયા આજે જ પૂરી કરવામાં આવી હતી, જેથી તેઓ હવે પોતાના વતન તરફ ઝડપથી પ્રયાણ કરશે. સમગ્ર રાજ્યની પ્રથમ પારદર્શક પહેલથી શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સંગઠનના પ્રમુખ નયનાસિંહ જાડેજાએ પણ જણાવ્યું કે, આટલા વર્ષોમાં આ પ્રથમ નોંધપાત્ર બાબત છે, જેથી શિક્ષકોને ટૂંકાગાળામાં ખૂબ જટિલ પ્રક્રિયામાંથી છૂટકારો મળ્યો છે અને શિક્ષકોને પારદર્શક વહીવટનો સુખદ અનુભવ મળ્યો છે. શિક્ષકની સેવાપોથી, ઓનલાઇન ટ્રાન્સફર પ્રક્રિયા વગેરે સેવાકીય બાબતો માટે હેરાન ન થવું પડે તે માટે એક જ દિવસે પૂર્ણ થતા શિક્ષકોમાં આનંદ છવાયો છે અને સંગઠને કામગીરી બિરદાવી હતી. આ પ્રક્રિયામાં તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, કચેરી સ્ટાફ બન્ને સંગઠન શિક્ષક અને શૈક્ષિક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. 

Panchang

dd